શું દોસ્તોની સાથે ચાલવામાં તમે પાછળ રહી જાઓ છો?

0
39

ચાલવું એ સૌથી સહેલી અને ખૂબ અસરકારક કસરત છે એવું આપણે સાંભળતા આવ્યા છીએ. જોકે તમે કઈ ગતિએ ચાલી શકો છો એ તમારા શરીર અને મગજની તંદુરસ્તીનો આઇનો બની શકે છે. એટલે જ માત્ર ચાલવા પર ફોકસ રાખવાને બદલે તમે સહજતાથી કઈ ગતિએ ચાલો છો એ ઑબ્ઝર્વ કરવાનું પણ રાખવું. વૉકિંગ એ ખૂબ સાદી ઍક્ટિવિટી છે, પરંતુ એની સાથે હેલ્થનાં ઘણાંબધાં ફૅક્ટર્સ સંકળાયેલાં છે. તાજેતરમાં લોકોની ચાલવાની ગતિ સાથે સાંકળતો એક અભ્યાસ અમેરિકાની ડ્યુક યુનિવર્સિટી અને લંડનની કિંગ્સ કૉલેજના અભ્યાસુઓએ સાથે મળીને કર્યો હતો. એનું તારણ કંઈક એવું કહે છે કે જો વ્યક્તિ ચાળીસીમાં પ્રવેશે એ પછી તેની ચાલ કેટલી ઝડપી છે એના આધારે તેનું શરીર-મગજ કેટલી ઝડપે વૃદ્ધત્વ તરફ જઈ રહ્યું છે એ કહી શકાય. જરા બીજા શબ્દોમાં કહીએ તો તમે કેટલા ઝડપથી ઘરડા થશો એ મિડલ-એજમાં તમારી વૉકિંગ-સ્પીડ કેટલી છે એના આધારે ભાખી કહી શકાય.


આ પહેલાંના અભ્યાસમાં તો એવું પણ તારવાયું હતું કે ૫૫-૬૫ની વયે ચાલવામાં સંતુલનની તકલીફ પડે, ગતિ ધીમી પડી જાય, દિશાભાનમાં ગરબડ થવા માંડે એ ડિમેન્શિયા કે બ્રેઇન ડીજનરેશનની સમસ્યાની શરૂઆતનાં લક્ષણો હોઈ શકે છે. જોકે તાજેતરમાં પ્રોફેસર ટેરી મૉફિટના નેતૃત્વમાં ન્યુ ઝીલૅન્ડના ૧૦૦૦ લોકો પર લૉન્ગ ટર્મ અભ્યાસ કરવામાં આવ્યો છે. એમાં ૧૯૭૦ના દાયકામાં જન્મેલા વૉલન્ટિયર્સના બાળપણથી લઈને ૪૫ વર્ષની ઉંમર સુધી દર થોડાં વર્ષે ફિઝિકલ ટેસ્ટ તેમ જ બ્રેઇન સ્કૅન કરવામાં આવ્યાં હતાં.

સામાન્ય રીતે ધીમી ગતિએ ચાલનારા લોકોનાં ફેફસાં, દાંત, હાડકાં અને ઇમ્યુન-સિસ્ટમ સ્પીડ-વૉકર્સની સરખામણીએ ઓછાં મજબૂત હોય છે. જોકે આ અભ્યાસમાં એવું પણ જોવા મળ્યું હતું કે ધીમી ચાલ ધરાવતા લોકોનો ચહેરો પણ તેમની ઉંમર કરતાં વધુ ઘરડો હોય છે અને બ્રેઇનની સાઇઝ નાની હોય છે. આવાં બધાં અવલોકનો થોડાં આશ્ચર્ય પમાડે એવાં છે, કેમ કે ચાલવા જેવી સામાન્ય ક્રિયા પરથી વૈજ્ઞાનિકો ઝડપી ઘડપણના આગમનની ભવિષ્યવાણી કરી રહ્યા છે. ડૉક્ટરો સામાન્ય રીતે ૬૫ વર્ષથી મોટી વયના લોકોનું ઓવરઑલ સ્વાસ્થ્ય તપાસવા માટે ફેફસાંની કાર્યક્ષમતા, મસલ્સની મજબૂતાઈ, સંતુલન અને કરોડરજ્જુની તાકાત અને દૃષ્ટિ જેવાં પરિમાણોની તપાસ કરતા હોય છે. જોકે નવા અભ્યાસ મુજબ હવે યંગ એજમાં તમારી ચાલવાની ગતિ પરથી તમારું ઘડપણ વહેલું આવશે કે મોડું એ કહી શકાય એમ છે એવો દાવો થઈ રહ્યો છે. આ વાતમાં કેટલું તથ્ય છે એ જરા સમજીએ.

ચાલ અને ઘડપણની ગતિ

વૉકિંગ અને એજિંગ એ બેને શું કોઈ સીધો સંબંધ છે? આમ જોવા જઈએ તો હા અને ના બન્ને જવાબ સાચા છે. તમે જોયું હોય તો ૭૭ વર્ષની વયે અમિતાભ બચ્ચન કે ૬૯ વર્ષે નરેન્દ્ર મોદી જે સ્થિર ગતિએ ચાલી શકે છે એ તેમના સ્વાસ્થ્યનું દર્પણ જ છેને! બાકી આપણી આજુબાજુમાં ૭૦-૭૫ વર્ષની વયનાં કેટલાંય દાદા-દાદી છે જેઓ બીજી કોઈ જ બીમારી ન હોવા છતાં બહુ ધીમી ચાલે માંડ મંદિરે દર્શન કરવા જઈ શકે છે. આ ડિફરન્સ કેમ? એજિંગ પ્રોસેસમાં કયાં પાંચ ફૅક્ટર્સ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવે છે એ વિશે વાત કરતાં જેરોન્ટોલૉજિસ્ટ ડૉ. કલ્પના સંઘવી કહે છે, ‘જેમ-જેમ શરીરની ઉંમર થતી જાય એમ-એમ શરીરમાં આપમેળે બદલાવ આવતા જાય છે. એજિંગ પ્રોસેસમાં ઘણીબધી ચીજો આવે. સૌપ્રથમ તો પોષક તત્ત્વોની કમી પેદા થાય. આપણે યંગ એજમાં શરીરને કેવું અને કેટલું સંતુલિત પોષણ આપ્યું છે એના આધારે મિડલ-એજ દરમ્યાન બૉડીમાં ન્યુટ્રિશન બૅલૅન્સ કેટલું હશે એ નક્કી થાય. જો સ્નાયુઓ અને હાડકાંને મજબૂત રાખવા માટે જરૂરી ન્યુટ્રિશનનો અભાવ હોય તો ઘડપણ વહેલું આવે. બીજું, સ્ત્રી હોય કે પુરુષ બન્નેમાં હૉર્મોનલ બદલાવ આવે છે જે શરીરને ધીમે-ધીમે ક્ષીણ કરે છે. મિડલ-એજ દરમ્યાન સ્થૂળતા વધે તેમ જ શારીરિક પ્રવૃત્તિઓ ઘટતી જાય તો એને કારણે પણ એજિંગ પ્રોસેસ ઝડપી બને છે. ચાલ ધીમી પડવી એ એજિંગ પ્રોસેસની શરૂઆત થઈ ચૂકી છે એની બાંગ પોકારતું લક્ષણ કહેવાય.’

સરખામણી કરવી જરૂરી

ચાલવાની ગતિ અને ઢબ એ દરેક વ્યક્તિની યુનિક હોય છે. કોઈક નાની વયથી જ ફર્રાટાભેર જાણે દોડ લગાવી હોય એ ગતિએ ચાલતું હોય છે તો કોઈક પહેલેથી જ ધીમી ચાલ ધરાવે છે. એટલે તમારી ચાલ કેવી છે એ એકમાત્ર ફૅક્ટરને તમારા બ્રેઇનના એજિંગ સાથે સાંકળી ન લેવાય એવું મલાડ-કાંદિવલીમાં પ્રૅક્ટિસ કરતા ન્યુરોલૉજિસ્ટ ડૉ. કેયુર પંચાલ માને છે. તેઓ કહે છે, ‘યસ, ચાલતી વખતે ગતિ અને બૅલૅન્સ કેવું છે એના આધારે અનેક ન્યુરોલૉજિકલ રોગોનાં લક્ષણોનું મૂલ્યાંકન થતું હોય છે, પરંતુ ૪૫ વર્ષની વયે માત્ર ગતિ કેટલી છે એના આધારે બ્રેઇનનું એજિંગ ઝડપી છે એવું કહેવું જરા વધુપડતું છે. ચાલની ગતિમાં બદલાવ એ કમ્પેરિટિવ સ્ટડીની વાત છે. મોટા ભાગે હમઉમ્ર દોસ્તો વચ્ચે કમ્પેરિઝન કરવી જોઈએ. અમે જ્યારે કેસ-હિસ્ટરી લેતા હોઈએ છીએ ત્યારે સામાન્ય રીતે પેશન્ટને તેમના પતિ કે પત્નીની સરખામણીમાં તેમની ચાલ કેવી છે એ પૂછીએ. મોટા ભાગે યુગલો વચ્ચે બે-ત્રણ વર્ષનો ફરક હોય છે. જ્યારે દરદી કહે કે પહેલાં તો હું મારી પત્ની કરતાં બહુ ફાસ્ટ ચાલતો પણ હવે મારે તેની પાછળ ઢસડાવું પડે એટલી ચાલ ધીમી થઈ ગઈ છે. જો આવું હોય તો એ લક્ષણ ગંભીર છે.’
ટૂંકમાં કહીએ તો, જીવનસાથી કે મિત્રો સાથે વૉકિંગ કરવા જવાના અનેક ફાયદા છે. એ તનને કસરત આપે છે, મનને પણ પ્રફુલ્લિત રાખે છે અને તમારું શરીર હમઉમ્ર લોકોની સરખામણીએ સ્વસ્થ છે કે નહીં એ પણ કહે છે.

ધીમી ચાલ એ વૉર્નિંગ સિગ્નલ
જો તમે યંગ એજમાં રેલવે-સ્ટેશનથી ઘરે ૧૦ મિનિટમાં ચાલીને પહોંચી જતા હતા, પણ હવે એટલા જ અંતર માટે તમને ૨0 મિનિટ લાગે છે તો એ જરૂર બતાવે છે કે તમારું શરીર ઘસાઈ રહ્યું છે. ન્યુરોલૉજિસ્ટ ડૉ. કેયુર પંચાલ કહે છે, ‘એક વાત એ સમજવી જોઈએ કે ઉંમરની સાથે ચાલ ધીમી પડે જ છે. એ નૉર્મલ એજિંગ પ્રોસેસનો જ ભાગ છે કે પછી અકાળે મગજના કોષોના ડીજનરેશને કારણે ઊભી થયેલી સમસ્યા છે. જો ૪૫ વર્ષની વયે તમે હમઉમ્ર, તંદુરસ્ત અને ફિઝિકલી ઍક્ટિવ દોસ્તોની સાથે કદમથી કદમ ન મિલાવી શકતા હો તો એ જનરલ એજિંગ પ્રોસેસ વધુ ઝડપી થઈ રહી હોવાની સંભાવના છે. જો તમે આને વૉર્નિંગ સિગ્નલ સમજીને ફિઝિકલ ઍક્ટિવિટી તરફ ધ્યાન આપો તો બની શકે કે એજિંગ પ્રોસેસને તમે ધીમી પાડી શકો.’

વૉકિંગ-સ્પીડ ધીમી પડી જવાનાં કારણો
મસલ્સમાં સ્ટિફનેસ અથવા તો મજબૂતાઈનો અભાવ પેદા થવાને કારણે તમારા પગ ઝડપથી ઊપડતા ન હોય.

જો તમે સહેજ ઝડપથી ચાલવાની કોશિશ કરો ત્યારે તરત હાંફ ચડે, પસીનો થાય, હાર્ટબીટ્સ વધી જાય તો ફેફસાં અને હૃદયની ક્ષમતા ઘટી ગઈ હોય અથવા તો આ બે અવયવોમાં તકલીફ હોઈ શકે.

સાંધામાં ઑસ્ટિયોઆર્થ્રાઇટિસને કારણે પીડા થવાથી ચાલ ધીમી પડી જાય.

હાડકાંની મજબૂતાઈ, મસલ્સની સ્ટ્રેન્ગ્થ ઘટી ગઈ હોવાને કારણે ચાલ ધીમી પડે અથવા તો લાંબું ચાલવાથી થાક લાગે.

સ્થૂળતા વધી જવાને કારણે ચાલવાની ઝડપ ઘટી જાય.

બ્રેઇન ડીનજરેટિવ ડિસીઝની શરૂઆત થવાને કારણે તમે ઇચ્છો તો પણ હાથ-પગ અને મૂવમેન્ટ જાણે તમારા કહ્યામાં નથી એવું લાગે.