પાલનપુરની હસનપાર્ક સોસાયટીમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થતાં ચકચાર

0
16

પાલનપુરના મફતપુરા વિસ્તારમાં ઘન કચરાના નિકાલની ડમ્પિંગ સાઇડની આગળ આવેલી હસનપાર્ક સોસાયટીમાં રહેતી એક 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોક સાથે ચકચાર મચી હતી.પાલનપુરના મફતપુરા વિસ્તારમાં આવેલ હસનપાર્ક સોસાયટીમાં રહેતા પઠાણ સિરાજભાઈ જેમની 8 વર્ષની દીકરી અને ખાનગી શાળામાં ધોરણ-3માં અભ્યાસ કરતી સીમરન પઠાણને અચાનક તાવ આવતા ખાનગી દવાખાનામાં સારવાર માટે લઇ જવાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. જોકે દીકરીના મોતથી પરિવારજનોમાં શોક છવાયો હતો. ખાનગી ડોક્ટરે જણાવ્યું કે ‘અમારે ત્યાં સારવાર માટે બાળકી લાવ્યા તેના બે કલાક પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. વાયરલ ફિવરના કારણે મોત નિપજ્યું હોઇ શકે છે.’અત્રે ઉલ્લેખનીય છે કે,સોસાયટીની પાછળ જ પાલિકાની ડમ્પિંગ સાઇડ છે. જ્યાં આજ દિન સુધી પાલિકા દ્વારા ક્યારેય દવાનો છંટકાવ કરાયો નથી. વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ ખુબ જ વધી જવા છતાં આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં દવાનો છંટકાવ કરાયો નથી.