ભાજપ સરકારે ગાંધીના ગુજરાતને ‘ઝુમતું ગુજરાત,લડખડાતું ગુજરાત બનાવ્‍યું : પરેશ ધાનાણી

0
11

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં આટલી મોટી સંખ્‍યામાં દારૂ પકડાય છે. દેશી દારૂ તો કદાચ રાજ્‍યમાં બને છે, પરંતુ વિદેશી દારૂ અને બિયર તો રાજ્‍યમાં બનતો નથી. ચુસ્‍ત દારૂબંધીનો દાવો કરતી ભાજપ સરકારના રાજમાં ગૃહ વિભાગનો હવાલો જ્‍યારે મુખ્‍યમંત્રી સંભાળે છે ત્‍યારે પોલીસ તંત્રની મહેરબાની અને રહેમનજર હેઠળ બુટલેગરો સાથેની મિલીભગતથી જ વિદેશી દારૂ અને બિયરનો જથ્‍થો રાજ્‍યમાં પ્રવેશે છે.

નવી પેઢીને ગાંજો, અફીણ, કોકેઈન, હેરોઈન સહિત દારૂ જેવા દૈત્‍યથી નશાની લત લગાડી અને સત્તાની સદંતર નિષ્‍ફળતાઓને ઢાંકવાના સરકારી ષડયંત્રથી ડગમગતું ગુજરાત હવે ભારતના ભવિષ્‍યને પણ લડખડાવી રહ્‌યું છે ! નશાની ઓથમાં નિષ્‍ફળતાને ઢાંકવા મથતી ભાજપ સરકારે ગાંધીના ગુજરાતને ‘ઝુમતું ગુજરાત, લડખડાતું ગુજરાત, ડમગમતું ગુજરાત’ બનાવ્‍યું છે. તેમ ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ આક્ષેપ કર્યો છે.

મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મજયંતિની સમગ્ર દેશમાં ઉજવણી થઈ રહી છે ત્‍યારે પૂ. મહાત્‍મા ગાંધી સ્‍વચ્‍છતાની સાથે દારૂબંધીના પણ ચુસ્‍ત આગ્રહી હતા. જ્‍યારે સ્‍વચ્‍છ ભારતની વાતો થાય છે ત્‍યારે રાજ્‍ય સરકારે પૂ. મહાત્‍મા ગાંધીજીના ગુજરાતમાં અને કહેવાતા ગતિશીલ ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્‍ત અમલ કરાવી રાજ્‍યને સ્‍વચ્‍છ કરવું જોઈએ તેવી માંગણી કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, આજે રાજ્‍યની ગલીએ-ગલીએ દારૂ વેચાઈ રહ્‌યો છે, જેના કારણે રાજ્‍યનું યુવાધન બરબાદ થઈ રહ્‌યું છે.

રાજ્‍યમાં દારૂબંધીનો ચુસ્‍ત અમલ થતો હોવાની વાતો કરતી ભાજપ સરકારના રાજમાં છેલ્લા બે વર્ષમાં રાજ્‍યમાં દેશી દારૂ ૧૫,૪૦,૪૫૪ લિટર, વિદેશી દારૂની ૧૨૯,૫૦,૪૬૩ બોટલ, બિયરની ૧૭,૩૪,૭૯૨ બોટલ પકડાઈ છે, જેની કિંમત રૂ. ૨૫૪,૮૦,૮૨,૯૬૬ થાય છે. આ પકડવામાં આવતો જથ્‍થો દેખાવ પૂરતો જ એટલે માત્ર ૧% જ છે. આ સિવાય ૯૯% દારૂના જથ્‍થાનું પોલીસ તંત્રની રહેમનજર હેઠળ બુટલેગરો દ્વારા વેચાણ થઈ જાય છે. ૯૯% એટલે અંદાજીત રૂ. ૨૫,૦૦૦ કરોડની કિંમતનો દારૂ ગુજરાતમાં પીવાય છે. રાજ્‍યમાં ગૃહ વિભાગનો હવાલો સંભાળતા મુખ્‍યમંત્રીશ્રી વરવી વાસ્‍તવિકતા સ્‍વીકારી ગુજરાતમાં દારૂબંધીનો ચુસ્‍ત અમલ કરાવવામાં નિષ્‍ફળ નીવડયા છે. વાસ્‍તવિકતા સ્‍વીકારીને ‘લાજવાના બદલે ગાજી’ રહેલી ગુજરાત સરકારે છેલ્લા બે વર્ષમાં રૂ. ૨૫૦ કરોડનો દારૂ પોલીસ પાસે પકડાવી અને મળતિયાઓ મારફતે રૂ. ૨૫,૦૦૦ કરોડથી વધારેનો માલ તો ગલીએ-ગલીએ ઠાલવી દીધો છે !

દેશી દારૂ, વિદેશી દારૂ, ગાંજા, હેરોઈન વગેરે નશીલા દ્રવ્‍યોના નશામાં ઝુમતું ગુજરાત. પાશેરીમાં પુણી સમાન ૧% માલ પકડાયો, ૧૦૦% મુજબ રૂ. ૨૫ હજાર કરોડ કરતાં વધુના દારૂનો ગુજરાતના ગામડે અને ગલીએ સરકારની મીઠી નજર હેઠળ રેલમછેલ થાય છે. રાષ્‍ટ્રના ભવિષ્‍ય સમાન યુવાનોનું ભવિષ્‍ય ઝોલા ખાઈ રહ્‌યું છે.

રાજ્‍યમાં પોલીસ તંત્રની નિષ્‍ફળતાનું ઉદાહરણ આપતાં શ્રી પરેશ ધાનાણીએ જણાવ્‍યું હતું કે, ડીસેમ્‍બર-૨૦૧૬માં વડોદરા જિલ્લાના અખંડ ફાર્મ હાઉસમાં દારૂની મહેફીલ માણતા અંદાજે ૨૬૦ લોકો પકડાયા હતા. આ મહેફીલમાં દારૂની જ્‍યાફત ઉડાવતા ૧૪ જેટલા આરોપીઓની ધરપકડ કરવાની હજુ પણ બાકી છે અને આતંકવાદીઓને ચપટીમાં પકડી પાડતી રાજ્‍યની જાંબાઝ પોલીસ દારૂના કેસમાં ત્રણ-ત્રણ વર્ષ સુધી ચાર્જશીટ દાખલ કરી શકતી નહોતી.