ખેડૂત આંદોલન: શાકભાજીના ભાવ ડબલ થયા, ગૃહિણીઓ પરેશાન

0
236
gujarat/due-to-farmers-protest-vegetable-prices-increased-by
gujarat/due-to-farmers-protest-vegetable-prices-increased-by

છેલ્લા થોડા દિવસોથી દેશના જુદા-જુદા ભાગોમાં ખેડૂતો કેંદ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે જેના પગલે શાકભાજીના ભાવ આકાશને આંબ્યા છે. સુરતમાં દરેક શાકભાજીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે. APMCએ જણાવ્યું કે, ખેડૂતોના આંદોલનની અસર અન્ય રાજ્યોમાંથી આવતી શાકભાજીના ભાવો પર પણ પડી છે. આગામી દિવસોમાં હજુ શાકના ભાવમાં વધારો થવાની શક્યતા છે.શાકભાજીનો નવો સ્ટોક ન આવતો હોવાથી ડાયમંડ સિટી સુરતમાં છૂટક વેચાતા શાકના ભાવમાં લગભગ 10-20 રૂપિયા પ્રતિ કિલો વધ્યા છે. ડાબેરીઓએ 5 જૂનથી આંદોલન વધુ ઉગ્ર બનાવવાની આપેલી ધમકીના પગલે હાલના તબક્કે સ્થિતિ સુધરવાના કોઈ અણસાર નથી. ખેડૂતોના વિવિધ સંગઠનોએ દેશના 22 રાજ્યોમાં 10 દિવસના આંદોલનની જાહેરાત કરી છે. સાથે જ તેમના ઉત્પાદનના ષોષણક્ષમ ભાવ મળે, સ્વામીનાથન કમિશનની ભલામણોનો અમલ થાય અને ખેડૂતોની લોન માફ થાય તેવી માગ કરી છે.સુરત APMCના વેપારી ભાણા પટેલે કહ્યું કે, “આંદોલનના કારણે પાડોશી રાજ્યોમાંથી આવતા શાકભાજીના સપ્લાય પર અસર પડી છે. છેલ્લા થોડા દિવસોમાં શાકભાજીના ભાવમાં લગભગ 100 ટકા વધારો થયો છે.” ફ્લાવરની હોલસેલ કિંમતમાં પ્રતિ 20 કિલો 250 રૂપિયા વધ્યા છે. રીંગણના ભાવ પ્રતિ 20 કિલોએ 200 રૂપિયા, ટામેટાંના ભાવમાં 200 રૂપિયા, ભીંડાના ભાવમાં 500 રૂપિયા અને પ્રતિ 20 કિલો ડુંગળીના ભાવ 60 રૂપિયા વધ્યા છે.પાલનપુર પાટિયા માર્કેટના છૂટક વેપારી માનારામ ચૌધરીએ જણાવ્યું કે, “શાકભાજીના વધતા ભાવના કારણે ગ્રાહકો અમારા પર ગુસ્સે થાય છે. હોલસેલ માર્કેટમાં આવતા શાકભાજીના ભાવ વધારે હોવાથી છૂટક વેચાતા શાકભાજીના ભાવ અમારે નાછૂટકે વધારવા પડે છે.”અડાજણ વિસ્તારના ગૃહિણી રેખા નામ્બિયારે કહ્યું કે, “ખેડૂતોની હડતાલને કારણે અમારું માસિક બજેટ ખોરવાયું છે. મધ્યમવર્ગીય પરિવારોને મોંઘા શાકભાજી પોસાતા નથી. અમે તો બસ એટલી પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી જ આ આંદોલન સમેટાઈ જાય.”