અંબાજીમાં ત્રીજા દિવસે 3.20 લાખ માઈભક્તોએ માઁ અંબાના દર્શન કર્યા

0
2

જગત જનનીમા અંબાના ધામ અંબાજીમાં ત્રીજા દિવસે 3.20 લાખ લોકોએ દર્શન કર્યાનો અંદાજ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના સૂત્રોએ સેવ્યો છે. મંદિરને ત્રીજા દિવસે એક ભક્ત દ્વારા 60 ગ્રામ અંદાજિત એક લાખ રૂપિયાના સોનાનું દાન મળ્યું હતું. ત્રીજા દિવસે અંબાજીમાં લાલદંડા સંઘનું આગમન થતાં જ ચાચર ચોકમાં ભક્તિભાવ ભર્યા દ્રશ્યો સર્જાઈ ગયા હતા.

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે ભાદરવી મહામેળાની હવે સોળે કળાએ જમાવટ થઇ રહી છે. લાખો પદયાત્રિકો દિવસ, રાત જય અંબે…. જય અંબે…..ના જયઘોષ સાથે અંબાજી ઉમટી રહ્યા છે. અંબાજી જતા તમામ રસ્તાઓ પદયાત્રિકોથી ભરચક બની રહ્યા છે. અરવલ્લીની ગિરીમાળાઓમાં નવી ચેતનાનો સંચાર થયો છે. અંબાજી જેમ જેમ નજીક આવે તેમ તેમ પદયાત્રિકોના જોમ, જુસ્સા અને ઉત્સાહમાં અનેક ઘણો વધારો થતો જાય છે. અંબાજી મંદિરનું શિખર અને ધજા જોઇ યાત્રિકોના આનંદનો કોઇ પાર રહેતો નથી. ઘણા યાત્રિકો ભાવવિભોર બની જતા તેમની આંખોમાં હર્ષના આંસુ અને મોં પર અજોડ ભક્તિભાવ જોવા મળે છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. માતાજીના દર્શન કરીને મંદિર બહાર આવતા યાત્રિકોના મોં પર આનંદ, ઉત્સાહ અને સંતોષ જોવા મળે છે. મંદિર ઉપર ધજાઓ ચડાવવાનો અવિરત પ્રવાહ જોવા મળ્યો છે. ચાચર ચોકમાં ભક્તિની ચરમ સીમા જોવા મળે છે. દૂર દૂરથી ચાલતા-પદયાત્રા કરીને દિવસોથી ચાલી રહેલા માઇભક્તો માતાજીના દર્શન કરી ધન્ય બની હર્ષના આંસુ સાથે મંદિર બહાર આવી ભાવપૂર્વક વારંવાર મંદિરના શિખરને પણ નમન કરે છે. અંબાજી મંદિર પરિસર અને રસ્તાઓ પર માતાજીના અવિરત જયઘોષથી દિવ્ય માહોલની અનુભૂતિ થાય છે. અંબાજી ભાદરવી મહોમળો માઇભક્તો માટે યાદગાર સંભારણું બની રહે છે. પદયાત્રા દરમ્યાન જીવનની રોજીંદી ઘટમાળ અને ઘડિયાળના કાંટે ચાલતા ભૌતિક જીવનમાંથી માણસને મુક્તિનો અનુભવ થાય છે. પદયાત્રા દરમ્યાન યાત્રિકો પોતાનું ભૌતિક અસ્તિત્વ ભુલીને સૌની સાથે એક બની બસ જય અંબે…… જય અંબે…….જય ઘોષ સાથે જ ચાલતા રહેવાનું. ના કોઇ ટેન્શન કે ના કોઇ ચિંતા. એકદમ મુક્ત, સ્વતંત્ર અને ભક્તિમાં લીન બની જવાનું. ઇચ્છા થાય ત્યારે ચાલવાનું, મન થાય ત્યારે બેસીને આરામ કરવાનું અને વળી ભક્તિની મોજ આવે તો ગમે ત્યાં ગરબે ઘુમી નાચી પણ લેવાનું. જે લોકો ક્યારેય કોઇ પ્રસંગમાં ડાન્સ કરી શકતા નથી કે પોતાના ગામની માંડવડીમાં નવરાત્રિમાં ગરબે પણ નથી રમી શકતા તેવા ઘણા લોકો અત્યારે મહામેળામાં માતાજીની ભક્તિમાં ઝુમી, ગરબા રમતા જોવા મળ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here