ક્વૉલિટીને કારણે ડ્રીમ ગર્લ 100 કરોડની ક્લબમાં દાખલ થઈ છે : આયુષ્માન ખુરાના

0
12

આયુષ્માન ખુરાનાનું કહેવું છે કે ‘ડ્રીમ ગર્લ’ તેની ક્વૉલિટીને કારણે દર્શકોમાં ખૂબ જ ફૅમસ રહી છે. આયુષ્માનની ‘બધાઈ હો’ બાદ આ ફિલ્મ સો કરોડની ક્લબમાં દાખલ થઈ છે. આયુષ્માનની આ સતત છઠ્ઠી હિટ ફિલ્મ છે. આ વિશે વધુ જણાવતાં આયુષ્માને કહ્યું હતું કે ‘હું હંમેશાં ક્વૉલિટીવાળી ફિલ્મો કરવાની પસંદ કરું છું જે દરેકથી એકદમ અલગ તરી આવે. અત્યારે હટકે ફિલ્મોનો સમય ચાલી રહ્યો છે. રૂટિન ફિલ્મો અને ચોક્કસ ફોર્મ્યુલાવાળી ફિલ્મો લોકો પસંદ નથી કરતાં.’

આયુષ્માને પહેલી વાર માસ કૉમેડી ફિલ્મમાં કામ કર્યું છે. તેણે એ પણ સાબિત કરી દેખાડ્યું છે કે માસ કૉમેડી પણ સારી કન્ટેન્ટવાળી ફિલ્મ બની શકે છે. આ ફિલ્મ માટે તેને દર્શકો અને ક્રિટિક્સ તરફથી સારો રિસપોન્સ મળ્યો હતો. આ વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘હું ‘ડ્રીમ ગર્લ’ દ્વારા એક આઉટ-એન્ડ-આઉટ કૉમેડી ફિલ્મ કરવા ઇચ્છતો હતો અને મને ખુશી છે કે દર્શકોને એ પસંદ પડી છે. સો કરોડની ક્લબમાં વધુ એક ફિલ્મ હોવાની ખુશી છે, પરંતુ હું કોઈ એવા પ્રેશર સાથે કામ નથી કરતો. સો કરોડની ક્લબમાં દાખલ થશે એવા કોઈ વિચાર સાથે હું ફિલ્મની પસંદગી નથી કરતો. જો હું એવું કરીશ તો આર્ટિસ્ટ તરીકે હું કોમ્પ્રોમાઇઝ કરતો થઈ જઈશ અને મારે એ નથી કરવું. મારે હંમેશાં ઓરિજિનલ કોન્ટેન્ટ સાથે કામ કરવું છે. મારે સારી ફિલ્મોમાં કામ કરવું છે કારણ કે સારી રીતે લખવામાં આવેલી ફિલ્મ ખૂબ જ સારી અસર છોડે છે. આજે સારી ફિલ્મો સારો બિઝનેસ કરી રહી છે. આજે દર્શકોને ક્વૉલિટી જોઈએ છે. સતત છ હિટ આપ્યા બાદ દર્શકોને ફરી સારી ફિલ્મ આપવાનું મારા પર પ્રેશર છે. આથી હું હંમેશાંની જેમ મારા દિલની વાત માનીને જ ફિલ્મની પસંદગી કરીશ.’

‘બધાઈ હો’ બાદ ‘ડ્રીમ ગર્લ’ની ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી

‘બધાઈ હો’ બાદ આયુષ્માન ખુરાનાની ‘ડ્રીમ ગર્લ’ સો કરોડની ક્લબમાં સામેલ થનારી બીજી ફિલ્મ બની ગઈ છે. ૧૩ સપ્ટેમ્બરે રિલીઝ થયેલી આ ફિલ્મે અગિયાર દિવસમાં ૧૦૧.૪૦ કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મમાં આયુષ્માનની સાથે નુશરત ભરૂચા અને અનુ કપૂર અગત્યનાં રોલમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મે પહેલા દિવસે ૧૦.૦૫ કરોડનું કલેક્શન મેળવ્યુ હતું. પહેલા દિવસે આટલુ કલેક્શન મેળવનારી ‘ડ્રીમ ગર્લ’ આયુષ્માન ખુરાનાની અત્યાર સુધીની સૌથી વધુ ઓપનિંગ મેળવનારી ફિલ્મ પણ સાબીત થઈ છે.

‘બધાઈ હો’નું લાઇફ ટાઇમ કલેક્શન ૧૩૭.૬૧ કરોડ હતું. ‘ડ્રીમ ગર્લ’ હજી પણ બૉક્સ-ઑફિસ પર છવાયેલી છે. લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડી રહી છે. ‘ડ્રીમ ગર્લ’એ કરેલી સેન્ચ્યુરીને લઈને ખુશી વ્યક્ત કરતાં ફિલ્મનું ટ્રેલર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને આયુષ્માને કૅપ્શન આપી હતી કે ‘ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’એ સેન્ચ્યુરી મારી છે. તમારા પ્રેમ માટે આભાર.’