કાશ્મીરમાં ચાર આતંકી ઠાર, સામે આવ્યું IS કનેક્શન

0
118
terrorists-reportedly-affiliated-to-isjk-said-dgp-sp-vaid-
terrorists-reportedly-affiliated-to-isjk-said-dgp-sp-vaid-

જમ્મુ કાશ્મીરના અનંતનાગના શ્રીગુફારામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલું છે. આ અથડામણમાં સેનાએ ચાર આતંકીઓને ઠાર માર્યાં છે. માર્યા ગયેલા આતંકીઓનું ઈસ્લામિક સ્ટેટ સાથે કનેક્શન સામે આવ્યું છે. જમ્મુ કાશ્મીરના ડીજીપી એસપી વૈદએ આતંકીઓના આઈએસજેકે (ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ-કાશ્મીર) સાથે કનેક્શન હોવાની શંકા દર્શાવી છે.એવું જણાવવામાં આવી રહ્યું છે કે આતંકી કાશ્મીરના જ રહેવાસી છે. આ એન્કાઉન્ટરમાં આઈએસજેકેનું નામ આવવાથી સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે. આથી એવી પણ આશંકા છે કે ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીરમાં પગ પેસારો કરવાની કોશિશ કરી રહ્યું છે. પીટીઆઈ અનુસાર માર્યા ગયેલા આતંકીઓમાં આઈએસજેકેના વડા દાઉદનો પણ સમાવેશ થાય છે.શ્રીગુફારા અથડામણમાં ત્રણ આતંકીઓને ઠાર મરાયાં એ સુરક્ષાદળની મોટી સફળતા માનવામાં આવે છે. નોંધનીય છે કે આ પહેલા ગત વર્ષે નવેમ્બરમાં જમ્મુ કાશ્મીરના જકુરામાં જ એક આતંકી હુમલાની જવાબદારી ઈસ્લામિક સ્ટેટે લીધી હતી. આ હુમલામાં એક પોલીસકર્મી શહિદ થયાં હતાં. જે પછી ઈસ્લામિક સ્ટેટને લઈને ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ હતી.ઈસ્લામિક સ્ટેટ ઓફ જમ્મુ કાશ્મીરને આઈએસઆઈએસનું જ એક સંગઠન માનવામાં આવે છે. આ સંગઠન ભારતમાં યુવાઓને ઈસ્લામના નામ પર ભડકાવીને દેશ વિરોધી ગતિવિધિઓમાં સમાવેશ કરે છે. થોડા સમય પહેલા સરકારે ભારતમાં ઈસ્લામિક સ્ટેટ હોવાની આશંકાને નકારી હતી. જોકે, શ્રીગુફારામાં અથડામણ એ આ સંગઠનની હાજરીનું તાજું જ ઉદાહરણ છે.નોંધનીય છે કે શ્રીગુફારામાં સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તાર ઘેરી રાખ્યો છે. જાણકારીના આધારે સુરક્ષાદળોએ આ વિસ્તારમાં કાર્યવાહી ચાલુ કરી હતી. નોંધનીય છે કે સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના પુલવા જિલ્લામાં પણ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ચાલું કર્યું છે. આ ઓપરેશન વચ્ચે વિસ્તારમાં તણાવની શક્યતા જોતાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.નોંધનીય છે કે પુલવામાં જિલ્લામાં બે દિવસ પહેલા જ સેના અને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ 3 આતંકીઓને ઠાર માર્યાં હતાં. આ આતંકીઓ પાસેથી એકે-47 રાઈફલ સહિત અન્ય સામાન પણ કબ્જે કરાયો હતો. આ ઓપરેશન દરમિયાન સેનાએ તે ઘરને પણ ઉડાવી માર્યું હતું. જેમાં આતંકીઓએ શરણ લીધી હતી.