વર્તમાનમાં જીવતાં શીખવું જોઇએ : કિયારા અડવાણી

0
8
આપણે બધા નસીબદાર છીએ કે સ્વસ્થ છીએ. હું તો એ જ શીખી છું કે દરેક પળને ખાસ બનાવો.
આપણે બધા નસીબદાર છીએ કે સ્વસ્થ છીએ. હું તો એ જ શીખી છું કે દરેક પળને ખાસ બનાવો.

‘કબીરસિંહ’ અને ‘ગુડ ન્યુઝ’ જેવી ફિલ્મોથી પોતાની કારકિર્દીને કંડારનાર કિયારા અડવાણી હાલ પોતાની ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’ને લઇને ચર્ચામાં છે. કોરોનાકાળથી શરૂ થયેલા લૉકડાઉનને કારણે બંધ રહેલાં થિયેટરો નવ મહિના પછી ખૂલી રહ્યાં છે ત્યારે તેને દર્શકો કેવો પ્રતિસાદ આપશે ત્યાંથી માંડીને બીજા અનેક મુદ્દા પર કિયારા સાથે થયેલી વાતચીત માણવી તમને ગમશે.

તમારી ફિલ્મ ‘ઇન્દુ કી જવાની’ થિયેટરમાં રજૂ થવા જઇ રહી છે. શું તમને લાગે છે કે કોરોના કાળમાં લોકો થિયેટરમાં ફિલ્મ જોવા આવશે? હું સૌથી પહેલાં તો એ સુનિશ્ર્ચિત કરવા માગું છું કે બધા સુરક્ષિત રહે. બધાએ એ વિચારવું જોઇએ કે શું એ થિયેટરમાં જવા માટે પોતાને કમ્ફર્ટેબલ માની રહ્યા છે? જો તેઓ એમ માની રહ્યા હોય તો પછી કોઇ વાંધો નહીં. મારો જ દાખલો આપું. હું હાલમાં જ કેટલાય મહિનાઓ બાદ ફ્લાઇટમાં બેઠી. શરૂઆતમાં થોડો ગભરાટ થયો, પરંતુ મેં જોયું કે વિમાનમાં ઘણા લોકો હતા. થોડી વાર પછી મને સ્થિતિ એકદમ સામાન્ય લાગવા લાગી. બધા જ માસ્ક પહેરીને બેઠા હતા. આપણે તમામ સાવધાની સાથે જિંદગી તો આગળ વધારતા જ રહેવી પડશેને? થિયેટરવાળા પણ શરૂઆતની કેટલીક ફિલ્મો માટે વધુ સાવધાની રાખશે જ. સિનેમા હાલનું ખૂલવું પણ જરૂરી છે. તેનાથી કેટલાય લોકોનું ઘર ચાલે છે. અંતે તો એ લોકોની મરજી અને કમ્ફર્ટ પર નિર્ભર કરે છે કે થિયેટરમાં જવું જોઇએ કે નહીં?

આ ફિલ્મ તમારી સોલો રિલીઝ છે. આનો સમગ્ર ભાર તમે ઉઠાવી રહ્યાં છો. શું તમે કોઇ જાતનું દબાણ અનુભવી રહ્યાં છો? દબાણ તો હંમેશાં રહે છે. અત્યાર સુધી મેં જેટલી ફિલ્મો કરી છે તેનો બધો બોજો પુરુષ કલાકાર તરીકે ઉઠાવ્યો છે. મને નથી લાગતું ક્ે ફક્ત હીરો પર જ પૂરી ફિલ્મનો ભાર હોય છે. આ ફિલ્મમાં આદિત્ય સીલ, મલિકા દુઆ અને બીજા જેટલા પણ આર્ટિસ્ટ છે અને દિગ્દર્શકને ગણીને બધાની જ આ ફિલ્મ છે. બધા પર આની જવાબદારી છે. ફિલ્મ બનાવવી એક ટીમવર્ક હોય છે. જેટલું દબાણ હું અનુભવી રહી છું એટલું ફિલ્મ સાથે સંકળાયેલા બીજા લોકો પણ અનુભવતા હશે. મારી અન્ય ફિલ્મો વખતે પણ મારા પર પ્રેશર રહ્યું જ હતું.ફિલ્મ ‘દિલ તેરા’ ગાયનમાં તમે રેટ્રો લુકમાં નજરે પડો છો. કેવો રહ્યો અનુભવ? જે લોકો બાળપણથી જ ફિલ્મપ્રેમી છે તેને માટે તો રેટ્રો લુક એટલો નવાઇભર્યો નથી. મને આ ગાયન કરવામાં ઘણી મજા આવી, કારણ કે આમાં અમે ચાર લુક્સ અપનાવ્યા હતા. સાઠના દાયકાના શર્મિલા ટાગોરજીના ‘કશ્મીર કી કલી’વાળા દેખાવને પણ દોહરાવ્યો. સિત્તેરના દાયકાની હેમા માલિનીજીની હેર સ્ટાઇલ તો એંશીના દાયકાનો પરવીન બાબીજીનો ‘નમક હલાલ’વાળો દેખાવ પણ સ્ક્રીન પર તાજો કર્યો. ત્યાર બાદ નેવુંના દાયકાની ઊર્મિલા માતોન્ડકરજીની ‘રંગીલા’ ફિલ્મની સ્ટાઇલ તો અમારે કરવાની જ હતી. ઘણા સમય બાદ આવું રેટ્રો ગાયન જોવા મળી રહ્યું છે. આની પહેલાં એક ગાયન ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ માં ‘વહ લડકી હૈ કહાં’ એ હતું જે ઘણું હિટ સાબિત થયું હતું.તમેે કેવા પ્રકારના પ્રેમમાં વિશ્ર્વાસ રાખો છો? હું ઓલ્ડ સ્કૂલ રોમેન્સમાં વિશ્ર્વાસ રાખું છું. મને લાગે છે કે મારો સપનાનો રાજકુમાર એક દિવસ એની મેળે જ મારી સામે આવશે, પરંતુ એવું ક્યારે થશે એનો જવાબ તો આવનારો સમય જ આપશે. લૉકડાઉનમાં તમને શું શીખવા મળ્યું?સહુથી જરૂરી વાત મારા માટે લૉકડાઉનમાં એ રહી કે આપણે વર્તમાનમાં જીવવું જોઇએ. બધા વિચારે છે કાલે શું થશે? એક સમય હતો જે રોકાઇ ગયો હતો, તેણે આપણને શીખવ્યું કે થોભો આજે જે છે તેમાં રમમાણ રહો. તેને પારખો. કૃતજ્ઞ રહો અને જિંદગીની વેલ્યુ કરો. આ સમય બધા માટે જ મુશ્કેલ હતો.આપણે બધા નસીબદાર છીએ કે સ્વસ્થ છીએ. હું તો એ જ શીખી છું કે દરેક પળને ખાસ બનાવો. તમારે જેને કહેવું હોય આઇ લવ યુ કે પછી સોરી એ બેધડક કહી દો. કાલે શું થવાનું છે એનો સાચે જ કોઇને ખ્યાલ નથી.તમારી આવનારી ફિલ્મોથી તમને કેટલી આશા છે? ઘણી બધી આશા છે. ઘણી મહેનત અને લગનથી ફિલ્મોમાં કામ કર્યું છે. ‘શેરશાહ’નું શૂટિંગ પૂરું થયું છે. તેના પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. એક વાર તે પૂરું થઇ જાય પછી ખબર પડશે કે ક્યારે રજૂ થશે.