૨૦૧૯: રિતિક માટે સફળતાનો મીઠો સ્વાદ

0
24

થોડા દિવસ પહેલા એ ખબર આવી હતી કે ફરાહ ખાને તેની ફિલ્મમાં રિતિક રોશન, દીપિકા પદુકોણ અને અનુષ્કા શર્માને લેવાનો નિર્ણય કર્યો છે. હવે સૂત્રોએ એ વાતને સમર્થન આપતા જણાવ્યું છે કે રિતિક રોશન અને અનુષ્કા શર્માને ફરાહ ખાન દિગ્દર્શિત ફિલ્મ માટે સાઈન કરી લેવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટ ૨૦૨૦ના પ્રથમ ત્રણ માસની અંદર ફલોર પર જશે, એવું કહેવાય છે અને ફિલ્મ ૨૦૨૧ની શરૂઆતમાં રિલીઝ કરવાની સંભાવના છે. ‘મૈં હું ના’, ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘હેપી ન્યૂ યર’ જેવી ફિલ્મો બનાવનાર ફરાહ ખાન આ નવી ફિલ્મ ફિલ્મસર્જક રોહિત શેટ્ટી સાથે મળીને બનાવશે. ‘સિંઘમ’ ડિરેક્ટર આ ફિલ્મનું નિર્માણ કરશે. ફરાહ ખાન અને રોહિત શેટ્ટી બંને માસને પસંદ આવે તેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. આથી બંનેની ભાગીદારીવાળી આ ફિલ્મ દર્શકોને જોરદાર મનોરંજન પૂરું પાડશે તેમાં નવાઈ નહીં.

ફરાહે તેની આ આગામી ફિલ્મ તરીકે ૧૯૮૨ની મનોરંજક ફિલ્મ ‘સત્તે પે સત્તા’ની રીમેક બનાવવાની ક્યારની જાહેર કરી દીધી હતી, પણ તેને અંતિમ રૂપ હવે મળી રહ્યું છે.

જોકે, રિતિક રોશન ફરી જોરમાં છે. તેની ‘સુપર ૩૦’ ફિલ્મ સફળતાને વરી છે અને તેમાં તેનો અભિનય બહુ વખણાયો છે.

આ ઉપરાંત તાજેતરમાં તેની રિલીઝ થયેલી ‘વૉર’ ફિલ્મ પણ સફળતાને વરી છે. આ ઍક્શન ફિલ્મે અત્યાર સુધીમાં વર્લ્ડવાઈડ રૂ.૩૦૦ કરોડથી વધારે કલેક્શન મેળવી લીધું છે અને તે ૨૦૧૯ની સૌથી વધારે કમાણી કરનારી બીજી ફિલ્મ બની ચૂકી છે. તેણે ફક્ત ૧૨ દિવસમાં રૂ. ૪૦૬ કરોડનો બિઝનેસ કર્યો છે. તેમાં રિતિક સાથે વાણી કપૂર છે. આમ, ૨૦૧૯નું વર્ષ રિતિક માટે બહુ લકી અને સારું, સફળ રહ્યું છે.

આ બંને ફિલ્મો જુદા જુદા જોનરની છે. રિતિક કહે છે કે મારા માટે આ વર્ષ બહુ વિશેષ બની ગયું છે. બંને ફિલ્મોને સફળતા મળતા મને નવી તાકાત મળી છે.

મારા માટે તે ફક્ત પ્રેરણાદાયક જ નથી, પણ તેણે મને સખત મહેનત કરવા પણ પ્રેર્યો છે. મારા માટે આ સફળતા બહુ મીઠી છે. ઍક્શન ફિલ્મો અને હું, અમારું જોડાણ સ્વર્ગમાં થયેલું છે. મને ઍક્શન ફિલ્મો કરવી બહુ ગમે છે, એમ રિતિક ખુશ થતાં કહે છે.

હવે પછીની રિતિકની ફિલ્મોમાં ‘સત્તે પે સત્તા’ની આ રીમેક અને ‘ક્રિષ ફોર’ છે, જે ક્રિસમસ ૨૦૨૦માં રિલીઝ થશે.