રાજ્યમાં અલગ-અલગ માર્ગ અકસ્માતમાં ત્રણનાં મોત, પાંચને ગંભીર ઇજા

0
325
three-killed-in-road-accidents-in-the-state
three-killed-in-road-accidents-in-the-state

અમદાવાદ: થરાદ ચાર રસ્તા પાસે આઇશર ગાડી અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યાના ભાઇ રમેશભાઇ પંડ્યા અને તેના બે મિત્રો રાજસ્થાન લોકાચારે ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે તેમની કાર થરાદ ચાર રસ્તા પાસેથી પસાર થતી હતી ત્યારે સામેથી આવી રહેલી આઇશર ગાડી સાથે કાર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો તેમાં કારચાલક ખુશાલભાઇનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બે વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી.

આ ઉપરાંત દ્વારકા રોડ પર મકનપુર ગામનાં પાટિયાં પાસે મુસાફરો ભરેલ છકડો રિક્ષા અને ખાનગી ટ્રાવેલ્સની બસ ધડાકાભેર સામ સામે અથડાતા અકસ્માત થયો હતો જેમાં રિક્ષાચાલક જેઠાભા માણસીભા માણેક સહિત બે વ્યક્તિનાં મોત થયા હતા.

જ્યારે અન્ય ત્રણ મુસાફરોને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત થતાં બસમાં બેઠેલા મુસાફરોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા. પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પી.એમ. માટે મોકલી આપી આ અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે