સરદાર પટેલના સ્મારકના બાંધકામમાં ચીની ટેક્નૉલૉજી વપરાઈઃ રાજ ઠાકરે

0
12

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં રાજ્યના ખેડૂતોના આપઘાતના સિલસિલાના ઉકેલ જેવા વિષયો હાથ ધરવાને બદલે બંધારણની ૩૭૦મી કલમ રદ કરવા જેવા મુદ્દા પર ચૂંટણી લડવા બદલ મનસેના નેતા રાજ ઠાકરેએ બીજેપીની ટીકા કરી હતી. થાણેના ભિવંડી અને કલ્યાણમાં પક્ષના ઉમેદવારો માટે ચૂંટણીની પ્રચારસભાને સંબોધતાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખે જણાવ્યું હતું કે ‘મહારાષ્ટ્રના માર્ગોની બદતર હાલત બાબતે બીજેપી શા માટે ચૂપ છે?
મહારાષ્ટ્રના મતદારોને સંબંધિત ન હોય એવા વિષયો બીજેપીના નેતાઓ હાથ ધરતા હોવાનું રાજ ઠાકરેએ ભારપૂર્વક જણાવ્યું હતું. બીજેપીના પ્રમુખ અમિત શાહ રાજ્યની પ્રચાર સભાઓમાં બંધારણની ૩૭૦મી કલમ રદ કરવાના સરકારના યશના ગુણગાન મહારાષ્ટ્રની ચૂંટણીમાં ગાયા કરે છે, કારણકે તેઓ મોટી સમસ્યાઓ પરથી મતદારોનું ધ્યાન ફંટાવવા ઇચ્છે છે. ખેડૂતોની આત્મહત્યાનો સિલસિલો અટક્યો નથી. રાજ્યના દરેક જિલ્લાના રસ્તા પર ખાડા પડ્યા છે. એ રસ્તાનાં સમારકામ માટે તમામ તંત્રો બેદરકાર છે.’
રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ગુજરાતમાં સ્થપાઈ ગયાને ઘણો વખત થઈ ગયો, પરંતુ હજી સુધી મુંબઈ પાસે અરબી સમુદ્રમાં છત્રપતિ શિવાજી મહારાજનું સ્મારક શા માટે બંધાયું નથી? બીજેપી એક તરફ ચીની માલના બહિષ્કારની હાકલો કરે છે અને બીજી બાજુ સરદાર પટેલની પ્રતિમા ચીની બનાવટથી ઊભી કરે છે. મુંબઈ અને પાડોશી શહેરો અન્ય રાજ્યોમાંથી આવતા લોકોનાં ધાડાંની સમસ્યાથી પરેશાન છે. મેં બિહાર અને ઉત્તર પ્રદેશથી રોજ આવી પડતા લોકો બાબતે પ્રશ્ન ઊભો કર્યો ત્યારે બીજેપી તથા અન્ય પક્ષોએ કાગારોળ મચાવી મૂકી. ગુજરાતમાંથી ઉત્તર પ્રદેશ અને બિહારના વીસ હજાર લોકોને હાંકી કાઢવામાં આવ્યા, એ બાબતે કોઈએ કઈં ન કહ્યું. જનતાના પ્રશ્નો માટે સૌથી વધારે આંદોલનો કરનાર એકમાત્ર પક્ષ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના છે.’