બાપુનગરમાં યુવકની હત્યાના ગુનામાં એક અારોપી ઝડપાયો

0
199
an-arrest-warrant-was-found-in-bapunagar-murder-case
an-arrest-warrant-was-found-in-bapunagar-murder-case

અમદાવાદ: બાપુનગર વિસ્તારમાં ગઇ કાલે બપોરે એક યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારવાના ચકચારી કિસ્સામાં પોલીસે દીપક ઉર્ફે મરિયલ નામના આરોપીની ધરપકડ કરી છે. બાઇક ચલાવવાની તકરારમાં ચાર શખ્સોએ યુવકની હત્યા કરી હતી. બાપુનગર પોલીસે યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા ત્રણ આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

બાપુનગર વિસ્તારમાં રહેતા રણજિત અને તેના ચાર મિત્રોને પ્રમોદ માલી સાથે બાઇક ચલાવવા બાબતે ઝઘડો થયો હતો. પ્રમોદે રણજિતનું બાઇક તોડી નાખ્યું હતું, જેની અદાવત રાખીને રણ‌િજત અને તેના મિત્રો પ્રમોદને શોધતા હતા. ગઇ કાલે પ્રમોદનો મિત્ર સાગર ઓમપ્રકાશ વર્મા (રહે. વિષ્ણુની ચાલી, બાપુનગર) પસાર થતો હતો ત્યારે રણજિતે તેને રોક્યો હતો અને પ્રમોદ ક્યાં છે, તને ખબર હોય તો કહી દે તેમ કહીને બબાલ શરૂ કરી હતી.

પ્રમોદ ક્યાં છે તેની જાણ સાગરને નહીં હોવાથી તેણે રણ‌િજતને કહેવાનો ઇનકાર કરી દીધો હતો. પ્રમોદ ક્યાં છે તેની જાણકારી નહીં આપતાં રણ‌િજત અને તેના સાગરીતોએ સાગર પર જીવલેણ હુમલો કરીને છરીના ઘા ઝીંકી દીધા હતા.

સાગરને હોસ્પિટલ લઇ જવાય તે પહેલાં તેનું મોત થયું હતું. ઘટનાની જાણ સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓને થતાં તેઓ તાત્કા‌િલક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સાગરની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

બાઇક ચલાવવાની તકરારમાં ચાર જણાએ ભેગા થઇને સાગરને રહેંસી નાખતાં પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતાં. પોલીસ અલગ અલગ ટીમ બનાવીને રણજિત અને તેના સાગરીતોને શોધી રહી હતી ત્યારે મોડી રાતે દીપક ઉર્ફે મરિયલ નામની વ્યકિતની બાપુનગરમાંથી ધરપકડ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે રણજિત, સાગર અને પ્રમોદ એકબીજાના મિત્રો હતા અને બાઇક ચલાવવા બાબતે રણ‌િજત અને પ્રમોદ વચ્ચે બોલાચાલી થઇ હતી