વિજય રૂપાણીની સોમવારે અચાનક દિલ્હી મુલાકાતથી જાતભાતની અટકળો શરૂ

0
987
rupanis-unscheduled-visit-to-new-delhi-fuels-speculations
rupanis-unscheduled-visit-to-new-delhi-fuels-speculations

ગાંધીનગર: લોકસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જઈ રહી છે તેમ-તેમ દેશની સાથે-સાથે રાજ્યમાં રાજકીય હલચલો શરૂ થઈ ગઈ છે. એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સોમવારે અચાનક દિલ્હી મુલાકાતથી જાતભાતની અટકળો શરૂ થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂપાણીને કેટલાક રાજકીય મુદ્દાઓ પર ચર્ચા કરવા બોલાવ્યા હતા.મુખ્યમંત્રી રૂપાણીએ અમારા સહયોગી ન્યૂઝ પેપર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, ‘હું ગુજરાતના પડતર પ્રશ્નો અંગે ચર્ચા કરવા કેન્દ્રિય રેલવે મંત્રી પીયુષ ગોયેલને મળવા દિલ્હી ગયો હતો.’ તેમણે કહ્યું કે, વડાપ્રધાનને મળવા તેમણે પીએમ ઓફિસમાં તેમને મળવાના સમય અંગે તપાસ કરી હતી, પણ તેમને મળી શક્યો ન હતો. રૂપાણીએ વધુમાં જણાવ્યું કે, બુલેટ ટ્રેન, ફ્રેઈટ કોરિડોર, મેટ્રો રેલ, ગાંધીનગર રેલવે સ્ટેશન હોટલ અંગેના ડેવલોપમેન્ટ અને અન્ય પડતર મુદ્દાઓ અંગે તેમણે ચર્ચા કરી હતી.ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જે રાજકીય ગતિવિધીઓ થઈ રહી છે તે જોતાં રૂપાણીની અચાનક દિલ્હી મુલાકાતે ઘણા તર્ક-વિતર્કો ઊભા કર્યા છે. રૂપાણીની આ મુલાકાતને મંત્રીમંડળના વિસ્તરણ સાથે પણ જોડવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ટૂંક સમયમાં રાજ્યના મંત્રીમંડળમાં ફેરફાર કરવામાં આવે તેવી અટકળો પણ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે. રૂપાણી સરકારમાં જે રીતે સૌરાષ્ટ્ર લોબીનું પ્રભુત્વ વધી ગયું છે, તેનાથી ઉત્તર ગુજરાતની લોબીમાં છૂપી નારાજગી જોવા મળી રહી છે. લોકસભાની ચૂંટણીમાં આ ફેક્ટર ભાજપને નુકસાન ન પહોંચાડે તે માટે પણ મંત્રીમંડળનું વિસ્તર કરી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે બેલેન્સ જાળવવાનો પ્રયાસ કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાતી નથી. હાલમાં રૂપાણી મંત્રીમંડળમાં ઉત્તર ગુજરાતમાંથી નીતિન પટેલ જ એકમાત્ર મોટું માથું છે.વળી, તાજેતરમાં જ નીતિન પટેલ નારાજ હોવાનો અને રાજીનામું આપવાના હોવાની અટકળો પણ પૂરજોરમાં ચાલી હતી. બાદમાં નીતિન પટેલે પોતે જાહેરમા આવીને આવી વાતોને અફવા જણાવી હતી. જોકે, વિધાનસભાની ચૂંટણીમાં જીત બાદ જે રીતે નીતિન પટેલે પોતાના હોદ્દા કપાતાં નારાજગી વ્યક્ત કરી હતી અને જે ‘રાજકીય ડ્રામા’ ખેલાયો હતો, તે જોતાં અંદરખાને કંઈક રંધાઈ હોવાની વાત નકારી શકાય નહીં. ત્યારે લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત ભાજપમાં ચાલતા આંતરિક વિખવાદને ઉકેલવા માટે પણ આ મુલાકાત થઈ હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છેએટલું જ નહીં, પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)નો કન્વીનર હાર્દિક પટેલ ફરી એકવખત સક્રિય થઈ ગયો છે. તાજેતરમાં જ તેણે સુરેન્દ્રનગરના મોટી માલવણ ખાતે ‘પાટીદાર મહાપંચાયત’ યોજી ભાજપ સામે રણશિંગું ફૂંકી દીધું છે. વિધાનસભાની ચૂંટણીની જેમ જ લોકસભાની ચૂંટણી પહેલા પણ પાટીદારોને અનામતનો મુદ્દો ફરીથી ઉછાળવા માટે હાર્દિકે તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ત્યારે અનામતનો મુદ્દો લોકસભાની ચૂંટણીમાં ભાજપને ભારે ન પડી જાય તે માટે ઉપલા લેવલથી અત્યારથી જ આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, હાર્દિક મામલે પણ દિલ્હીમાં ચર્ચા થઈ હોઈ શકે છે.વિધાનસભાની ચૂંટણી વખતે તો અમિત શાહના લેવલેથી પાટીદારોના મુદ્દાને હેન્ડલ કરવામાં આવી રહ્યો હતો, પણ લોકસભાની ચૂંટણીમાં જો પાટીદાર અનામત જેમ જ અનામતનો મુદ્દો દેશભરમાં ઊભો થાય તો ભાજપ ભીંસમાં મૂકાઈ શકે છે. એટલે, 2019ની ચૂંટણીઓના પ્રચાર પડઘમ શરૂ થાય તે પહેલા જ અનામતના મુદ્દાને કાઉન્ટર કરવાનો રસ્તો ભાજપના મોવડી મંડળ દ્વારા શોધવામાં આવી રહ્યો છે. ભાજપ બરાબર જાણે છે કે, કોંગ્રેસ ફરી એકવખત આ મુદ્દો ચગાવશે અને આ વખતે માત્ર ગુજરાત નહીં દેશના અલગ-અલગ ભાગો કે જ્યાં અનામત મામલે આંદોલનો થયા છે કે થઈ રહ્યા છે, ત્યાં કોંગ્રેસ ભાજપને ઘેરવાનો પૂરતો પ્રયાસ કરશે. ગુજરાતમાં જેમ પાટીદારો અનામત માગી રહ્યા છે, તેમ મહારાષ્ટ્રમાં મરાઠા અને રાજસ્થાનમાં ગુર્જરો પણ આંદોલન ચલાવી રહ્યા છે. આ બાબતે વિરોધીઓના હાથમાં મજબૂત હથિયાર ન આવી જાય તે માટે અત્યારથી જ ભાજપમાં રણનીતિ ઘડાઈ રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.અનામતના મુદ્દા ઉપરાંત બેરોજગારી, પાણીની કટોકટી, પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ ઉપરાંત ખાનગી સ્કૂલો દ્વારા બેફામ ફી વધારાનો મુદ્દો તો ભાજપ માટે માથાનો દુઃખાવો બનેલા જ છે. ખાનગી સ્કૂલોની ફીનો મુદ્દે તો રાજ્યના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. જેને શાંત પાડવામાં રાજ્ય સરકાર અગમ્ય કારણોસર નિષ્ફળ રહી છે. જે બાબતમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને નડી શકે છે. વળી, થોડા દિવસો પહેલા જ વિકાસના કામોમાં મંદ ગતિથી નારાજ પીએમઓએ રાજ્ય સરકારને ઠપકો પણ આપ્યો હતો. જો કોંગ્રેસ આ મુદ્દાઓ ઉછાળવામાં સફળ રહેશે તો લોકસભાની ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં મોટું નુકસાન થઈ શકે તેમ છે. આવી સ્થિતિ વચ્ચે રૂપાણીની અચાનક દિલ્હી મુલાકાત ઘણી બધી રીતે સૂચક છે. ઉલ્લેખનીય છે કે, લોકસભાની બધી જ 26 બેઠકો પર હાલ ભાજપનો કબજો છે