વિધાનસભાની સેમિફાઇનલ:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, 6 મહાનગરપાલિકા માટે 21મી અને નગરપાલિકા-પંચાયતોનું 28 ફેબ્રુઆરીએ મતદાન

0
7
રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે.
રાજ્યની છ મહાનગરપાલિકાઓની ચૂંટણી આગામી 21 ફેબ્રુઆરી તેમજ નગરપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરીએ સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે.

ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ પહેલા દિવ્યભાસ્કરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બે તબક્કામાં યોજાવા અંગે સ્પેશિયલ રિપોર્ટ તૈયાર કર્યો હતો. જે અક્ષરશઃ સાચો પડ્યો છે.

મનપાના પરિણામો પંચાયતો અને નગરપાલિકાઓની ચૂંટણીને પ્રભાવિત કરી શકે
6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જેથી મનપાના પરિણામો જાહેર થઈ જશે. જેની અસર પંચાયતોની ચૂંટણી પર થઈ શકે છે.

21 ફેબ્રુઆરીએ 6 મહાનગર પાલિકાઓ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ભાવનગર અને જામનગર માટે મતદાન થશે. જ્યારે જૂનાગઢની બે બેઠક પર પણ ચૂંટણી થશે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રકિયા પૂરજોશમાં
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદ્ઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા. તેની સાથે સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ફેસશીલ્ડ, માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવાશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે પણ ચૂંટણીપંચે બેઠકો કરી છે, જેમાં કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી સ્ટાફ પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે. મતદાન મથકોમાં મતદારો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેને પગલે સેનિટાઇઝર અને માસ્કની જરૂરિયાત જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

અમદાવાદઃ 48 વોર્ડ અને 192 બેઠક
સીમાંકન બાદ અમદાવાદ મનપામાં હાલના 48 વોર્ડ અને 192 કોર્પોરેટરોની બેઠક યથાવત્ રહી છે. નવા ભળેલા બોપલ ઘુમા નગરપાલિકા અને ઔડાના વિસ્તારોનો હાલના વોર્ડમાં સમાવેશ કરાશે. તે જ રીતે અન્ય ચાર મહાનગરપાલિકામાં પણ આ જ સ્થિતિ રહેશે.

સુરતઃ 30 વોર્ડ અને 120 બેઠકો, મહિલાઓ માટે 60 બેઠક અનામત
નવા સીમાંકન મુજબ સુરતમાં મહાનગરપાલિકાના 30 વોર્ડ બનાવવામાં આવ્યા છે. જેમાં 120 બેઠકો કાઉન્સિલરની રાખવામાં આવશે. આમ એક વોર્ડ અને 4 કાઉન્સિલરનો વધારો થશે. મનપાની 120 બેઠકોમાંથી 3 બેઠક શિડ્યુલ કાસ્ટ અને તેમાંથી બે બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.ચાર બેઠકો શિડ્યુલ ટ્રાઈબ માટે અનામત રાખવામાં આવી છે જેમાંથી બે બેઠક મહિલાઓ માટે રહેશે. 12 બેઠકો બેકવર્ડ કલાસ માટે રખાઈ છે જેમાંથી 6 બેકવર્ડ ક્લાસની મહિલાઓ માટે અનામત રહેશે.જ્યારે કુલ 120 બેઠકોમાંથી 60 બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.

VMCમાં ST અને SCની અનામત બેઠકોમાં ફેરફાર
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડની સંખ્યામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. અગાઉના 19 વોર્ડ અને 76 બેઠક જ યથાવત રાખવામાં આવી છે. જોકે નવા સીમાંકન બાદ 40થી 50 હજાર મતદારોનો વધારો થશે. વડોદરા મહાનગરપાલિકાના દરેક વોર્ડમાં અત્યારે 87 હજારની આસપાસ મતદારો છે. હાલ અનુસૂચિત જાતીની અનામત 5 બેઠકો છે. જેમાં 2 મહિલા અને 3 પુરૂષ માટે અનામત બેઠકો હતી. જોકે હવે નવા સિમાંકન પ્રમાણે 3 મહિલા અને 2 પુરૂષ માટે બેઠકો અનામત જાહેર કરવામાં આવી છે. અનુસૂચિત જનજાતી માટે 3 બેઠકો અનામત છે. જે પૈકી બે પુરૂષ માટે અને એક મહિલા માટે અનામત હતી. જોકે હવે નવા સીમાંકન બાદ 2 મહિલા અને 1 પુરૂષ માટે અનામત બેઠક જાહેર કરાઇ છે.

રાજકોટ મહાનગર પાલિકાઃ 18 વોર્ડ અને 72 બેઠકો યથાવત, 13 બેઠક અનામત
રાજકોટની હદમાં વધારો થયા પછી 18 વોર્ડ યથાવત રાખવામાં આવ્યા છે. રાજકોટમાં મોટા મવા, મુંજકા, માધાપર, ઘંટેશ્વર અને મનહરપુર એમ પાંચ ગામનો રાજકોટ શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનની ચૂંટણીમાં 72 કોર્પોરેટરો ચૂંટવાના રહેશે. જેમાં 36 બેઠકો મહિલા અનામત છે. કુલ 72 બેઠકો પૈકી 5 બેઠકો અનુસૂચિત જાતિ અનામત રહેશે. તે પાંચ પૈકી 3 મહિલા અનુસૂચિત જાતિ માટે રહેશે. 7 બેઠકો બક્ષીપંચ માટે અનામત રહેશે. આ 7માં 7 બેઠકો બક્ષીપંચ મહિલા માટે અનામત રહેશે. 1 બેઠક આદિજાતિ મહિલાઓ માટે અનામત રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આદિવાસી મહિલા માટે એક બેઠક અનામત રહેશે.

જામનગર મહાનગર પાલિકાઃ 16 વોર્ડ અને 64 બેઠક
જામનગરમાં 16 વોર્ડ અને 64 બેઠક પૈકી SC માટે 4 જેમાંથી 2 મહિલા અનામત અને એક બેઠક ST મહિલા માટે રહેશે. 6 બેઠક પછાત વર્ગ માટે રહેશે તો 3 મહિલા અનામત માટે રહેશે. 32 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.

ભાવનગર મહાનગર પાલિકાઃ 13 વોર્ડ અને 52 બેઠક
ભાવનગરમાં 13 વોર્ડ પર 52 બેઠક યથાવત છે. જેમાં 52 બેઠક પૈકી 3 SC માટે અને તેમા 2 SC મહિલાઓ માટે બેઠક રહેશે. 5 બેઠક પછાત વર્ગ માટે રહેશે. જેમાં 3 મહિલા માટે અનામત રહેશે. તેમજ 26 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.