કચ્છી પ્રજાનું પરમ શ્રદ્ધાસ્થાન મા હિંગલાજ

0
10

આમ તો શક્તિ ઉપાસના માટે ચાર સિદ્ધપીઠ પ્રખ્યાત છે. પૂર્વમાં કામાક્ષી, પશ્ચિમમાં મા હિંગલાજ, ઉત્તરમાં જ્વાળામુખી અને દક્ષિણમાં મીનાક્ષી. નવરાત્રિના અંતે નવદુર્ગાને આપેલી વિદાયનું દુઃખ હજી ઓછું થયું નથી! એમાં પણ અમાસની રાતથી નવમા નોરતે માતાજીને નૈવેદ્ય ધરાવવા સુધી કચ્છમાં મારા જન્મસ્થળ રોહામાં મા ઉમિયાના સ્થાનકમાં નવદુર્ગાના સાંનિધ્યમાં રહ્યા પછી હજી પણ સવાર અને સાંજ પૂજન-અર્ચન, આરતી, મંત્રો, જાપ અને ગરબાથી ગાજતું વાતાવરણ ન તો નેત્રથી દૂર કે ન હૃદયથી અળગું થયું છે… સતત ગુંજ્યા કરે છે!
એમાં પણ સંધ્યાઆરતી પહેલાં સાક્ષાત્ નવદુર્ગા કુમારિકાઓના સ્વરૂપમાં માથે ઝળહળતા ગરબા મૂકીને ઘેર-ઘેર ગરબો ગાવા નીકળતી એ દૃશ્ય અને તેમણે ગાયેલા ગરબાના શબ્દો અને એનો ઢાળ ન માત્ર અવિસ્મરણીય બની રહ્યો છે, પરંતુ એ દૃશ્યની અપ્રતિમતા આજે પણ સાંજ પડ્યે આંખ સામે ખડી થઈ જાય છે! ‘શેર મોતી લાડવા,
કંઈ ખારેકડી ને ખીર જો,
ખીર ઉપર ચૂંદડી,
વળી ચોખલિયાળી ભાત જો…’
આ તેમનું ગીત પૂરું થાય એટલે બધી કુમારિકાઓ એકસાથે બોલે ‘ગરબાની શીખ આપો…’ ત્યારે કોઈ ગરબાના કોડિયામાં તેલ પૂરે, કોઈ તેમને ગમે એવી ખાવાની વસ્તુ આપે તો કોઈ વળી રોકડા પૈસા આપે!
તે આશીર્વાદ આપતી, હસતી-રમતી, રૂમઝૂમ પગલે જતી હોય એ દૃશ્ય,એ સંયોગ જાણે આદ્યશક્તિ સાથે ન હોય એવું લાગતું હતું! ત્યારે લાગતું કે આપણું હૃદય જેટલું નિર્મળ એટલી ભક્તિ પ્રબળ બનતી હોય છે.
ગરબો એ શક્તિનું પવિત્ર પ્રતીક છે. ગરબો લઈને ફરતી કે ગરબે ઘૂમતી પ્રત્યેક કુમારિકા, યુવતી કે નારીમાં જગજનની મા અંબાનાં જ દર્શન કરાય, તેને વાસનાલોલુપ દૃષ્ટિથી જોનારના હાલ પાવાગઢના રાજા શ્રીપતરાય પતાઈ જેવા થાય! એની કથા રા માંડલિકના શાસનકાળ દરમ્યાનની છે અને પતાઈને માતાજી પર જ કુદૃષ્ટિ કરતાં મહાકાળી માતાએ તેનું પતન કર્યું હોવાની કથા જગપ્રચલિત છે અને એટલે જ લખાયું છે કે
‘એકૈવ શક્તિ: પરમેશ્વરસ્ય,
ભિન્ના ચતુર્ધા વ્યવહાર કાલે,
પુરુષેષુ વિષ્ણુ ભોગે ભવાની,
સમરે ચ દુર્ગા પ્રલયે ચ કાલી.’
મા હિંગલાજને કચ્છ અને કચ્છી પ્રજા વચ્ચે અત્યંત નિર્મળ નાતો છે. બધા જ પૂજે છે પરંતુ કચ્છની ભાનુશાલી જ્ઞાતિ ઉપરાંત અન્ય કેટલીક જ્ઞાતિઓની એ આદ્યશક્તિ છે. કચ્છના સંતો ગુરુ ગોરખનાથ, દાદા મેકણ સહિત અનેક ફક્કડ અવધૂતો અને યોગીઓએ માતાજીનાં દર્શન બલૂચિસ્તાન-પાકિસ્તાનમાં આવેલા તેમના સ્થાનકે જઈને કર્યાં છે. દાદા મેકણના એક દોહામાં હિંગલાજ માતાની યાત્રાનું વર્ણન પણ આવે છે…
‘જતી સતી ને તપસી, અકર પંથ અચન,
નમન કરે નરનારી, જોગી જાતરું કરન’
કચ્છના આ સંત તો ‘હિંગલાજ મા’ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા હતા. આજે પણ કેટલીય કચ્છી જ્ઞાતિઓનાં એ કુળદેવી તરીકે પૂજાય છે. બલૂચિસ્તાન-પાકિસ્તાનમાં બિરાજમાન એ માતાજીની એક કથા છે. મા ઉમિયા જ્યારે પૂર્વજન્મમાં રાજા દક્ષનાં પુત્રી તરીકે અવતર્યાં અને ભગવાન શિવને પરણ્યાં એ પછી દક્ષ રાજાએ યોજેલા યજ્ઞમાં શિવ અને શક્તિને તેમણે આમંત્રણ ન આપ્યું હોવા છતાં દેવી પિતાને ઘેર યજ્ઞમાં હાજરી આપવા ગયાં હતાં અને ત્યાં તેમનું અપમાન થતાં તેમણે યજ્ઞકુંડમાં જ પોતાની આહુતિ આપી દીધી હતી. રોષે ભરાયેલા ભગવાન શિવજીએ સતીનું શરીર ઊંચકીને સમગ્ર બ્રહ્માંડમાં રુદ્ર તાંડવનૃત્ય શરૂ કર્યું હતું ત્યારે એને રોકવા માટે વિષ્ણુ ભગવાને સતીના શરીરના સુદર્શનચક્રથી ટુકડા કર્યા હતા. સતીનાં અંગો જ્યાં-જ્યાં પડ્યાં ત્યાં-ત્યાં શક્તિપીઠ બન્યાં અને એમાંનો એક ટુકડો, શરીરનો એક ભાગ બલૂચિસ્તાન-પાકિસ્તાનના લાસબેલા જિલ્લાના લ્યારા તાલુકામાં હિંગોરા નદીના કિનારે જઈને પડ્યો હતો. અહીં શક્તિનું બ્રહ્મરંધ્ર તાળવું પડ્યું હતું. આ શક્તિપીઠ ખરેખર અનેરું અને અનોખું છે.
‘ઔઉમ બ્રહ્મરંધ્રો હિંગુલા મામ.’
એટલે જગદંબા ઉમિયાનાં શક્તિપીઠોમાંનું એક સ્થાનક! અહીંની શક્તિ ભૈરવી અને શિવ-ભીમ લોચન કહેવાય છે. હિંગોરા નદીના તટ પર જ એક ગુફા છે ત્યાં અંદર જવાથી શક્તિસ્વરૂપા જ્યોતિ મા હિંગલાજનાં દર્શન થાય છે. આ સ્થાનક પશ્ચિમ દિશામાં આવેલું છેલ્લું શક્તિસ્થાનક છે. ત્યાં મોટા ભાગની વસ્તી મુસ્લિમ છે અને તેઓ હિંગલાજને ‘નાની બીબી’ કે ‘મોટી દાદી’ તરીકે વંદનીય ગણે છે! તેમને માટે હિંગલાજ માની યાત્રા હજયાત્રા જેટલી જ પવિત્ર છે. કેટલાક મુસ્લિમો તો તેને ‘નાની હજ’ તરીકે નવાજે છે.
‘હિંગલા’ મૂળ શબ્દ સંસ્કૃતમાંથી ઊતરી આવ્યો છે. પૌરાણિક માન્યતા મુજબ પારદપારો એ ભગવાન શિવનું વીર્ય છે અને ગંધક-ખનિજ એ માતા પાર્વતીની રજ છે. આ બન્નેનો સમન્વય થતાં એનો રંગ લાલચટક લાલ હિંગલોક જેવો સિંદૂરી બને છે. આદ્યશક્તિ હિંગલાજ જે પર્વતની ગુફામાં બિરાજમાન છે એની સામે આવેલા પહાડને ‘ચોરાસી પહાડ’ કહે છે. આ પહાડ પર ભગવાન રામે રાવણ જેવા વિદ્વાન બ્રાહ્મણને મારવાથી લાગેલા બ્રહ્મહત્યાના પાપના પ્રાયશ્ચિત્તરૂપે તપ કર્યું હતું. શ્રીરામે આ પહાડ પર પોતાની યાદગીરીરૂપે સૂર્ય-ચંદ્રનાં પ્ર‌તીક દોર્યાં હતાં એ આજે પણ જોવા મળે છે. તેમણે જ્યાં તપ કર્યું હતું એ સ્થાન ‘ઝરૂખા બેઠક’ તરીકે ઓળખાય છે. કચ્છના, ગુરુ ગોરખનાથની ધૂણી પણ અહીં જ છે. અહીંના ‘અલકુંડ’નું પાણી ગંગાજળ જેટલું જ પવિત્ર માનવામાં આવે છે.
સામાન્ય રીતે દેવી-દેવતાઓની મૂર્તિઓ ઊભેલી કે બેઠેલી જોવા મળે છે, પરંતુ અપવાદરૂપ જગતજનની માતા હિંગલાજ ગુફામાં સૂતેલાં બિરાજે છે. અપવાદ ગણીએ કે આશ્ચર્ય પણ જગદંબા તો સૂતેલી અવસ્થામાં ‘શયન રૂપેણ સંસ્થિતા’ છે! મા હિંગલાજના મંદિરમાં બાળકની માફક લેટી લેટીને પ્રવેશાય છે. ગુફામાં માનાં દર્શન કરીને બહાર નીકળતા ભક્તને નવો જન્મ લીધો હોવાનું લાગે છે. ભક્તો બધા પ્રકારના મતભેદો વિસારે પાડે છે. માતા હિંગલાજ જનનીસ્વરૂપા હોવાથી તેઓ સૌ ધર્મીઓ પ્રત્યે સમાન સંબંધ જાળવે છે. માનવ-માનવ વચ્ચે ધર્મ એ દીવાલ નહીં પણ પુલ બને છે, આ શક્તિસ્થાન એનું જ્વલંત ઉદાહરણ છે.
મા હિંગલાજ અહીં પ્રસૂતિ અવસ્થામાં સૂતેલાં હોવાનું મનાય છે. આ તીર્થસ્થાનમાં પ્રસાદ પણ નવા જન્મેલા બાળકને જે રીતે ગળથૂથીથી અપાય એ રીતે જ અપાય છે અને ભક્ત તેને ભાવપૂર્વક પી જાય છે. ત્યાંના મહંત ‘ઠૂમરા’ના પથ્થરની માળામાંથી એક ઠૂમરો કાઢીને દર્શનાર્થીને ગળામાં પહેરાવે છે. ઠૂમરાના પથ્થરને પાણીમાં ઉકાળીને નરમ કરીને એમાં કાણું કરવામાં આવે છે પછી એને દોરામાં પરોવીને માળા બનાવવામાં આવે છે.
કચ્છ સ‌હિત સમગ્ર દેશમાં અનેક જગ્યાએ હિંગલાજ માતાનાં મંદિર બન્યાં છે. ઋષિ પરશુરામના પરશુથી બચવા માટે અનેક ક્ષત્રિય રાજાઓ મા હિંગલાજના શરણે ગયા હતા. કચ્છના મહારાઓશ્રી દેશળજી માતાજીના પરમભક્ત હતા. તેમને માતાજીએ સ્વપ્નમાં દર્શન આપ્યાં હતાં એ મુજબ મહારાઓશ્રીએ માતાના મઢમાં હિંગલાજ માતાનું મંદિર બંધાવ્યું છે. હવે તો કચ્છમાં આઇ હિંગલાજનાં મંદિરો પણ ઘણી જગ્યાએ જોવા મળે છે.
બધા જ જાણે છે, સમજે છે કે નવરાત્રિના દિવસો એ કંઈ મોજ-મજા કે આનંદ-પ્રમોદ માટે નથી, આટલી સમજ છતાં ભગવતીની ઉપાસના દિવસે-દિવસે ઘટતી જતી જોવા મળે છે. ગામના ચોક વચ્ચે મૂકવામાં આવતી ગરબી અને એના પર મુકાતા ગરબા પરની ઝળહળતી જ્યોત અને ગરબીની ફરતે રમાતા રાસ અને ગવાતા ગરબા લુપ્ત થતા જાય છે. નવરાત્રિનું સ્વરૂપ સાવ વિકૃત અને ભક્તિહીન બનતું જાય છે. ખરેખર તો નવરાત્રિ એ આત્માના ચૈતન્ય સ્વરૂપ ગરબાની દિવ્ય જ્યોતને સર્વત્ર પ્રસરાવવા અને પ્રગટાવવાનો ઉત્સવ છે એને બદલે સમગ્ર આરાધના આડંબરયુક્ત બની ગઈ છે. ભુલાઈ ગયું છે, ‘ગતિસ્ત્વં, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની’. વીતેલી નવ રાત્રિઓનાં લેખાંજોખાં કરવાનો આ સમય છે. મા હિંગલાજનું સ્મરણ કરીને આપણા હૃદય જ્ઞાનરૂપ-પ્રકાશરૂપ બનાવવાની પ્રાર્થના કરવામાં હજી મોડું નથી થયું… આપણે એટલું જ કહેવાનું છે…
‘મત્સમાં પાતકી નાસ્તિ,
પાપઘ્ની ત્વત સમા નહીં,
એવમ જ્ઞાત્વા મહાદેવી,
યથા યોગ્યમ તથા કુરુ.’