સાઈડ ઍન્ગલ

0
20

બૉલીવૂડની અભિનેત્રી તબ્બુની ગાડી અત્યારે જોરમાં છે. ઘણા સમય પછી તેની સફળ ફિલ્મો આવી રહી છે અને એક પછી એક ફિલ્મો તેને મળતી જાય છે.

આ વર્ષે આવેલી તેની અજય દેવગણ સાથેની પ્રણય ત્રિકોણીય કથા ધરાવતી ફિલ્મ ‘દે દે પ્યાર દે’ સુપરહિટ ગઇ હતી. તે પછી તે અત્યારે ‘અ સ્યુટેબલ બૉય’ ફિલ્મકરી રહી છે. તાજેતરમાં તે મેલબૉર્નમાં ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં જઇ આવી, જ્યાં તેની ફિલ્મ ‘અંધાધૂન’ દર્શકો માટે બતાવાઇ હતી. તબ્બુ અત્યારે પણ ૨૦ વર્ષ પહેલા લાગતી હતી તેવી જ સુંદર લાગે છે. વર્ષો વીતતા જાય છે તેમ તેની સુંદરતા, ભવ્યતા અને ચાર્મ વધતો જાય છે. તે સાદગીભર્યા વસ્ત્રોમાં પણ આકર્ષક લાગે છે. જોકે, તબ્બુ કહે છે કે લોકોનો પ્રેમ જ મને ઝળકતી અને સુંદર રાખે છે. તેની પાછળ કોઇ મોટું રહસ્ય નથી. તે કહે છે, હું ક્યારેય ફિટનેસ ફ્રીક રહી નથી કે ડાએટ પર પણ ધ્યાન નથી આપતી. મારે કરવું જોઇએ તેના કરતા પણ ઓછું કામ કરું છું. જોકે, હું કેટલાક પાયાના સિદ્ધાંતોને અનુસરું છું. જેમ કે તૈલી પદાર્થ ન ખાવા અને મીઠી વસ્તુ ન ખાવી વગેરે. પણ ખાસ કોઇ ડાએટ પ્લાન નથી બનાવતી.

તાજેતરમાં અભિનેત્રીએ સૈફ અલી ખાન સાથે ‘જવાની જાનેમન’ ફિલ્મનું શૂટિંગ કર્યું. સૈફ સાથે ફિલ્મ કરવાની બહુ મજા આવી રહી હોવાનું તે કહે છે. બંનેએ અગાઉ ‘બીવી નં. વન’ અને ‘હમ સાથ સાથ હૈ’ જેવી ફિલ્મો સાથે કરી હતી. સૈફ અંગે તે કહે છે કે તે મારો બહુ સારો મિત્ર છે. તે બહુ બુદ્ધિશાળી, લાગણીશીલ અને સાચા દિલનો છે. તેના અત્યારના હૅરકટ સાથે તે બહુ સુંદર લાગે છે. ગોર્જિયસ તબ્બુ ઘણા વર્ષો પછી સૈફ સાથે આ ફિલ્મમાં કામ કરી રહી છે. ફિલ્મની વાર્તા મધ્યમ વર્ગના એક માણસ અને તેની કિશોર વયની પુત્રીની છે. તે કૌટુંબિક કૉમેડી છે. તબ્બુ આ આધુનિક કૉમેડીમાં સૈફની ગર્લફ્રેન્ડનો રોલ કરી રહી છે.

મસ્ત મસ્ત જાહ્ન્વી વ્યસ્ત વ્યસ્ત

અભિનેત્રી જાહ્ન્વી કપૂરે તેની આવનારી ફિલ્મ ‘રુહ-અફઝા’નું શૂટિંગ પૂરું કરી લીધું છે.

તેમાં તેની સાથે રાજકુમાર રાવ છે. આ હૉરર કૉમેડી ફિલ્મમાં જાહ્ન્વી ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ મનાલી, રુડકી અને આગ્રામાં કરવામાં આવ્યું છે. અન્ય સ્ટારકાસ્ટમાં વરુણ શર્મા, પંકજ ત્રિપાઠી, આમના શરીફ અને રોનિત રૉયપણ છે. આગલા વર્ષે ૨૦મી માર્ચે ફિલ્મ રજૂ થશે. કહેવાય છે કે શ્રદ્ધા કપૂર તેમાં સ્પેશિયલ અપિરિયન્સમાં જોવા મળશે.

અગાઉ રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર હૉરર કૉમેડી ફિલ્મ ‘સ્ત્રી’માં સાથે જોવા મળ્યા હતા. ‘રુહી અફઝા’ પછી જાહ્ન્વી કપૂર ‘તખ્ત’ અને ‘દોસ્તાના ટુ’ ફિલ્મમાં જોવા મળશે.

આમ, જાહ્ન્વી પણ વ્યસ્ત અભિનેત્રી બની ગઇ છે.

બ્રેક-અપપછી ફરી ટાઇ- અપ

બૉલીવૂડની ખૂબસૂરત અભિનેત્રી કેટરિના કૈફ તેની લવલાઇફને લઇને હંમેશાં ચર્ચામાં રહે છે. એક સમયે તે રણબીર કપૂર સાથે ડેટિંગ કરી રહી હતી, પણ તે સંબંધો બહુ લાંબા ચાલ્યા નહીં. બંનેનું બ્રેક-અપ થઇ ગયું. જોકે,બ્રેક-અપ થઇ ગયા પછી પણ તેમના ચાહકો તેમને સાથે ફિલ્મમાં જોવા માગે છે. અગાઉ બંને એકબીજા સાથે કામ કરવા નહોતા માગતા પણ હવે જાણે બંને વચ્ચે પેચ-અપ થઇ ગયું હોય તેમ ત્રણ વર્ષ પછી ફરી એકસાથે સ્ક્રીન શેર કરશે. જોકે, આ કોઇ ફિલ્મ નહીં, પણ મોબાઇલ ફોનની એડ હશે, જેમાં રેપર બાદશાહ પણજોવા મળે તેવી શક્યતા છે. બંનેની છેલ્લી ફિલ્મ ‘જગ્ગા જાસૂસ’ હતી. એ ફિલ્મ જોકે, ફ્લોપ થઇ હતી.

બંનેની અગાઉ આવેલી ફિલ્મ ‘અજબ પ્રેમ કી ગજબ કહાની’ હિટ થઇ હતી ત્યારથી તેમના ચાહકો તેમની જોડીને પસંદ કરી રહ્યા છે. રણબીર કપૂરની વાત કરીએ તો તેની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આવી રહી છે, જેમાં તેની સાથે આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, ડિમ્પલ કાપડિયા, નાગાર્જુન અને મૌની રૉય મુખ્ય ભૂમિકામાં છે. જ્યારે કેટરિના કૈફ રોહિત શેટ્ટીની આગામી ફિલ્મ ‘સૂર્યવંશી’માં જોવા મળશે, જેમાં તેની સાથે અક્ષય કુમાર છે.

રણબીર હવે કેટને બદલે આલિયા ભટ્ટ સાથે જોડાઇ ગયો છે અને ખાસ્સી એવી બંનેના અફેરની ચર્ચા થયા પછી બંને આવતા વર્ષે લગ્ન કરવાની વેતરણમાં પણ છે