જાહ્નવીનો જીવ બચી ગયો હોત દોઢ કલાક સુધી લોહીલુહાણ હાલતમાં પડેલી જાહ્નવીને કોઈ મદદ ન મળી

0
21
ઘવાયેલી કૉલેજિયન જાહ્નવી કુકરેજા લગભગ દોઢ કલાક સુધી લોહીલુહાણ હાલતમાં પડી રહી હતી
ઘવાયેલી કૉલેજિયન જાહ્નવી કુકરેજા લગભગ દોઢ કલાક સુધી લોહીલુહાણ હાલતમાં પડી રહી હતી

મુંબઈ: ખારના ફ્લૅટમાં યોજાયેલી થર્ટીફર્સ્ટની પાર્ટી દરમિયાન થયેલા વિવાદ બાદ બેરહેમીથી કરાયેલી મારપીટમાં ગંભીર રીતે ઘવાયેલી કૉલેજિયન જાહ્નવી કુકરેજા લગભગ દોઢ કલાક સુધી લોહીલુહાણ હાલતમાં પડી રહી હતી. તેને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેનો જીવ બચાવી શકાયો હોત, એવું પોલીસનું માનવું છે. બીજી બાજુ, પાર્ટીમાં હાજર જાહ્નવીના ફ્રેન્ડ્સનાં નિવેદનો પણ એકબીજાથી મેળ ખાતાં ન હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. ખાર પશ્ર્ચિમના ૧૬મા રોડ પરની ભગવતી હાઈટ્સ ઈમારતમાં ૩૧ ડિસેમ્બરની રાતે થયેલી જાહ્નવી કુકરેજાની કથિત હત્યાની તપાસ દરમિયાન પોલીસને કેટલીક ચોંકાવનારી વિગતો હાથ લાગી હતી. કહેવાય છે કે ઈમારતના સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અનુસાર આરોપી શ્રી જોગધનકર (૨૨) મધરાતે ૧.૧૫ વાગ્યાની આસપાસ બિલ્ડિંગમાંથી બહાર નીકળી ગયો હતો. તેનાં કપડાં પર લોહીના ડાઘ પણ હતા. જોકે ઘટનાની જાણ પોલીસને લગભગ ત્રણ વાગ્યે થઈ હતી.પોલીસને આશ્ર્ચર્ય એ વાતનું છે કે દોઢથી બે કલાક સુધી યુવતી જખમી અવસ્થામાં ઘટનાસ્થળે પડી રહી છતાં કોઈને આ બાબતની જાણ કેમ ન થઈ. યુવક-યુવતીઓ વચ્ચે આટલી મારપીટ થઈ છતાં પાર્ટીમાં હાજર ફ્રેન્ડ્સ કે ઈમારતના રહેવાસીઓને આ બાબતનો ખયાલ ન આવ્યો. ઉપરાંત, જોગધનકરના ગયાના અડધા કલાક પછી આરોપી દિયા પાડણકર (૧૯) બીજા યુવક સાથે જતી સીસીટીવી ફૂટેજમાં નજરે પડી હતી.ઉલ્લેખનીય છે કે સાંતાક્રુઝમાં રહેતી જાહ્નવી પિતાનો જન્મદિન ઊજવી જોગધનકર અને પાડણકર સાથે ખારની પાર્ટીમાં ગઈ હતી. પાર્ટી દરમિયાન યુગલને વાંધાજનક સ્થિતિમાં જોયા બાદ વિવાદ થયો હતો. જાહ્નવીની જોગધનકર અને પાડણકર સાથે મારપીટ થઈ હતી. છેક બીજા માળ સુધી ચાલેલી આ ઝપાઝપી બાદ દાદરની રૅલિંગ સાથે જાહ્નવીનું માથું અફાળવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ અનુસાર માથામાં ગંભીર ઇજાને પગલે વધુપડતું લોહી વહી જવાને કારણે તેનું મૃત્યુ થયું હતું.આ કેસમાં ખાર પોલીસે હત્યાનો ગુનો નોંધી જોગધનકર અને પાડણકરની ધરપકડ કરી હતી. બન્નેને કોર્ટે ૭ જાન્યુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાર્ટીમાં હાજર યુવક-યુવતીનાં નિવેદન એકબીજા સાથે મેળ ખાતાં ન હોવાથી હવે તેમનાં અલગ અલગ નિવેદન નોંધવા માટે પોલીસ અધિકારીઓની એક ટીમ બનાવવામાં આવી છે.