પડકાર છે પુરુષ બનવું પણ!

0
6

મહિલા સશક્તીકરણના પ્રવાહમાં આપણે એટલા ખેંચાઈ ન જઈએ કે પુરુષો દ્વારા થતી બાંધછોડ અને ત્યાગની નોંધ લેવાનું પણ વીસરી જઈએ. પુરુષપ્રધાન સમાજ છે, એને વિશેષ અધિકારો મળે છે એ બધું બરાબર; પરંતુ એ સિવાય સિક્કાની બીજી બાજુ પણ છે. આજના કાળમાં પુરુષના જીવનના વિવિધ તબક્કાઓમાં ભોગવવી પડતી ચૅલેન્જિસ પર એક નજર કરીએ અને પુરુષોની કદર કરતાં શીખીએ

સ્ત્રી સશક્તીકરણ થવું જ જોઈએ અને એમાં કશુંયે ખોટું નથી, પરંતુ પુરુષોના અશક્તીકરણના ભોગે નહીં. (હકીકતમાં અશક્તીકરણ જેવો ક્રિયાવાચી શબ્દ જ નથી, પરંતુ સશક્તીકરણની તીવ્રતા પાછળના વિરોધાભાસને આટલી જ તીવ્રતા સાથે વ્યક્ત કરી શકે એવો કોઈ ઉપયુક્ત શબ્દ જડ્યો નહીં એટલે આ જ શબ્દ અહીં ઉપયોગમાં લીધો છે. ભાષાશાસ્ત્રીઓ આ છૂટ માટે દરગુજર કરશે એવી આશા છે.)

વર્ષોથી પુરુષોને મળતી સ્વતંત્રતા અને તેમને મળતા અધિકારોને આપણે એટલા વધારે ગ્લૉરિફાય કર્યા કે એ અધિકારો સાથે આવતી બાંધછોડ અને તેમના દ્વારા થતો ત્યાગ જાણે અભરાઈ પર ચડી ગયાં. અરે પુરુષોને શું, તેણે થોડું ઘર-બાળકો સાથે નોકરી કરવાની છે? અરે પુરુષોને શું, તેમણે થોડી કંઈ રાત્રે દસ વાગ્યે આવીને રસોઈ બનાવવાની છે? અરે પુરુષોને શું, આખી રાત બહાર રહે તો પણ તેમને કોણ પૂછવાવાળું? અરે પુરુષોને શું, રાત્રે ત્રણ વાગ્યે પણ રખડપટ્ટી કરતો હોય તો તેમને ક્યાં કોઈ ઇજ્જત લૂંટાઈ જવાના ભય તળે જીવવાનું છે? અરે પુરુષોને શું, તેણે ક્યાં લગ્ન પછી પોતાનો પરિવાર કે ઘર છોડીને વિદાય લેવાની છે? આવાં તો એક હજાર વાક્યો આપણે બોલી શકીશું જેમાં પુરુષ થવું કેટલી નસીબની વાત છે એ વાત સતત પ્રસ્થાપિત થાય છે. જોકે એ હકીકત નથી જ નથી. એક બાળકનો જન્મ થાય અને સ્કૂલમાં ઊછરતા એ નાનકડા છોકરાથી લઈને ટીનેજરનો તબક્કો, યુવાનીનો તબક્કો, બાળકના પિતા બન્યા પછીનો તબક્કો, બાળકો મોટાં થયા પછી તેમને સેટલ કરવાનો તબક્કો, બાળકને ત્યાં બાળક આવ્યા પછીનો રિટાયરમેન્ટનો તબક્કો અને ભગવાન ન કરે ને ઘડપણમાં પત્ની વિના વિધુર જીવન જીવવાનો તબક્કો. આવા પ્રત્યેકે પ્રત્યેક તબક્કામાં ધીમે-ધીમે મૅચ્યોરિટી તરફ આગળ વધતા પુરુષોના નસીબમાં ઘણું સહેવાનું આવે છે. ડગલે ને પગલે સમાજની, પરિવારની અપેક્ષાઓ અને કસોટીઓ પર ખરા ઊતરવાનું આવે છે. આજે આ જ વિષયને વધુ ઊંડાણ સાથે સમજવાની કોશિશ કરીએ.

બાળપણ અને અભ્યાસકાળ

એક છોકરો જ્યારે જન્મે ત્યારે અને ઘરમાં દીકરી જન્મે ત્યારે પણ મા-બાપનો અભિગમ તેમના ઉછેરમાં જુદો હોય છે. ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ અને કાઉન્સેલર ચિંતન નાયક અહીં કહે છે, ‘દીકરીને ઉછેરવાની પદ્ધતિ અને દીકરાને ઉછેરવાની પદ્ધતિમાં થોડોક ફેર વર્ષોની માન્યતાઓને કારણે અનાયાસ આવી જતો હોય છે. કદાચ સુખ-સગવડો પૂરી પાડવામાં મા-બાપ કોઈ ભેદ ન કરતાં હોય, પરંતુ એ પછી પણ તું છોકરો છેને, તું બ્રેવ છેને? તું દીદીને નહીં સાચવે તો કોણ સાચવશે જેવાં વાક્યો દ્વારા પ્રોટેક્શનની જવાબદારી તેની છે એ તેના મગજમાં ઠસાવી નાખવામાં આવે છે. દરેક દીકરો કુળનો દીપક જ બને, પરિવારનો તારણહાર જ બને એવી ઘેલછા તેના પર અદૃશ્ય દબાણ લાવવાનું શરૂ કરી દેતી હોય છે. આમ પણ પુરુષને સતત ટ્રેઇન કરવામાં આવ્યો છે કે તેણે ડરાય નહીં. આ તો મને આજ સુધી નથી સમજાયું. ડરવાની વાત હોય તો કોઈએ ન ડરાય. જસ્ટ માત્ર તે પુરુષ છે એટલે તેણે હંમેશાં મજબૂત રહેવું અથવા તેને ડર ન લાગે એવી અપેક્ષાઓ તેના પર નાનપણથી થોપી દેવામાં આવે છે. કેમ ભાઈ, શું કામ પુરુષને ડર ન લાગે? હા, તેને ટ્રેનમાં ચડતાં ડર લાગી શકે, તેને પણ અંધારી સૂમસામ ગલીમાં ચાલવાનો ડર લાગી શકે. ડર માનવસહજ લાગણી છે, એમાં સ્ત્રી અને પુરુષનો ભેદ શું કામ વચ્ચે આવી જાય? તમે જોશો તો સમજાશે કે સમાજની અપેક્ષાએ વીકનેસ દેખાડે એવાં માનવસહજ કોઈ પણ ઇમોશન્સ પુરુષો માટે વર્જ્ય છે.’

યુવાની અને કારકિર્દીકાળ

દીકરો કમાઉ જ હોવો જોઈએ. એ ઝંખનામાં પણ કોઈ ખોટ નથી, પરંતુ ધારો કે સમાજની અને પરિવારની અપેક્ષા મુજબની કમાણી ન હોય તો? કાઉન્સેલર ચિંતન અહીં ઉમેરે છે, ‘છોકરીઓ વર્કિંગ હોય તો વેરી ગુડ, પણ ધારો કે છોકરીને ન કમાવું હોય તો ઇટ્સ ઓકે. પુરુષ પાસે એવો કોઈ ઑપ્શન છે? તેણે કમાવું જ પડશે, આકાશ-પાતાળ એક કરીને તેણે કમાવું પડશે. નહીં કમાય કે ઓછું કમાશે તો સમાજમાં કે પરિવારમાં તેની કોઈ વૅલ્યુ નથી. તેને ઇજ્જત જોઈતી હશે તો તેણે કમાવું પડશે, તેણે લોકોની નિરાશા અને નિસાસાભરી નજરોથી બચવું હશે તો કમાવું પડશે. તેણે આવનારી પેઢીને મોટિવેટ કરવી હશે તો કમાવું પડશે. પુરુષની કિંમત કોડીની છે જો તેની કમાણી પૂરતી નથી. કમાવાનું આ પ્રેશર મહિલાઓને આ હદ સુધી આજે પણ નથી જ.’

લગ્ન પછીની દશા

કોઈ પણ પુરુષનાં લગ્ન થયા પછી તેના પર પોતાને પ્રૂવ કરવાનું દબાણ ઓર વધી જાય છે. ચિંતન કહે છે, ‘મસ્તીથી જીવવાનું અને ગમતું કરવાનું હોય ત્યારે જીવનની મજા જુદી હોય છે; જ્યારે પોતાને સાબિત કરવા માટે, પોતાનું અસ્તિત્વ અને પોતાના નિર્ણયોને સતત કોઈકની કસોટીમાં ખરા પાડવાની સ્ટ્રગલ ખૂબ તાણયુક્ત હોય છે. પુરુષોએ સતત એમાંથી પાસ થતા રહેવાનું છે. તેની પાસેથી એ જ અપેક્ષા છે. પ્રૂવ યૉરસેલ્ફ. પુરુષોની છાતી છપ્પનની જ હોય, તે ટટ્ટાર જ ચાલે. માતાનું માને તો માવડિયો અને પત્નીનું માને તો પત્નીઘેલો અને બાયલો. શું કામ? પુરુષે સતત સાબિત જ કરતા રહેવાનું છે.’

સંતાનોનો ઉછેર

પુત્ર અને પતિ બનવા કરતાં પણ પિતા તરીકેના રોલમાં જ્યારે પુરુષ આવે છે ત્યારે તેના જીવનની પરિપક્વતા ચરમસીમા પર હોય છે. બાપ બનેલો પુરુષ એક અનોખી ગંભીરતાને ધારણ કરી લેતો હોય છે. પોતાના જીવનની પ્રાયોરિટીમાં પિતા તરીકેની જવાબદારીઓ મુખ્ય કેન્દ્રબિન્દુ હોય છે. ચિંતન કહે છે, ‘બાળકો થયા પછી જેમ પત્ની માતા બની જાય છે એમ પતિ પણ પિતા તરીકે ઘણો બદલાતો હોય છે. પિતા તરીકે તેણે પોતાના સંતાનના રોલ મૉડલ બની રહેવાનું છે સાથે તેમને ભણાવવાના અને તેમને કોઈ કમી ન પડે એ માટેના જંગમાં ખરા ઊતરવાનું છે. અગેઇન, હવે પિતા તરીકે તેણે પોતાને સાબિત કરવાનો છે. અભ્યાસનો ખર્ચ, સંતાનને સેટલ કરવાની પળોજણ અને છેલ્લે તેમને સેટલ કરવાની ચિંતા પણ એક પિતા સહજ રીતે ઉપાડી લેતો હોય છે. એ થાય તો જ પિતા તરીકે તે સફળ થયો અને પુરુષોને નિષ્ફળ થવાનું તો અલાઉડ જ નથી.’

નિવૃત્તિકાળ

પુરુષો માટે પોતાના જીવનનો સંધ્યાકાળ સૌથી વધુ આકરો કાળ પણ બની શકે છે, કારણ કે અત્યાર સુધી જે સમાજે તેના પર અપેક્ષાઓનો બોજ મૂકેલો હતો અને સતત પોતાને સાબિત કરતાં રહેવાની હોડમાં મૂક્યો હતો એ સમાજ માટે હવે અચાનક પુરુષ નકામો બની ગયો. પોતાની જવાબદારી પૂરી કરીને નિવૃત્તિના ઉંબરે ઊભેલા પુરુષ માટે હવે કરવા જેવું કંઈ નથી બચ્યું. પોતાને સાબિત કરવા માટે ટેવાયેલા પુરુષે હવે માત્ર જીવવાનું છે પોતાના માટે. જોકે એ તો તેને આવડતું જ નથી. ચિંતન કહે છે, ‘એક સમયે ઘરનો મુખિયા હતો અને જેનો આખો દિવસ પરિવારના સદસ્યોની જરૂરિયાતને પૂરી કરવામાં વીતતો હતો, બહારની ઠોકરો અને ધક્કાઓ ખાઈને પરિવારના પ્રત્યેક સદસ્યના જીવનને સુગમ બનાવવા માટે કમાતો પુરુષ હવે સાવ નિષ્ક્રિય બની ગયો. કમાવા સિવાયની પ્રવૃત્તિ પર તેણે ધ્યાન જ નહોતું આપ્યું. કોઈ ઍક્ટિવિટી નથી. નિષ્ક્રિયતા તેનો સ્વભાવ નથી અને એટલે જ હવે એ ખાલીપો બનીને તેને ખાઈ રહ્યો છે.

સોશ્યલાઇઝેશનથી તે દૂર રહ્યો છે. તેનું સોશ્યલ સર્કલ પણ પત્ની થકી જ છે, કારણ કે કોઈ પ્રસંગમાં પણ જો પુરુષ એકલો જાય તો તેને સહર્ષ સ્વીકારાતો નથી. અર્નિંગને કારણે જેના અસ્તિત્વનો મોલ હતો એ અર્નિંગનું ફૅક્ટર ગયું પછી શું બચ્યું? આ અવસ્થા એવી હોય જ્યારે પગ તળેથી ધરતી ખેંચાઈ જાય. એવામાં પરિસ્થિતિ વધુ દુષ્કર થઈ જાય જો ઘડપણમાં પત્નીનો સાથ છૂટી જાય. દીકરા-વહુને આશરે આવેલો અને પરિવારની મહત્વની જરૂરિયાતો પૂરી કરવામાં પોતાની નાની-નાની જરૂરિયાતો માટે પણ ડિપેન્ડન્ટ રહી ગયેલા ઘરડા પુરુષે એકલા જીવવું એ વિકલાંગ જીવન જીવવા કરતાં વધુ અઘરું હોય છે.’