મમ્મીને ફ્રિજ ગિફ્ટ આપવા ટીનેજર ૩૫ કિલો સિક્કા લઈને શોરૂમ પહોંચ્યો

0
23

જોધપુર શહેરમાં રહેતા ૧૭ વર્ષના રામસિંહે એક શોરૂમમાં ફોન કરીને પહેલાં તો પૂછતાછ કરી હતી કે આજે મારી મમ્મીનો જન્મ-દિવસ છે અને હું તેને ફ્રિજ ગિફ્ટ આપવા માગું છું, પણ એની રકમ હું સિક્કામાં જ ચૂકવી શકું એમ છું. આ વાત સાંભળીને શોરૂમના માલિકે સિક્કા સ્વીકારવાની હા પાડી દીધી એટલે રામસિંહ સિક્કા લઈને શોરૂમ પર પહોંચી ગયો. કૉઇન્સનું કુલ વજન ૩૫ કિલો જેટલું હતું. એક, બે, પાંચ અને દસ રૂપિયાના એમ બધું મિક્સ પરચૂરણ હતું. આ બધું તેણે બાર વર્ષથી ગલ્લામાં બચત કરીને એકઠું કર્યું હતું. શોરૂમના મૅનેજરે આ રૂપિયા ગણાવ્યા તો રામસિંહને જે ફ્રિજ જોઈતું હતું એના કરતાં ૨,૦૦૦ રૂપિયા ઓછા હતા. જોકે ટીનેજરની ભાવના જોઈને મૅનેજરના દિલમાં પણ રામ વસ્યા. તેણે ૨૦૦૦ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી દીધું અને તેની મમ્મી માટે એક ખાસ ગિફ્ટ પણ આપી. બાર વર્ષમાં તેણે ૧૩,૫૦૦ રૂપિયા કલેક્ટ કર્યા હતા. ૧૨ વર્ષની ધીરજથી એકઠા કરેલા પૈસામાંથી મળેલી ભેટ જોઈને રામસિંહના મમ્મી-પપ્પા બન્ને ખુશ થઈ ગયા.