જાન્યુઆરીથી તમામ લોકો માટે લોકલ ટ્રેન ચાલુ થશે?

0
6
ખાસ કરીને મુંબઈ આસપાસ રહેતા થાણે, ડોંબિવલી તેમ જ નવી મુંબઈ વસઈ-વિરાર રહેતા લોકો માટે પૈસા અને સમય બન્નેનો વ્યય થતો હોવાની ફરિયાદો થઈ હતી.
ખાસ કરીને મુંબઈ આસપાસ રહેતા થાણે, ડોંબિવલી તેમ જ નવી મુંબઈ વસઈ-વિરાર રહેતા લોકો માટે પૈસા અને સમય બન્નેનો વ્યય થતો હોવાની ફરિયાદો થઈ હતી.

મુંબઈ: કોરોનાના કેસમાં એકંદરે ઘટાડો થવાના અહેવાલ વચ્ચે તમામ મુંબઈગરા માટે લોકલ ટ્રેન ચાલુ કરવા માટે પ્રશાસન સજ્જ થઈ રહ્યું છે, પરંતુ આગામી દિવસોમાં દિલ્હીના માફક મુંબઈમાં કોરોનાની બીજી લહેરની શક્યતાને કારણે તમામ લોકો માટે લોકલ ટ્રેન ચાલુ કરવાનો રાજ્ય સરકાર નક્કર નિર્ણય લઈ શકતી નહીં હોવાથી સામાન્ય મુંબઈગરાની લોકલ ટ્રેન વિનાની મુસાફરીમાં ભારે હાલાકી પડી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.રાજ્ય સરકારના મંગળવારે રાહત અને પુનવર્સન ખાતાના પ્રધાન વિજય વડ્ડટીવારે વિધાનમંડળના પ્રાંગણમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે તમામ લોકો માટે લગભગ આઠ મહિનાથી બંધ લોકલ ટ્રેન પહેલી જાન્યુઆરીથી શરૂ થઈ શકે છે. જો આમ થશે તો મુંબઈગરાઓ માટે આ નવા વર્ષની ભેટ ગણાશે. કોરોનાની મહામારીને લીધે લદાયેલા લૉકડાઉન બાદ ધીમે ધીમે તમામ આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ, પરંતુ પરિવહન માટે અતિ મહત્ત્વની એવી લોકલ ટ્રેન શરૂ ન થતાં સરવાળે મુંબઈગરાઓ માટે મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. લોકલ ન હોવાથી ઘણાં કામે જઈ શકતા ન હતા અથવા લોકોએ બસની હાલાકી સહન કરવી પડતી હતી. ખાસ કરીને મુંબઈ આસપાસ રહેતા થાણે, ડોંબિવલી તેમ જ નવી મુંબઈ વસઈ-વિરાર રહેતા લોકો માટે પૈસા અને સમય બન્નેનો વ્યય થતો હોવાની ફરિયાદો થઈ હતી. બીજી બાજુ મુંબઈની લોકલ ટ્રેનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી શકવાની કોઈ શક્યતા જણાતી નહીં હોવાથી રેલવે અને રાજ્ય સરકાર જોખમ લેવા માગતા ન હતા અને બંને એકબીજા પર જવાબદારી ઢોળી લોકલ અંગેનો નિર્ણય કર્યો ન હતો. અગાઉ મુંબઈ પાલિકા કમિશનરે ૧૫ ડિસેમ્બર બાદ લોકલ અંગે નિર્ણય લેવાની વાત કરી હતી અને તે બાદ જાન્યુઆરીમાં નિર્ણય લેવાની વાત કરી હતી. હવે પ્રધાને પહેલી તારીખનું મૂહુર્ત જાહેર કર્યું છે ત્યારે લોકોને ફરી આશા બંધાઈ છે. પ્રધાને એમ પણ જણાવ્યું હતું કે માસ્ક વિના લોકલ ટ્રેનમાં પ્રવેશી શકાશે નહીં અને ભીડને નિયંત્રિત કરવા ખાસ ખાસ પોલીસબળ તહેનાત કરવામાં આવશે. આ અંગેની તમામ તૈયારીઓ સરકાર કરી રહી છે અને પહેલી જાન્યુઆરીથી લોકલ ટ્રેન શરૂ કરવા સરકાર તૈયાર છે, તેમ તેમણે જણાવ્યું હતું.