અમીષા પટેલની સામે જાહેર થયું અરેસ્ટ વૉરંટ, અઢી કરોડની છેતરપિંડીનો છે આરોપ

0
27

બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલની સામે રાંચીની કોર્ટે અરેસ્ટ વૉરંટ જાહેર કર્યું છે. અમીષા પટેલ પર અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. ફિલ્મ નિર્માતા અજય કુમારે અમીષા પટેલની સામે ફિલ્મ બનાવવાના નામ પર અઢી કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો હતો. જેની સુનાવણી લાંબા સમયથી કોર્ટમાં ચાલી રહી હતી.

અજયનો આરોપ હતો કે અમીષાએ ફિલ્મ દેસી મેજિક માટે તેની પાસેથી અઢી કરોડ રૂપિયા લીધા હતા. ફિલ્મ નિર્માતા પ્રમાણે 2017માં અમીષા સાથેની મુલાકાત દરમિયાન તેમની ફિલ્મને લઈને વાત થઈ હતી. ત્યારે ફિલ્મ બની રહી હતી અને તેના કેટલાક મહત્વના ભાગોનું શૂટિંગ પણ થઈ ગયું હતું. જો કે પૈસાની કમી હોવાથી ફિલ્મ વચ્ચે જ રોકાઈ ગઈ હતી. એટલે અજયે તેમાં અઢી કરોડનું રોકાણ કર્યું હતું.

ફિલ્મનું શૂટિંગ રોકાયા બાદ જ્યારે પણ અજયે તેની પાસેથી પૈસા માગ્યા તો અમીષાએ તેને ટાળી દીધા. જે બાદ અમીષાએ તેને ત્રણ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે બાઉન્સ થતા અજયે રાંચીની અદાલતમાં તેની સામે કેસ દાખલ કર્યો હતો. અજયે કહ્યું કે કેસ દાખલ કર્યા બાદ તેણે અમીષાના સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે કોઈ જવાબ નહોતો આપ્યો.તમને જણાવી દઈએ કે અમીષા લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર છે. જો કે હાલમાં બિગ બૉસ 13માં નજર આવી હતી. જે બાદ તેની ચર્ચા ફરીથી શરૂ થઈ ગઈ હતી. તે શોમાં એક દિવસની માલકિન બની હતી. જો કે તેના માટે તેને ટ્રોલ કરવામાં આવી હતી.