જજમેન્ટલ હૈ ક્યા પર દીપિકાની કમેન્ટથી છંછેડાઈ રંગોલી ચંડેલ

0
18

દીપિકા પાદુકો‌ણે હાલમાં જ કંગના રનોટની ‘જજમેન્ટલ હૈ ક્યા’ના ટાઇટલને લઈને કમેન્ટ કરી હતી. એને લઇને રંગોલી ચંડેલે ટ્‍‍વિટર પર દીપિકા સાથે શાબ્દિક યુદ્ધ છેડી દીધુ છે. કંગનાની ફિલ્મનું નામ પહેલાં ‘મેન્ટલ હૈ ક્યાં’ રાખવામાં આવ્યું હતું જોકે વિવાદ ચગ્યા બાદ આ ફિલ્મનું નામ ‘જજમેન્ટલ હૈ ક્યા’ રાખવામાં આવ્યુ હતું. કંગનાની આ ફિલ્મનું ઉદાહરણ આપતાં મેન્ટલ હૅલ્થને લઈને તાજેતરમાં જ દીપિકાએ કહ્યું હતું કે ‘આપણી પાસે જ્યારે ‘મેન્ટલ હૈ ક્યા’ જેવી ફિલ્મ અને એનું પોસ્ટર ચોક્કસ રૂપનું હોય ત્યારે આપણે એ વિશે વધુ પડતું સેન્સિટીવ રહેવુ જોઈએ.

એક બાજુ આપણે માનસિક બીમારી સાથે જોડાયેલી માન્યતાને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે બીજી તરફ આપણે એ બીમારી સાથે સંકળાયેલી રૂઢિવાદી વિચારધારાને પણ પ્રોત્સાહન આપી રહ્યા છીએ. માનસિક બીમારીને લઈને ઘણાં વર્ષોથી લોકોમાં ગેરસમજ છે. એને આપણને દૂર કરવી જોઈએ. આવી રીતે તો એમાં કોઈ વિકાસ જોવા નહીં મળે. મારુ માનવુ છે કે આ વિષયમાં આપણે થોડા સેન્સિટીવ થવાની જરૂર છે.’

દીપિકાનું આ નિવેદન કંગના રનોટની બહેન રંગોલી ચંડેલને ગળા નીચે નથી ઉતરી રહ્યું. આ સંદર્ભે દીપિકાની નિંદા કરતા ટ્‍‍વિટર પર રંગોલીએ ટ્વીટ કર્યું હતું કે ‘કંગનાએ મેન્ટલ ઇલનેસ પર પ્રશંસનીય ફિલ્મ બનાવી છે, પરંતુ લોકોને એમાં પણ વાંધો છે. વાહ! સારું છે કંગના તમારા જેવી ક્લાસી નથી. કંગનાની પણ ઇચ્છા છે કે મેન્ટલ શબ્દને નોર્મલ બનાવવામાં આવે.’