કાજોલને પણ વહાલી લાગી ડિજિટલ ફિલ્મ

0
45

સૈફ અલી ખાન,ઇમરાન હાશમી, મનોજ બાજપેયી અને અનેક ફિલ્મી સ્ટાર્સની જેમ હવે અભિનેત્રી કાજોલ પણ ડિજિટલક્ષેત્રે પ્રવેશ કરી રહી છે.

એક જાણીતી ડિજિટલ ચેનલની ઓરિજિનલ ફિલ્મ ‘ત્રિભંગા’ તેકરી રહી છે. ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થશે અને તેમાં તેની સાથે મિથિલા પાલકર અને તનવી આઝમી પણ છે.

કાજોલ આ ફિલ્મ કરવા માટે બહુ રોમાંચિત છે. એક સમય એવો હતો કે જે કલાકારો ફિલ્મોમાં નિષ્ફળ જાય કે નિવૃત્ત થઇ જાય કે જેને ફિલ્મો ના મળતી હોય તે ટીવીમાં કામ કરવા લાગે. ત્યારે ટીવીની બહુ ડિમાંડ હતી અને એવું કહેવાતું કે નવરા કલાકારો ટીવી સિરિયલો કરે.

તે પછી ટીવી સિરિયલોની કેટલી ડિમાંડ વધી અને તેના કલાકારોને કેટલા પૈસા મળવા લાગ્યા તે જોઇને લોકો છક થવા લાગ્યા.

આ વાતનું મોટું ઉદાહરણ છે અમિતાભ બચ્ચન, જેઓ કામ વગરના અને દેવાદાર બની ગયા હતા અને ટીવી પર આવ્યા ત્યારે કૌન બનેગા કરોડપતિથી કરોડોપતિ બની ગયા.

એવી રીતે હવે ફિલ્મોમાં કે ટીવીમાં પણ ના ચાલતા હોય તેવા કલાકારો પહેલા ડિજિટલ માધ્યમમાં કામ કરવા લાગ્યા હતા, પણ તેમાં મળતા અઢળક નાણાં અને પ્રસિદ્ધિ અને દર્શકો જોઇને ફ્લ્મિના મોટા મોટા કલાકારો પણ લલચાવા લાગ્યા અને આજે કેટલાય સ્ટાર્સ આ માધ્યમથી અઢળક નાણાં સાથે પ્રસિદ્ધિ મેળવવા લાગ્યા છે.

એ પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે.

તેમાંહવે કાજોલનું નામ પણ ઉમેરાયું છે. કાજોલ જોકે, લગ્ન અને બાળકો પછી બહુ ફિલ્મો નથી કરતી, પણ સમયના વહેણમાં વહીને તે પણ હવે ડિજિટલ ક્ષેત્રમાં પ્રવેશી છે.

તેના ચાહકોને તો મજા જ છે ને! તે ફિલ્મોમાં જોવા નથી મળતી તો ટીવી પર કે મોબાઇલના ટચૂકડા સ્ક્રીન પર તો જોવા મળશે.

એક સમયની લોકપ્રિય ટીવી અભિનેત્રી રેણુકા શહાણે ‘ત્રિભંગા’ ફિલ્મનું દિગ્દર્શન કરી રહી છે.

ફિલ્મની વાર્તા ત્રણ જુદી જુદી પેઢીની ત્રણ મહિલાઓની આસપાસ ફરે છે અને સમયના પરિવર્તન સાથે તેઓ કુટુંબનું મહત્ત્વ સમજે છે તેવી વાર્તાછે.

અભિનેતા કુણાલ રૉય કપૂર પણ ફિલ્મમાં મહત્ત્વનું પાત્ર ભજવી રહ્યો છે. રેણુકા શહાણે કહે છે કે હું આ ફિલ્મ દિગ્દર્શિત કરવા બહુ ઉત્સુક છું.

મને આ બહુ સારી તક મળી છે અને હું ડિજિટલ ક્ષેત્રની ફિલ્મ કરવા જોડાઇ છું તેનાથી બહુ આનંદ અનુભવું છું.

તે એક જ દિવસે આખા વિશ્ર્વમાં રિલીઝ થશે. ફિલ્મની વાર્તા બહુ સુંદર છે. કાજોલ જેવી અભિનેત્રી છે એટલે ફિલ્મને ચાર ચાંદ લાગી જશે એ દેખીતું છે.

કાજોલ છેલ્લે પ્રદીપ સરકારની ‘હેલિકોપ્ટર ઇલા’માં જોવા મળી હતી. તે પછી તેણે શાહરુખ ખાનની ‘ઝીરો’ ફિલ્મમાં કેમિયો કર્યો હતો.

આ ઉપરાંત તે તેના પતિ અજય દેવગણની આગામી ફિલ્મ ‘તાનાજી: ધ અનસંગ વૉરિયર’માં પણ એક રોલ કરી રહી છે.