જળગાંવમાં વિરોધીઓ પર વરસ્યા વડા પ્રધાન

0
9

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં મતદાનના એક સપ્તાહ અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જળગાંવથી પોતાના પક્ષ માટે પ્રચારનો શંખ ફૂંક્યો હતો. મોદીએ પોતાની આગવી અદાથી આક્રમક રીતે ચૂંટણીપ્રચારનો પ્રારંભ કર્યો હતો. તેમણે કૉન્ગ્રેસ પર પ્રહાર કરતા અનુચ્છેદ-૩૭૦, ૩૫-એ, ટ્રિપલ તલાક જેવા મુદ્દાઓને ટાંકીને વાક્‍બાણ છોડ્યાં હતાં. વિપક્ષને પડકાર ફેંકતાં મોદીએ જણાવ્યું કે ‘કૉન્ગ્રેસમાં હિંમત હોય તો પોતાના ચૂંટણીઢંઢેરામાં એવું લખીને બતાવે કે તેઓ આ ઐતિહાસિક નિર્ણયને પાછો ખેંચશે. વિપક્ષ મગરનાં આંસુ સારી રહ્યો છે.’
પાકિસ્તાનનું નામ લીધા વગર જ તેમણે કૉન્ગ્રેસ પર પાડોશી દેશની ભાષા બોલવાનો આક્ષેપ કર્યો હતો. મોદીએ ભાષણના પ્રારંભમાં જણાવ્યું કે ‘નવા ભારતના નવા જોશને સમગ્ર દુનિયા જોઈ રહી છે અને મજબૂતીથી સાંભળી પણ રહી છે. આજે હું વિરોધીઓને પડકાર ફેંકું છું કે જો તમારામાં હિંમત હોય તો આ ચૂંટણીમાં તમે કાશ્મીરમાંથી અનુચ્છેદ -૩૭૦ અને ૩૫-એ કલમ નાબૂદ કરવાના નિર્ણય પર તમારું વલણ સ્પષ્ટ કરી બતાવો. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વિશે એલફેલ બોલતા લોકોમાં હિંમત હોય તો આ ચૂંટણીમાં અને આગામી ચૂંટણીમાં પણ પોતાના મેનિફેસ્ટોમાં જાહેર કરો કે તમે આ નિર્ણય પાછા પલટી નાખશો. જો વિપક્ષમાં આટલું કરવાની તાકાત હોય તો જાહેરાત કરે, અન્યથા તેઓ મગરનાં આંસુ સારવાનું બંધ કરે.’
વડા પ્રધાને ભાષણમાં આગળ જણાવ્યું કે ‘અગાઉ ફક્ત અલગતાવાદનો જ વિકાસ થતો હતો. જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અમારે માટે માત્ર જમીનનો ટુકડો નથી, ભારતનું માથું છે. આ ક્ષેત્રનું સમગ્ર જીવન, કણ-કણ ભારતના વિચારો અને શક્તિને મજબૂત કરે છે. પાડોશી દેશોની ગીધદૃષ્ટિથી જમ્મુ-કાશ્મીરની શાંતિ ભંગ થતી રોકવા અને ત્યાં ખુવારી અટકાવવા માટે અમે જરૂરી સુરક્ષાનાં પગલાં લીધાં છે.’
મોદીએ વધુમાં કહ્યું કે ‘ટ્રિપલ તલાક પર કૉન્ગ્રેસ સહિત તમામ વિપક્ષોએ ભારે ધમપછાડા કર્યા, પરંતુ અમે મુસ્લિમ માતા-બહેનોને જે વચન આપ્યું હતું એ નિભાવ્યું છે. હું વિપક્ષને પડકાર ફેંકું છું કે હિંમત હોય તો તેઓ જાહેર કરે કે ટ્રિપલ તલાકને ફરીથી તેઓ અમલમાં લાવશે. મુસ્લિમ પુરુષોને એક પિતા અને ભાઈની દૃષ્ટિએ આ કાયદો બિલકુલ યોગ્ય લાગે છે.’