મોદી સરકારની આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક માર્કેટની દિશા અને દશા બન્ને બદલી નાખશે

0
15

આખરે મોદી સરકારે ગયા શુક્રવારે ક્રિકેટ મૅચમાં જીતવા માટે ૬ રન બાકી હોય અને છેલ્લી ઓવરનો એક જ બૉલ બાકી હોય ત્યારે બલ્લેબાજ છેલ્લા બૉલમાં સિક્સર મારી દે એવો ધમાકેદાર ફટકો માર્યો જે અર્થતંત્રને વેગ-બળ આપશે તેમ જ શૅરબજાર જ નહીં, વેપાર-ઉદ્યોગની દશા અને દિશા બદલી નાખશે એવું માની શકાય. વિશ્વના લગભગ તમામ દેશોમાં અને ભારતીય બજારમાં નિરાશાના જ અહેવાલ વધુ પ્રમાણમાં ફરતા રહ્યા છે ત્યારે ભારતે આ મામલે પણ વિશ્વની સામે એક નવી આર્થિક સુધારાની છલાંગ લગાવી છે. જોકે હજી ક્રૂડની ચિંતા રહેશે, તો બીજી તરફ ગ્લોબલ અનિશ્ચિતતાને પણ ધ્યાનમાં રાખવી પડશે. બજારની ટ્રેનમાં જેઓ અગાઉથી બેઠા રહ્યા હતા અથવા મંદીના સમયમાં બેસી ગયા હતા તેમને આ ટ્રેનની સ્પીડનો લાભ મળશે. બાકી લોકો હજી પણ ટ્રેનમાં લાંબી યાત્રા માટે બેસવા જશે તો લાભમાં રહેશે એમ કહી શકાય. જેઓ મંદીના સમયમાં દૂર થઈ ગયા, ખરીદી ચૂકી ગયા, ગભરાઈને મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાથી પણ નાસી ગયા તેમના ભાગે રંજ આવશે.

હવે પછી રિઝર્વ બૅન્ક ઑકટોબરમાં રેટ-કટ કરશે એ નિશ્ચિત જણાય છે, આ પગલું બજાર માટે પોઝિટિવ રહેશે. યુએસ ફેરડલ રિઝર્વ એક રેટ-કટ બાદ ફરી રેટ-કટ માટે અધ્ધર ઊભું છે, નાણાપ્રધાને છેલ્લા એક -દોઢ મહિનામાં ઈકૉનૉમી રિવાઈવલ માટે જે પણ કંઈ પગલાં લીધાં તેની કોઈ નકકર અસર થતી નહોતી અને માત્ર નિરાશાનો સૂર વ્યકત થતો હતો, શુક્રવારે સવારે જ નાણાપ્રધાને સિક્સર મારીને બધી જ નિરાશા પર પાણી ફેરવી નાખ્યું હતું. માત્ર એક જ કલાકમાં માર્કેટ કૅપમાં પાંચ લાખ કરોડ રૂપિયાની વૃદ્ધિ થઈ ગઈ હતી. મૂડીધોવાણને બદલે મૂડીનું વહાણ ચાલતું થયું હતું. નાણાપ્રધાને મંદ પડેલી ઈકૉનૉમીને વેગ આપવા શુક્રવારે ઉદ્યોગો માટે મોટી કરરાહતો જાહેર કરી હતી, જે મેક ઇન ઇન્ડિયાને જબ્બર બુસ્ટ આપશે. કૉર્પોરેટ ટૅકસના ઘટાડા સહિતનાં આ પગલાંને નિષ્ણાતોએ ઐતિહાસિક રિફોર્મ્સ ગણાવ્યા હતા. આના આગલા દિવસે ગુરુવારે નાણાપ્રધાને બૅન્કો તેમ જ નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓને લોકોની ફંડ જરૂરિયાતને ધ્યાનમાં રાખી તેમને વહેલી તકે ભંડોળ ઉપલબ્ધ બનાવવાની વ્યવસ્થા કરવા કહ્યું હતું. તેમણે સંખ્યાબંધ જિલ્લાઓમાં બેઠકો કરી બૅન્કો- ફાઇનૅન્સ કંપનીઓને પ્રવાહિતાનો ઉકેલ લાવવા આદેશ આપ્યો હતો.

સપ્તાહની શરૂઆત નબળી થઈ

આગલા સપ્તાહમાં રિયલ એસ્ટેટ સેક્ટર અને નિકાસ માટે ૭૦,૦૦૦ કરોડ રૂપિયાનું પૅકેજ જાહેર કર્યા બાદ પણ ગયા સોમવારે માર્કેટ પૉઝિટિવ રહેવાની વાત તો બાજુએ રહી, ઉપરથી નેગેટિવ ખૂલ્યું હતું. સેન્સેક્સ પોણા ચારસો પૉઇન્ટ સુધી ડાઉન જઈ રિકવર તો થયો, કિંતુ અંતમાં સેન્સેક્સ ૨૬૧ પૉઇન્ટ માઈનસ રહીને ૩૭૧૨૩ પૉઇન્ટ બંધ થયો હતો, જ્યારે નિફટી પણ ૧૦૦ પૉઇન્ટ ઉપર ઘટીને અંતમાં ૭૨ પૉઇન્ટ માઈનસ રહીને ૧૧૦૦૩ બંધ રહ્યો હતો. આનો અર્થ એ થયો કે બજાર સરકારના આર્થિક પેકેજથી રાજી કે સંતુષ્ટ નહોતું. આ પગલાંને કારણે અર્થતંત્રને અને બજારને વેગ મળે એવા કોઈ નકકર સંકેત બજારને દેખાતા નહોતા. આમ પણ બજાર સેન્ટીમેન્ટલી ક્યારનું નબળું પડી ગયું હતું. જોકે સોમવારના બજારના ઘટાડા માટે વધુ જવાબદાર પરિબળ સાઉદી અરેબિયાની જાયન્ટ ક્રૂડ ઑઈલ ઉત્પાદક કંપની પરના અટેકનું હતું, જેને લીધે ક્રૂડના ભાવ ઊછળ્યા હતા, પરિણામે ઑઈલ-ગૅસ સેકટરના અને એનર્જી સ્ટૉકસ તૂટયા હતા. ભારત જેવા આયાતકાર દેશને ક્રૂડના ઊંચા ભાવની વધુ વરવી અસર થાય એમ હોવાથી ભય વધ્યો હતો.

મંગળવારે સાઉદી અરબનો મામલો અધ્ધર જ હતો. ક્રૂડના ભાવ પણ કૂણાં પડ્યા નહોતા, ઉપરથી ગ્લોબલ પુરવઠાની અને ભાવની અનિશ્ચિતતા અંગે ચિંતા વધી ગઈ હતી. બીજી બાજુ યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરનો ઘટાડો આવવાની શકયતાને પગલે યુરોપિયન અને એશિયન માર્કેટના સ્ટૉકસ પણ નબળા રહ્યા હતા. સેન્સેક્સ ૬૪૨ પૉઇન્ટના અને નિફટી ૧૮૬ પૉઇન્ટના કડાકા સાથે તૂટીને અનુક્રમે ૩૬૪૮૧ પૉઇન્ટ અને ૧૦૮૧૭ પૉઇન્ટ પર બંધ રહ્યા હતા. બીજી બાજુ ચીનનો આદ્યોગિક વૃદ્ધિદર ૧૭ વરસની નીચલી સપાટીએ પહોંચી ગયો હોવાની ચિંતા અને ચર્ચા પણ ફેલાઈ ગઈ હતી, ઉત્પાદન હબ તરીકે જાણીતા રાષ્ટ્ર ચીનની આ દશા હોય તો વિશ્વ પર તેની કેવી ગ્લોબલ અસર છે તેનો અંદાજ લગાવી શકાય છે. ઑટો સ્ટૉકસ પર આમ પણ આફત છે ત્યારે ક્રૂડના ભાવવધારાએ બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. ઈન શોર્ટ, બે જ દિવસમાં માર્કેટ કૅપમાં પાંચ લાખ કરોડ રૂપિયાથી વધુનું ધોવાણ થઈ ગયું છે.

બુધવારે સાધારણ સુધારો, ગુરુવારે ભારે કડાકો

બુધવારે માર્કેટે રિકવરીથી આરંભ કર્યો હતો. નાણાપ્રધાને વધુ એકવાર વધુ પેકેજ આવવાની જાહેરાત કરી છે, કૉમર્સ મિનિસ્ટર પીયૂષ ગોયલે નિકાસ માટે ધિરાણ સુવિધા વધુ સુલભ બનાવવાની જાહેરાત કરી છે. સેન્સેક્સ વધીને પાછો ફરી ગયો હતો, બુધવારે ક્રૂડના ભાવમાં કરેક્શન આવતા માર્કેટે થોડી હળવાશ અનુભવી હતી.