ગ્રામિણ ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત જાહેર

0
11

અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજ્યંતિના અવસરે ગુજરાતની એક દિવસની યાત્રાએ પહોંચ્યા હતા. મોદીએ સાંજે એરપોર્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં સંબોધન કર્યા બાદ મોડી સાંજે રિવરફ્રન્ટ ઉપર સરપંચોના સંમેલનમાં ભાગ લઇને જુદા જુદા વિષયો ઉપર વાત કરી હતી. સાથે સાથે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાનો ઉલ્લેખ કર્યો હતો.

મોદીએ સરપંચ સંમેલનમાં ગ્રામ્ય ભારતને ખુલ્લામાં શૌચક્રિયાથી મુક્ત કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે, દેશના લોકોની સમર્પણ ભાવના, ત્યાગભાવનાના પરિણામ સ્વરુપે પાંચ વર્ષના સખત પરિશ્રમના કારણે આ બાબત સફળ બની છે. ગ્રામિણ ભારત ખુલ્લામાં શૌચથી મુક્ત થયું છે. હજુ સ્વચ્છતા મિશન યથાવતરીતે જારી રહેશે. સ્વચ્છતાના આ મિશનમાં તમામ લોકો જાડાયા છે જેમાં બોલીવુડથી લઇને રમતવીરોનો સમાવેશ થાય છે. ૬૦ મહિનાના ટૂંકા ગાળામાં જ ૬૦ કરોડતી વધુ ટોયલોટોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, સ્વચ્છતાના કારણે ગરીબ લોકોના તબીબી ખર્ચમાં ઉલ્લેખનીયરીતે ઘટાડો થયો છે. સ્વચ્છ ભારત મિશન જીવનને મજબૂત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

સ્વચ્છ ભારતના સંદર્ભમાં વાત કરતા મોદીએ જુદા જુદા આંકડાઓનો ઉલ્લેખ કર્યો હતો. સ્વચ્છતાના આ અભિયાનમાં બોલીવુડથી લઇને રમતગમત સુધી જાડાયેલી હસ્તીઓને ભાગ લેવાના સંદર્ભમાં મોદીએ વાત કરી હતી. તેમણે જાહેરાત કરી હતી કે, સરકારે જળજીવન મિશન ઉપર ત્રણ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનો નિર્ણય કર્યો છે.