અમદાવાદનું લૉ ગાર્ડન બજાર હવે હૅપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાના નામથી ફરી ધમધમતું થશે

0
11

ગુજરાતમાં આવેલા અમદાવાદનું જૂનું અને જાણીતું લૉ ગાર્ડન ખાણીપીણી બજાર હવે નવા રંગરૂપ સાથે હૅપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાના નામથી ફરી ધમધમતું થશે. વર્ષોથી ચાલતા આ જૂના ખાણીપીણી બજારને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આધુનિક ટચ આપી આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂડ પ્લાઝા બનાવી રહ્યા છે અને એક મહિના બાદ સ્વાદના રસિયાઓને અહીંથી મનલુભાવન ફૂડની લહેજત માણવા મળશે.

અમદાવાદમાં વર્ષોથી માણેકચોકનું રાત્રિ ખાણીપીણી બજાર અને લૉ ગાર્ડનનું ખાણીપીણી બજાર સ્વાદના રસિયાઓમાં હૉટ ફેવરિટ રહ્યા છે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા લૉ ગાર્ડનની પાછળ આવેલા ખાણીપીણી બજારને રિનોવેટ કરીને વૈશ્વિક લેવલનું ફૂડ પ્લાઝા બનાવવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. હૅપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝાનું કામ લગભગ પૂરું થઈ ગયું છે અને આવતા મહિનાથી આ ફૂડ પ્લાઝામાં ૪૨ જેટલી ફૂડવૅનમાંથી સ્વાદના શોખીનોને અવનવા ફૂડનો સ્વાદ માણવા મળશે.

મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા આ હૅપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ૩૧ મોટી અને ૧૧ નાની ફૂડવૅન ઊભી રાખવાની જગ્યા ફાળવવામાં આવશે. આ ફૂડ પ્લાઝા સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. રાત્રે બે વાગ્યા સુધીમાં ફૂડવૅન માલિકે ફૂડવૅન જગ્યાએથી હટાવી લેવી પડશે. કૉર્પોરેશને હૅપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝામાં ફૂડવૅન ઊભી રાખવા માટે ટેન્ડર બહાર પાડ્યાં છે. ફૂડવૅનની જગ્યા માટેની મુદત ૩ વર્ષની રખાઈ છે. ૩૧ મોટી ફૂડવૅન માટે લઘુતમ માસિક પરવાના – લાઇસન્સ ફીની રકમ ૯૦ હજાર અને ૯ નાની ફૂડવૅન માટે ૩૦ હજાર તેમ જ ૨ નાની ફૂટવૅન માટે ૨૦ હજારની રકમ નક્કી કરાઈ છે.