બેકારીના આંકડા ખોટા છે, કોઇની નોકરી ગઇ નથી: નિત્યાનંદ રાય

0
1

ભોપાલ, તા.11 સપ્ટેમ્બર 2019 બુધવાર

કેન્દ્રના ગૃહ ખાતાના રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે ભોપાલમાં કહ્યું હતું કે બેકારીના અને અર્થતંત્રના કહેવાતા પતનના આંકડા સાવ ખોટા છે. કોઇ વ્યક્તિએ નોકરી ગુમાવી નથી.

તેમણે એવો દાવો કર્યો હતો કે ખેતપેદાશ વધી છે, મુદ્રા યોજના હેઠળ અનેક લોકો લોન મેળવી રહ્યા છે. જુદી જુદી કંપનીઓ જુદા જુદા ક્ષેત્રમાં મૂડીરોકાણ કરી રહી છે. જો કે કેટલાંક ક્ષેત્રેા એવાં છે જેને સુધારવા માટે સરકાર હાલ સક્રિય છે.

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારે દેશને 5000 અબજ ડૉલરનું અર્થતંત્ર બનાવવા કમર કસી છે અને એ માટે કેટલાંક નક્કર પગલાં લેવામાં આવ્યાં છે. બેંકિંગ ક્ષેત્રને સુદ્રઢ કરવાના પગલાં પણ લેવાઇ રહ્યાં છે. જુદા જુદા કાયદા દ્વારા ભ્રષ્ટાચારને નાથવાના પ્રયાસો પણ થઇ રહ્યા છે. કરવેરાના કાયદાને સરળ બનાવાયા છે જેથી કરદાતાઓની સંખ્યા વધવા ઉપરાંત કરવેરાની આવક વધી રહી છે.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે જમ્મુ કશ્મીરની 370મી કલમ રદ કરીને મોદી સરકારે આતંકવાદને ડામવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. અમારી સરકાર સ્થપાયાના પહેલા એકસો દિવસમાં જ અમે ઘણાં કાર્યો હાથ પર લીધાં હતાં જેમાંના કેટલાંક સફળ થઇ રહ્યાના અણસાર મળી રહ્યા હતા.