ઝઘડાને કારણે સ્ટેપ ભૂલી જતાં સ્ટેજ છોડીને જતો રહ્યો વિશાલ

0
21

સ્ટાર પ્લસ પર આવતા ડાન્સ રિયલિટી શો ‘નચ બલિયે 9’ રોજેરોજ નવી કન્ટ્રોવર્સીનો ભોગ બની રહ્યો છે.

આ શોના સ્પર્ધક વિશાલ આદિત્ય સિંહ અને મધુરિમા તુલી ફરી ચર્ચામાં આવ્યાં છે. શોના પહેલા દિવસથી તેઓ ચર્ચામાં છે અને શોમાં તેઓ બહુ જલદી બહાર થઈ ગયાં હતાં. જોકે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી દ્વારા તેઓ ફરી શોમાં આવ્યાં હતાં.

મધુરિમા તેના પર્ફોર્મન્સનાં સ્ટેપ ભૂલી ગઈ હોવાને કારણે ફરી ચર્ચામાં છે. જોકે કહાની થોડી અલગ છે. વિશાલ અને મધુરિમા વચ્ચે સતત ઝઘડા થતા રહે છે.

ગયા અઠવાડિયે પણ તેમની વચ્ચે ઝઘડો થયો હતો અને તેઓ રિહર્સલ માટે પણ નહોતાં આવતાં. પર્ફોર્મન્સના આગલા દિવસે તેમને ભાન થતાં રિહર્સલ કરવાનું નક્કી કર્યું હતું. તેમણે ૮ કલાક સુધી પ્રૅક્ટિસ કરી હતી.

જોકે પર્ફોર્મન્સ દરમ્યાન વિશાલ ડાન્સ-સ્ટેપ ભૂલી ગયો હતો છતાં મધુરિમા તેને સપોર્ટ કરી રહી હતી, પરંતુ તે અડધેથી પર્ફોર્મન્સ કરતો અટકી ગયો હતો. વિશાલના આ ઍટિટ્યુટથી જજ અહમદ ખાન અને રવીના ટંડન ગુસ્સે થઈ ગયાં હતાં. અત્યાર સુધી એવી ચર્ચા ચાલી હતી કે મધુરિમા સ્ટેજ છોડીને ગઈ હતી, પરંતુ વિશાલ ગયો હતો.

આ વિશે અહમદ ખાને કહ્યું હતું, ‘વિશાલ, આ ખૂબ જ દુઃખની વાત છે કે તેં હાર માની લીધી. એક આર્ટિસ્ટ તરીકે અને તને ઓળખતો હોવાથી તું જ્યાં ભૂલી ગયો હતો ત્યાંથી તું ફરી પર્ફોર્મન્સ શરૂ કરશે એવી આશા હતી, પરંતુ તેં તો હાર માની લીધી. તમે બન્ને ફાઇટર્સ છો.

તમારી ફરી વાઇલ્ડ કાર્ટ દ્વારા એન્ટ્રી થઈ છે. આ એક સિમ્પલ ડાન્સ પર્ફોર્મન્સ હતો, એમાં નહીં તો ઍરિયલ ઍક્ટ કે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તું શું એક્સક્યુઝ આપશે એની મને ખબર નથી, પરંતુ મને ખૂબ દુઃખ થયું છે.’

આ અઠવાડિયામાં કૉસ્ચ્યુમ ડ્રામાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

જોકે તેઓ પહેલેથી જ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યાં હતાં. તેમનો ડ્રેસ પણ ડૅમેજ થઈ ગયો હતો અને તેમણે ત્રણ વાર ચેન્જ કરવું પડ્યું હતું.

ઘણાં કારણસર તેમનો પર્ફોર્મન્સ છેલ્લે શૂટ કરવામાં આવ્યો હતો. આ તમામ ઘટનાને જોતાં મધુરિમા સ્ટેજ પર રડી પડી હતી. જોકે વિશાલ તેને ભેટી પડ્યો હતો અને તેની માફી પણ માગી લીધી હતી. જોકે રવીનાએ તેમને સ્કોર નહીં આપવાની શરતે પર્ફોર્મન્સ કરવાની પરવાનગી આપી હતી.