મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસ કેવડિયાની મુલાકાતે

0
19

આજે રૂપાણી કેવડિયા કોલોનીમાં વિવિધ પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરશે
અમદાવાદ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.૧૬ અને ૧૭ ઓગષ્ટના બે દિવસ કેવડિયાની મુલાકાતે છે. આગામી મહિને વડાપ્રધાન મોદીના આગમનને લઈને તૈયારીઓ અને સુરક્ષા અંગે અધિકારીઓ સાથે બેઠક કરીને મુખ્યમંત્રી તમામ વિકાસના કામોની મુલાકાત કરશે અને સમગ્ર પરિસ્થતિનું બારીકાઇથી નીરીક્ષણ કરશે. કેવડિયા ખાતે આગામી તા.૧૩, ૧૪ અને ૧૫ સપ્ટેમ્બર વિદેશ નીતિને લઇને રાષ્ટ્રીય કક્ષાની બેઠક યોજાનાર છે. જેમાં તા.૧૫ સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપશે, ત્યારબાદ તા.૩૧ ઓક્ટોબરના ફરી વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ માટે વડાપ્રધાન કેવડિયા આવશે. આમ બે વખતની પીએમની કેવડિયાની મુલાકાતને લઇને સુરક્ષા માટેની સમીક્ષા અને ૩૦ પ્રોજેક્ટોના કામો વહેલા પૂર્ણ કરવા સાથે જરૂરી સૂચના અને કામગીરીનું નિદર્શન કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી બે દિવસ કેવડિયાની મુલાકાતે છે. આજે સાંજે ૭ કલાકે હેલિકોપ્ટર દ્વારા મુખ્યમંત્રી રૂપાણી કેવડિયા કોલોનીના હેલિપેડ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી વી.આઇ.પી. સર્કિટ હાઉસ ખાતે જઇ રાત્રે ૮ -૦૦ વાગ્યે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતીકાલે શનિવારે સવારે ૮.૩૦ કલાકે કેવડિયા કોલોનીમાં જુદા જુદા પ્રોજેક્ટ સ્થળની મુલાકાત લેશે અને અધિકારીઓ સાથે બાકી કામગીરી અંગે જરૂરી સમીક્ષા બેઠક યોજશે. ત્યારબાદ બપોરે ૨.૧૦ કલાકે કેવડીયા હેલિપેડ ખાતેથી હેલિકોપ્ટર દ્વારા વડોદરા એરપોર્ટ જવા રવાના થશે.