ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા: વૃષ્ટિ અને શિવમને ઉત્તર ભારતમાંથી શોધી કાઢ્યાં

0
13

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાંથી લગભગ એક સપ્તાહ પહેલાં ગાયબ થયેલી વૃષ્ટિ અને તેના બૉયફ્રેન્ડ શિવમની ભાળ મળી ગઈ છે. એક અઠવાડિયા સુધી સતત શોધખોળ બાદ ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર ભારતના એક સ્થળેથી બન્નેને શોધી કાઢ્યાં છે. અત્યારે આ બન્ને જણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પાસે છે અને તેઓ બન્નેને લઈને અમદાવાદ પરત આવવા રવાના થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે વૃષ્ટિના ગુમ થવા બાબતે ખૂબ હોબાળો મચી ચૂક્યો છે અને તેનાં લોકેશન પણ અલગ-અલગ જગ્યાએથી મળવાની વિગતોને લીધે આ કેસમાં ઘણો ગૂંચવાડો ઊભો થયો હતો.

વૃષ્ટિ ક્યાં છે અને શી સ્થિતિમાં છે એ બાબતે ચાલતી અવઢવ વચ્ચે બે દિવસ પહેલાં જ તેના ઈ-મેઇલ આઇડી પરથી તેની માતાને એક ઈ-મેઇલ આવી હતી. આ મેઇલમાં વૃષ્ટિના નામે લખાયેલા મેસેજમાં તેણે સૌને ચિંતા કરાવવા બદલ માફી માગી છે. તેને નોકરી મળી ગઈ છે અને સહીસલામત હોવાનું જણાવ્યું હતું.

જોકે એ ઈ-મેઇલમાં તેણે શિવમનો કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. વૃષ્ટિના નામે ઈ-મેઇલ મળતાં નવરંગપુરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આઇપી ઍડ્રેસના આધારે ક્યાંથી ઈ-મેઇલ થઈ છે એની તપાસ હાથ ધરી હતી.