દિવાળી પર લાઈસન્સવાળા દુકાનદાર જ ફટાકડા વેચી શકશેઃ સુપ્રિમ કોર્ટ

0
40
Supreme Court permits green crackers but firework manufacturers are caught clueless
Supreme Court permits green crackers but firework manufacturers are caught clueless
Supreme Court

નવી દિલ્હી: દેશભરમાં ફટાકડાના વેચાણ અને ફટાકડા ફોડવા પર રોક લગાવવા માટે દાદ માગતી પિટિશન પર સુપ્રીમ કોર્ટે દિવાળી પહેલાં એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. સુપ્રીમ કોર્ટે ફટાકડાના ઉપયોગ પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવા ઇનકાર કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને આદેશ જારી કરીને જણાવ્યું છે કે માત્ર લાઇસન્સવાળા દુકાનદારો જ ફટાકડા વેચે તે સુનિશ્ચિત કરવામાં આવે. સાથે-સાથે સુપ્રીમ કોર્ટે ફટાકડાના ઓનલાઇન વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે ફટાકડાનું ઓનલાઇન વેચાણ અદાલતના આદેશની અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ) ગણવામાં આવશે એટલું જ નહીં, ઓછું પ્રદૂષણ અને ઉત્સર્જન કરતા ફટાકડાના વેચાણને મંજૂરી આપવા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નિર્દેશ કર્યો છે.

સુપ્રીમ કોર્ટે એવો પણ આદેશ કર્યો છે કે ક્રિસમસ અને ન્યૂ યર પર રાત્રે ૧૧-૪પથી ૧ર-૪પ દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. જ્યારે દિવાળી પર રાત્રે ૮-૦૦થી ૧૦-૦૦ વાગ્યા દરમિયાન જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાશે. દેશભરમાં ફટાકડાના ઉત્પાદન, વેચાણ અને ફોડવા પર રોક લગાવવાની દાદ માગતી પિટિશન પર સુનાવણી બાદ ર૮ ઓગસ્ટના રોજ ન્યાયમૂર્તિ એ.કે. સિકરી અને ન્યાયમૂર્તિ અશોક ભૂષણની બેન્ચે પોતાનો ચુકાદો સુર‌ક્ષિત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અગાઉ કહ્યું હતું કે પ્રતિબંધ સાથે જોડાયેલી અરજી પર વિચાર કરતી વખતે ફટાકડા ઉત્પાદકોની આજીવિકાના મૂળભૂત અધિકાર દેશના ૧.૩ અબજ લોકોના સ્વાસ્થ્ય અધિકાર સહિત વિવિધ પાસાઓને ધ્યાનમાં રાખવા પડશે. કોર્ટે કહ્યું કે બંધારણના અનુચ્છેદ ૨૧ (જીવનના અધિકાર) તમામ વર્ગો પર લાગુ પડે છે અને ફટાકડા પર દેશવ્યાપી પ્રતિબંધ પર વિચાર કરતી વખતે સંતુલન જાળવી રાખવાની જરૂર છે. કોર્ટે કેન્દ્રને પ્રદૂષણને કન્ટ્રોલ લેવા માટે ઉપાય સૂચવવાનું કહ્યું હતું, કોર્ટે સરકારને એમ પણ પૂછ્યું હતું કે ફટાકડા પર પ્રતિબંધ મૂકવાથી જનતા પર શું અસર પડશે.

ઉલ્લેખનીય છે કે વાતાવરણમાં ઠંડી શરૂ થતા જ રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ વધવા લાગે છે અહીં હવાની ગુણવત્તા ખરાબ સ્તર પર પહોંચી ગઈ છે. દેશના અન્ય મોટા શહેરોમાં પણ ઠંડીની સિઝન શરૂ થતા પ્રદૂષણ વધવા લાગે છે. દિવાળીના તહેવારોમાં ફટાકડાના ધૂમાડાથી પ્રદૂષણ વધારે વધે છે. ફટાકડાઓ પર પ્રતિબંધને લઈને એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે તહેવારો પહેલા ફટાકડા પર પ્રતિબંધ કેવી રીતે લગાવી શકાય. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે સુપ્રિમે દિવાળી પહેલા દિલ્હી-એનસીઆર ક્ષેત્રમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.