પ્રેમની રાધે

0
11

સલમાનનું પ્રેમ નામનું પાત્ર ઘણી ફિલ્મોમાં આવીને લોકપ્રિય થયું છે તેમ હવે ‘રાધે’ નામ પણ ત્રીજી ફિલ્મમાં આવી રહ્યું છે

બોલીવૂડનો સલમાન ખાન ‘ભાઈ’ ઈદનો બહુ પાક્કો છે. ઈદ તેને ફળી પણ બહુ ગઈ છે. જ્યારથી તેની ‘વોન્ટેડ’થી નવી ઈનિંગ શરૂ થઈ છે ત્યારથી તે દર વર્ષે સફળતા મેળવ્યા જ કરે છે અને દર વર્ષે ઈદ પર પોતાની એક ફિલ્મ રજૂ કરવાનો નિયમ તેનો પાક્કો છે તેમાંથી તે ચૂકતો નથી. દર ઈદને દિવસે તેના ચાહકો તેની ફિલ્મની રાહ જોતા હોય છે. સલમાનને પણ એ જ જોઈએ છે.

આથી જ આવતા વર્ષે સંજય લીલા ભણસાલી દિગ્દર્શિત તેની ફિલ્મ ‘ઈન્સાલ્લાહ’ ઈદ પર રજૂ થવાની હતી, તે ફિલ્મ પડતી મુકાતા તેની ઈદ પણ ખાલી થઈ ગઈ આથી સલમાનના ચાહકો પણ ચિંતામાં પડી ગયા કે ‘ભાઈ’ની ફિલ્મ ઈદ પર જોવા નહીં મળે. એટલું જ નહીં, પણ વ્યાપારી વર્તુળો અને ઈન્ડસ્ટ્રીના લોકો પણ વિચારવા લાગ્યા કે હવે સુપરસ્ટાર ભણસાલીની ફિલ્મને બદલે કઈ ફિલ્મ રજૂ કરશે.

પણ ભાઈ તો ‘ભાઈ’ જ છે! તે વળી પોતાની ઈદ ખાલી જવા દે? તેણે તો જાહેરાત કરી દીધી કે તે આગામી વર્ષે ઈદ પર પોતાની ફિલ્મ રજૂ કરશે જ, પણ ઈદ આવવાને ફકત ૮ મહિના જ બાકી રહ્યા છે, આથી ચાહકોને લાગ્યું કે તેમનો આ માનીતો સ્ટાર રિલીઝ સમયને સાચવી શકશે?

પણ સલ્લુમિયાંએ તો ધડાકો કરીને પોતાના ચાહકોને રાજીના રેડ કરી દીધા. સલમાને પોતાના પવિત્ર અને પ્રિય તહેવાર ઈદને સફળ બનાવવા નવી ફિલ્મ સાઈન કરી લીધી. હા, ‘રાધે’ નામની આ ફિલ્મ સલમાને આગામી ઈદના દિવસે રિલીઝ કરવાનું નક્કી કરી લીધું છે. અત્યારે સલમાન ‘દબંગ થ્રી’ કરી રહ્યો છે, પણ તે ફિલ્મ ૨૦ ડિસેમ્બરે, ૨૦૨૦ના રોજ રિલીઝ થવાની છે. આથી ‘રાધે’ ફિલ્મ ઈદનો દિવસ ખાલી નહીં જવા દે.

સલમાનની ‘દંબલ થ્રી’નું દિગ્દર્શન પ્રભુદેવા કરી રહ્યો છે અને ‘રાધે’ ફિલ્મનું દિગ્દર્શન પણ તેજ કરવાના છે આમ, સલમાનની જ બે ફિલ્મો આ વખતે સમયને હિસાબે રેસમાં આવી જશે. ‘રાધે’ ફિલ્મ કોરિયન ફિલ્મની સત્તાવાર રૂપાંતર છે. અત્યારે સલમાન ખાન અને પ્રભુદેવા ફિલ્મને સ્ક્રિપ્ટને ફાઈનલ ટચ આપી રહ્યા છે. આ ફિલ્મ બનાવવા સર્જકે કોરિયન ફિલ્મના રાઈટ્સ ખરીધ્યા છે.

અગાઉ સલમાને રાધેનું કેરેક્ટર બે વાર ભજવ્યું હતું, એક સતિષ કૌશિકની ૨૦૦૩માં આવેલી લવ સાગા ‘તેરે નામ’ અને બીજી વખત ૨૦૦૯માં સુપર હિટ ફિલ્મ ‘વૉન્ટેડ’માં રાધે બન્યો હતો.

આમ, ‘પ્રેમ’ નામની જેમ સલમાનનું ‘રાધે’ નામ પણ લોકપ્રિય સ્ક્રીન નામ બની રહ્યું છે.

‘રાધે’ ફિલ્મ પણ સલમાનની અન્ય ફિલ્મોની જેમ મનોરંજક ફિલ્મ હશે. આમ, સલમાને પોતાની ઇદને સાચવવા તાત્કાલિક ફિલ્મ સાઇન કરીને પોતાનું કૌવત દાખવી દીધું. આથી તેના ચાહકો હવે ખુશ ખુશ.