હવે ગમે તે RTOથી ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂ કરાવી શકાશે

0
480
ahmedabad-news/other/driving-licence-can-be-renewed-from-any-rto
ahmedabad-news/other/driving-licence-can-be-renewed-from-any-rto

તમારા ડ્રાઈવિંગ લાઈસન્સની વેલિડિટી પૂરી થવામાં હોય ત્યારે તેને રિન્યૂ કરાવવા માટે જે RTOમાંથી તે ઈશ્યૂ થયું હોય, ત્યાં જ ફરી જવું પડે છે. લાઈસન્સ ધારકનો ડેટા જ્યાંથી લાઈસન્સ ઈશ્યૂ થયું હોય તે જ આરટીઓમાં ઉપલબ્ધ હોવાથી બીજી આરટીઓમાંથી તે રિન્યૂ નથી થઈ શકતું. જોકે, હવે તમામ રેકોર્ડ્સ ઓનલાઈન થતાં લાઈસન્સ રિન્યૂ કરાવવાની કામગીરી ગમે ત્યાંથી થઈ શકશે.આ અંગે વાહન વ્યવહાર કમિશનર દ્વારા અપાયેલા આદેશ અનુસાર, અજદારે હવે લાઈસન્સ રિન્યૂ કરાવવા માટે જે આરટીઓમાંથી તે ઈશ્યૂ થયું હોય ત્યાં જવાની જરુર નથી. રિન્યુઅલની કામગીરી માટે હવે parivaha.gov.in વેબસાઈટ પર જઈને પોતાની સગવડ પ્રમાણે જે પણ આરટીઓમાં તેને રિન્યૂ કરાવવા જવું હોય તેને સિલેક્ટ કરી અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે.હાલની સિસ્ટમ પ્રમાણે સારથી-4 સોફ્ટવેરમાં ડ્રાઈવિંગ લાઈસન્સ ધરાવતા લોકોનો ડેટા ઉપલબ્ધ છે. જેનો એક્સેસ હવે તમામ આરટીઓ કરી શકે છે. આદેશ અનુસાર, તારીખ 7 જુન 2018થી ઓનલાઈન ડેટાની મદદથી ગમે તે આરટીઓમાંથી ડ્રાઈવિંગ લાઈસન્સ રિન્યૂ કરાવી શકાશે. તેના માટે હવે જે જગ્યાએથી લાઈસન્સ રિન્યૂ થયું હોય ત્યાં ધક્કો ખાવાની જરુર નથી.મહત્વનું છે કે, લાઈસન્સની વેલિડિટી 10થી 20 વર્ષ સુધીની હોય છે, અને આ દરમિયાન ઘણા લોકો નોકરી, લગ્ન કે અન્ય કારણોસર અલગ-અલગ શહેરોમાં સ્થાઈ થઈ જાય છે. આ દરમિયાન જો લાઈસન્સની વેલિડિટી પૂરી થતી હોય તો અરજદારે અત્યાર સુધી જે જગ્યાએથી લાઈસન્સ ઈશ્યૂ થયું હોય ત્યાં જ ફરજિયાતપણે જવું પડતું હતું, જેના કારણે સામાન્ય નાગરિકોના સમય, શક્તિ અને નાણાંનો વેડફાટ થતો હતો.ડ્રાઈવિંગ લાઈસન્સની તમામ કામગીરી પણ હવે ઓનલાઈન થઈ ગઈ છે. હવે લર્નિંગ લાઈસન્સ કે પછી ડ્રાઈવિંગ લાઈસન્સ લેવા માટે ઓનલાઈન એપ્લિકેશન કરવી પડે છે, અને ડોક્યુમેન્ટ્સ પણ ઓનલાઈન જ અપલોડ કરવાના હોય છે. અપોઈન્ટ મેળવ્યા બાદ જે-તે તારીખે જે ડોક્યુમેન્ટ્સ ઓનલાઈન અપલોડ કર્યા હોય તેની ઓરિજિનલ નકલ લઈ આરટીઓ જવાનું હોય છે.