ફિલ્મોના નૅગેટિવ રિવ્યુઝથી મને હવે કોઈ ફરક નથી પડતો : અનિલ કપૂર

0
6

અનિલ કપૂરનું કહેવું છે કે ફિલ્મોને મળતા નૅગેટિવ રિવ્યુઝથી હવે તેને કોઈ ફરક નથી પડતો. તેણે જણાવ્યું હતું કે જ્યારે તમે કરીઅરની શરૂઆત કરો ત્યારે તમારી સખત મહેનતની કોઈ પરવા નથી કરતુ. ફિલ્મ ક્રિટીક, જર્નલિસ્ટ, એડિટર અને ડિરેક્ટર ખાલીદ મોહમ્મદની બુક ‘ધ અલાદિયા સિસ્ટર્સ’નાં લૉન્ચ ઇવેન્ટમાં અનિલ કપૂરે હાજરી આપી હતી.

શું કદી પણ તે ખાલીદ મોહમ્મદનાં ફિલ્મ રિવ્યુઝથી નિરાશ થયો હતો? એ વિશે જવાબ આપતા અનિલ કપૂરે કહ્યું હતું કે ‘એવી થોડી ઘણી ફિલ્મો હતી. જોકે મને ‘બેટા’ વિશે યાદ છે. એ ફિલ્મ માટે મને બેસ્ટ ઍક્ટરનો ફિલ્મ ફૅર અવૉર્ડ મળ્યો હતો. જોકે તેમણે રિવ્યુને ‘બેટી’ ટાઇટલ આપ્યુ હતું. સદ્નસીબે ફિલ્મને બૉક્સ-ઑફિસ પર અપાર સફળતા મળી હતી. ૧૯૯૧માં રિલીઝ થયેલી ‘લમ્હે’ના રિવ્યુઝને કારણે ફિલ્મનાં બિઝનેસ પર માઠી અસર પડી હતી. એથી યશ ચોપડાજી અને અમને ખાસ્સો ધક્કો લાગ્યો હતો. મને આજે પણ યાદ છે કે ખાલીદે ‘લમ્હે’ને ૧૯૭૫માં આવેલી ગુલઝાર સાબની ‘મૌસમ’ સાથે સરખામણી કરી હતી. જોકે એનાં પચ્ચીસ વર્ષ બાદ ખાલીદે મને મેસેજ કર્યો હતો કે તે ખોટો હતો અને એ ફિલ્મ ખૂબ સારી હતી. એથી ક્યારેક તમારુ સ્ટેટ ઑફ માઇન્ડ એ પ્રકારનું હોય છે કે એ સમયે તમને કદાચ ફિલ્મ ના ગમે, પરંતુ તમે જ્યારે એને ફરીથી જુઓ તો એ પસંદ પડે છે.’

હૉલીવુડની ‘જૉકર’ હાલમાં જ રિલીઝ થઈ છે. આ ફિલ્મને મોટા ભાગે સકારાત્મક રિવ્યુઝ મ‍ળ્યા છે. આમ છતાં કેટલાક નૅગેટિવ રિવ્યુઝ પણ મળ્યા છે. એ વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે ‘મેં તાજેતરમાં જ ‘જૉકર’ જોઈ હતી. આ ફિલ્મને ૯૯ ટકા પૉઝીટીવ રિવ્યુઝ મળ્યા છે. આ ફિલ્મ મને પસંદ પડી છે. મને આશ્ચર્ય એ વાતનું છે કે ફિલ્મને થોડા નૅગેટિવ રિવ્યુઝ પણ મળ્યા છે. એથી આવી વસ્તુઓ તો થાય છે. ખરુ કહું તો હવે એ સમય પસાર થઈ ગયો છે કે જ્યારે રિવ્યુઝથી મને કોઈ ફરક પડતો હોય કેમ કે હું હવે જાડી ચામડીનો બની ગયો છું.

જોકે તમે જ્યારે કરીઅરની શરૂઆત કરો છો તો તમે થોડા સેન્સિબલ બનો છો કારણ કે ફિલ્મોમાં તમે અને તમારી ટીમે ભરપૂર મહેનત કરી હોય છે. એથી તમને જો પૉઝીટીવ રિવ્યુઝ ના મળે તો તમે થોડા નિરાશ તો જરૂર થાવ છો.’