રાજકોટે રાજાને આપી રજવાડી વિદાય, મનોહરસિંહજી જાડેજાનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

0
59
/news/SAU-RJK-HMU-LCL-rajkot-ex-king-manoharsinh-jadeja-funeral-preparation-gujarati-news-
/news/SAU-RJK-HMU-LCL-rajkot-ex-king-manoharsinh-jadeja-funeral-preparation-gujarati-news-

રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાનું 83 વર્ષની ઉંમરે ગઇકાલે ગુરૂવારે રાજકોટમાં જ તેમના નિવાસસ્થાન રણજીત વિલાસ પેલેસ ખાતે સાંજે નિધન થયું હતું. દાદા તરીકે વધુ ઓળખાતા મનોહરસિંહજી જાડેજા પ્રજાવત્સલ વ્યક્તિ તરીકેની છાપ ધરાવતા હતા. નિધન થતા રાજકોટ સહિત દેશભરમાંથી આજે રાજવી પરિવારો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા. આજે વહેલી સવારે રાજવી પરંપરા મુજબ દાદાની અંતિમયાત્રાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. વહેલી સવારથી જ લોકો તેમના પાર્થિવ દેહના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ભાજપ-કોંગ્રેસના નેતાઓ દાદાના દર્શન માટે આવ્યા હતા. બે પ્રાઇવેટ અને એક પોલીસ બેન્ડની સૂરાવલિ સાથે દાદાની અંતિમયાત્રા નીકળી હતી. રામનાથપરા સ્મશાન ખાતે તેમના પાર્થિવ દેહને પૌત્રએ અગ્નિદાહ આપ્યો હતો. રાજકોટે રાજાને રજવાડી વિદાય આપી હતી. મનોહરસિંહજીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલિન થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.અંતિમયાત્રા અપડેટ

– મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રામનાથપરા સ્મશાને પહોંચી દાદાના દર્શન કર્યા હતા

-શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાએ પણ દાદાના દર્શન કર્યા હતા

– ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે કર્યા દાદાના અંતિમ દર્શન કર્યા હતા

– રાજકોટના પૂર્વ રાજવી લાખાજીરાજની પ્રતિમા પાસે પાલખીયાત્રા પહોંચી, દાદાને લાખાજીરાજના દર્શન કરાવ્યા હતા

-સીએમના પત્ની અંજલીબેન રૂપાણી પણ પેલેસ ખાતે દર્શન માટે આવી પહોંચ્યા હતા

-રણજીત વિલાસ પેલેસના પટાંગણમાં જ 9 બંદુકની સલામી સાથે ચાંદીની બગીમાં દાદાની અંતિમયાત્રા નીકળી હતી

-વિવિધ સમાજના લોકો, રાજકીય નેતાઓ જોડાયા હતા

– અંતિમયાત્રામાં આખા રસ્તે બન્ને બાજુ લોકોની લાઇનો લાગી હતી

-અંતિમ દર્શન માટે કેનાલ રોડ પર ભારે ભીડ જામી હતી, તમામ કામો થંભી ગયા હતા

-સ્મશાનમાં રાજા-રજવાડા માટે અલગ જગ્યા હોય છે તેમાં અંતિમ વિધિ કરાઇ હતી

શું કહ્યું સીએમ રૂપાણીએ?

મનોહરસિંહજીની અંતિમ વિદાયમાં દર્શન કરવા આવેલા સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મનોહરસિંહજી વર્ષોથી સક્રિય રહ્યા હતા. બેસ્ટ પાર્લામેન્ટ વ્યક્તિની છાપ ધરાવતા હતા. રાજકોટે ઉચ્ચ કદના નેતા અને વ્યક્તિ ગુમાવ્યા છે. જાહેર જીવનને શોભાવી ગયા. નવી પેઢીને પ્રેરણા આપતા ગયા છે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના.

શાસ્ત્રોક્ત વિધિ મુજબ અંતિમવિધિ, શહેરના વિવિધ માર્ગો પર ફરી પાલખીયાત્રા

દાદાના નિધનથી રાજકોટના લોકો શોકમગ્ન બની ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. દાદાની અંતિમવિધિ શાસ્ત્રોક્ત વિધિથી જ કરવામાં આવી હતી. દાદાને રાજવી પોશાક તેમજ સાફો પહેરાવવામાં આવ્યો હતો. તેમજ પાર્થિવદેહ પર રજવાડી છત્રી અને એક વ્યક્તિ દ્વારા પવન નાખવામાં આવ્યો હતો. પાલખીયાત્રામાં દેશભરના ક્ષત્રિયો રાજવી પોશાકમાં રાજવી તલવાર સાથે જોડાયા હતા. દાદાની અંતિમયાત્રાને લઇને રાજકોટના પેલેસ રોડના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. હજારોની સંખ્યામાં લોકો અંતિમયાત્રામાં જોડાયા હતા તો બીજી તરફ ચોકે ચોકે લોકો દાદાના અંતિમયાત્રાના દર્શન કરવા ટોળે વળ્યા હતા.

અંતિમયાત્રામાં કોંગ્રેસના એક પણ દિગ્ગજ નેતા હાજર ન રહ્યા

આજે રજવાડી પરંપરા મુજબ તેમની અંતિમયાત્રા નિકળી હતી. આ તકે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ ખાસ હાજર રહ્યા હતા. તેમજ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી રૂપાણીએ પણ ભાજપ-કોંગ્રેસનો ભેદ ભૂલીને આ મુઠી ઉંચેરા માનવીને ટ્વીટ કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. પરંતુ આ તકે આશ્ચર્યની વાત એ જોવા મળી કે કોંગ્રેસના કોઈ દિગ્ગજ નેતા આ પ્રસંગે હાજર રહ્યા નહોતા. શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, ભરતસિંહ સોલંકી તેમજ અહેમદ પટેલ સહિત દાદાની નજીકના ગણાતા કોઈ પણ તેમની અંતિમયાત્રામાં જોવા ન મળતા લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ટ્વિટ કરીને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.

અંતિમયાત્રાનો રૂટ

રાજવી પરંપરા મુજબ અંતિમયાત્રા હજુર પેલેસ રાજકોટ ખાતેથી નીકળી હાથીખાના, પેલેસ રોડ, ગુંદાવાડી પોલીસચોકી, મેસોનિક હોલ, આરએમસી ચોક, ત્રિકોણબાગ, લાખાજીરાજબાપુના બાવલા, ભૂપેન્દ્ર રોડ, હાથીખાના અને ત્યાંથી રામનાથપરા અંતિમયાત્રા પહોંચી હતી. મનોહરસિંહ જાડેજાને રાજવી પરંપરા અનુસાર પેલેસ ખાતે અને રામનાથપરા સ્મશાનગૃહ ખાતે 9 બંદૂકની સલામી આપવામાં આવ્યા બાદ બેન્ડની સૂરાવલિ વચ્ચે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

/news/SAU-RJK-HMU-LCL-rajkot-ex-king-manoharsinh-jadeja-funeral-preparation-gujarati-news-
/news/SAU-RJK-HMU-LCL-rajkot-ex-king-manoharsinh-jadeja-funeral-preparation-gujarati-news-