હસીં રાહગુઝર હૈ, હમારે સાથ ચલો

0
16

ખય્યામસાહેબનું આ આખું નામ, પણ દેશઆખો તેમને ખય્યામસાહેબના નામે જ ઓળખે. તેમના દેહાંતને સમય થઈ ગયો છે, પણ એમ છતાં મારા મનમાંથી તેમના દેહાંતની વાત નીકળતી નથી. તેમનો દેહાંત થયો ત્યારે હું લંડન હતો અને આપણે ‘ખઝાના’ કાર્યક્રમ પર વાતો કરતા હતા. મનમાં તો એ જ સમયે ખય્યામસાહેબ વિશે લખવાની ઇચ્છા થઈ હતી, પણ લંડનમાં સમય મળતો નહોતો અને આપ સૌ સાથે વધારે સંવાદ પણ થઈ શક્યો નહીં એટલે ઇચ્છા મનમાં જ રહી ગઈ.

ખય્યામસાહેબ સાથે સંગીતના એક યુગનો અંત આવ્યો છે એવું કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય. ખૂબ જ સુંદર કહેવાય, અદ્ભુત કહેવાય એવી રચનાઓ તેમણે આપણને સૌને આપી છે. જીવનભર યાદ રહી જાય એવું કામ તેમણે કર્યું અને આપણી હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીને અનેક મહાન ગીતો તેમના દ્વારા મળ્યાં. તેમના સંગીતમાં એવી શુદ્ધતા હતી કે એ રચનાઓ આજના મ્યુઝિક-ડિરેક્ટરને જ નહીં, ગીતકાર અને ગાયકોને પણ ઘણું શીખવી જાય. તેમના દ્વારા નિર્મિત થયેલી એ રચનાઓમાંથી આજે પણ ઘણું શીખી શકાય છે, એટલું ઊંડાણ એમાં છે. ખય્યામસાહેબની રચનાઓ અમરત્વ પામવા માટે જ સર્જાઈ છે એવું કહું તો જરા પણ ખોટું નહીં કહેવાય.

ઇન્ડિયન સિનેમામાં તેમની કામગીરી અભૂતપૂર્વ રહી છે. જ્યારે પણ ફિલ્મ-ઇન્ડસ્ટ્રી અને ફિલ્મ-મ્યુઝિકની વાત નીકળશે ત્યારે ખય્યામસાહેબે આપેલા યોગદાનની ચર્ચા વિના એ વાત અધૂરી રહેશે. ખય્યામસાહેબે જે સમયે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ શરૂ કર્યું હતું એ સમયે ટાંચાં સાધનો હતાં, મ્યુઝિકને બહુ મહત્ત્વ નહોતું અપાતું અને એ પછી પણ તેમણે એ સ્તરે કામ કર્યું કે મ્યુઝિક અને સંગીતકાર બન્નેને માન અને સન્માન મળવાનું શરૂ થયું. આ વાત માટે સંગીતની નવી પેઢી સદીઓ સુધી ખય્યામસાહેબને યાદ કરશે.

ખય્યામસાહેબે કરેલા કામની યાદી એક વાર જોવા જેવી છે. એક-એકથી અદ્ભુત કામ તેમણે કર્યું છે. ‘શોલા ઔર શબનમ’, ‘ઉમરાવ જાન’, ‘કભી કભી’, ‘રઝિયા સુલતાન’. આ ફિલ્મો યાદ આવે ત્યાં જ એનાં ગીતો તમારા કાનમાં ગુંજવા માંડે.

કેટલું અદ્ભુત કામ, કેટલી અદ્ભુત યાત્રા. તેમણે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના ટૉપમોસ્ટ ડિરેક્ટર અને પ્રોડ્યુસર સાથે કામ કર્યું છે. તેમની પાસે સારામાં સારી ફિલ્મોની ઑફર આવતી અને છતાં તેમણે ક્યારેય કામમાં ઉતાવળ નહોતી કરી. બધાને ખબર છે કે પૈસા પાછળ તેઓ ક્યારેય ભાગ્યા નથી. ‘ઉમરાવ જાન’ની જ વાત કહું તમને. એ ફિલ્મ માટે કોઈ એવું તોતિંગ પેમેન્ટ તેમને નહોતું મળવાનું અને તો પણ તેમણે જાતે જઈને રિસર્ચ કરીને એ મ્યુઝિક તૈયાર કર્યું. આખી ફિલ્મ તૈયાર થવામાં જેટલો સમય લાગે એના કરતાં વધારે સમયે તેમણે ‘ઉમરાવ જાન’ના મ્યુઝિકમાં લીધો હતો અને એ પણ કોઈ જાતના એક્સ્ટ્રા મહેનતાણા વિના. ખય્યામસાહેબ મ્યુઝિક તૈયાર કરતા ત્યારે પૂરેપૂરી તૈયારી પણ રાખતા કે નાનામાં નાના માણસ પાસેથી પણ જો સારો સુધારો આવે તો એને અપનાવવાનો. મને યાદ છે કે એક વખત તેમણે મને કહ્યું હતું કે આખા ગીતનું રેકૉર્ડિંગ કરી લીધા પછી સિંગર જ્યારે ગાવા માટે આવ્યા ત્યારે તેમણે એક નાનકડું સજેશન આપ્યું, જે સજેશનથી ગીતનો ઉઠાવ આખો બદલાઈ જવાનો હતો એટલે ખય્યામસાહેબે એ સજેશન સ્વીકારી લીધું અને રેકૉર્ડિંગ થયેલું આખું ગીત તેમણે સ્ક્રૅપ કરીને નવેસરથી રેકૉર્ડિંગ કર્યું, પેલા સજેશનને એમાં સામેલ કર્યું અને ગીત સુપરહિટ થયું.

એક પછી એક હિટ મ્યુઝિક આપ્યા પછી ખય્યામસાહેબ પોતાના કામ માટે એકદમ સિરિયસ રહ્યા હતા. પોતાના કામમાં ક્યારેય તેમણે બાંધછોડ નહોતી કરી કે ક્વૉલિટી સાથે તેમણે ક્યારેય મન નથી મનાવ્યું, ક્યારેય નહીં. કરવા ખાતર કામ ક્યારેય નહીં કરવાનું, કામને તમારા ૧૦૦ ટકા આપી શકો તો જ કામ કરવાનું એ વાતનું જો કોઈ જ્વલંત ઉદાહરણ હોય તો એ છે ખય્યામસાહેબ. લગનથી કામ કર્યું, ખંતથી કામ કર્યું અને એટલે જ પોતે સૌથી ઓછું બોલતા, પણ તેમનું કામ હંમેશાં બોલતું. ૨૦૧૧માં તેમને પદ્‍મભૂષણ આપવામાં આવ્યો. આ રાષ્ટ્રીય સન્માન પછી પણ ખય્યામસાહેબે કોઈ ઇન્ટરવ્યુ આપ્યો નહોતો. તેમને એના વિશે પૂછવામાં આવતું ત્યારે પણ તેઓ શરમાઈ જતા અને વાતને ટાળી દેતા. અંગત સન્માનને તેમણે ક્યારેય જાહેરમાં બહુમાન તરીકે મૂક્યું નહીં, તેમની આ ખાસિયત પણ તેમની પાસેથી શીખવા જેવી છે.

ખય્યામસાહેબ માટે હું એવું કહી શકું કે તેઓ આપણા દેશના ફાઇનેસ્ટ કમ્પોઝર હતા, કારણ કે તેઓ જે રીતે પોએટ્રી સાથે જસ્ટિસ કરતા એવું કોઈ ક્યારેય કરી શક્યું હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. ઉર્દૂની તેમની જાણકારી અદ્ભુત હતી તો સાથોસાથ કવિતાનું નૉલેજ પણ તેમની પાસે પુષ્કળ હતું. ગીતમાં લખાયેલા એકેક શબ્દને તેઓ પચાવી જાણતા અને એ એકેએક શબ્દનો અર્થ તેઓ સંગીત સાથે જોડી દેતા. શબ્દને સમજી રચનાને કેવી રીતે મૂકવી અને કઈ જગ્યાએ કેવો આરોહ-અવરોહ આવશે એ નક્કી કરતા અને જો એ આરોહ-અવરોહ તેમને ન મળે તો તેઓ સતત મહેનત કરતા રહેતા. લેજન્ડ બન્યા પછી પણ તમારે મહેનત કરતા રહેવાની હોય એ વાત પણ ખય્યામસાહેબ સૌકોઈને શીખવી ગયા. મહેનત થકી જ લેજન્ડ બનાય છે અને લેજન્ડ હો તો પણ તમારે અથાક મહેનત કરતા રહેવી પડે એ વાત પણ ખય્યામસાહેબે જ દુનિયાને દેખાડી છે. હું માનું છું કે ભાષાનું જ્ઞાન હોય તો જ આટલી હદે ચોકસાઈ આવી શકે અને તો જ દરેક રચનાને ન્યાય આપી શકાય. જો એ કામ એ સ્તરે થાય તો જ રચનાને નવી ઊંચાઈ મળે. ‘રઝિયા સુલતાન’નું ‘અય દિલે નાદાં’ ગીત એક વખત સાંભળશો તો તમને સમજાઈ જશે. સુંદર શબ્દો, સુંદર ગીત, સુંદર કમ્પોઝિશન. એકેક શબ્દ જાણે મોતીનો દાણો હોય અને એની એક માળા બનાવીને રજૂ કરી હોય એ રીતે આખું ગીત બન્યું છે. એકેક શબ્દ તમને સ્વર્ગનો અહેસાસ કરાવશે અને તમને ઊંચકીને એ સમયમાં ખેંચી જશે.

તેમની સાથે કામ કરવાનું સૌભાગ્ય મને પણ મળ્યું છે. તેમની અમુક રચનાઓનો હું પણ સાક્ષી રહ્યો છું અને મેં એ રચનાઓમાં તેમની સાથે યાત્રા કરી છે. ખય્યામસાહેબ એક ટીવી-સિરિયલમાં મ્યુઝિક આપતા હતા, જે સિરિયલ માટે એક સુંદરમજાનું સોલો સૉન્ગ મેં તેમની સાથે કર્યું હતું. તેમની અન્ય એક રચનાનો ભાગીદાર હું ‘મોહબ્બત કા સફર હૈ, હમારે સાથ ચલો…’ ગીતમાં પણ બન્યો અને કવિતા કૃષ્ણમૂર્તિ સાથે એક સુંદરમજાનું ડ્યુએટ અમે રેકૉર્ડ કર્યું. તેમની સાથે કામ કરવું એ હંમેશાં એક લહાવો રહેતો. જ્યારે મ્યુઝિક સીટિંગ થતાં હોય કે રિહર્સલ થતાં હોય ત્યારે જે બ્રેઇન-સ્ટ્રોમિંગ થતું હોય એ હંમેશાં યાદગાર જ હોય. એ વખતે તેમને સાંભળવા અને પછી એ રચનાના સર્જનમાં ભાગીદાર થવું એ ખૂબ જ આહ્‍લાદક પળ હોય, કારણ કે તેમને કવિતા, રચના, શબ્દો પ્રત્યે પણ એટલો જ પ્રેમ હતો. એક શબ્દ, એક વાક્ય અને એક ગીત બન્યા પછી એમાં પ્રાણ પૂરવાનું કામ ખય્યામસાહેબ અદ્ભુત રીતે કરતા. હું તો કહેતો કે જેમ ઈશ્વર માણસમાં જીવ પરોવે છે એવી રીતે ખય્યામસાહેબ કાગળ પરના ગીતમાં જીવ રોપે છે અને એ જીવ ત્યાર પછી સૌકોઈના હૈયા સુધી પહોંચે છે.

ખય્યામસાહેબને હું અંગત રીતે પણ બહુ સારી રીતે ઓળખતો હતો. તેમના જવાથી મને એક બહુ મોટો રંજ રહેવાનો છે. હું, તેમના દીકરા અને ખય્યામસાહેબ એક પ્રોજેક્ટ પર કામ કરતા હતા, પણ હવે કદાચ એ શક્ય નહીં બને. આ રંજ મને જીવનભર રહેશે અને કાયમ મનમાં અફસોસ તરીકે જીવ્યા કરશે.