હરેન પંડ્‌યા પ્રકરણમાં દોષિત અસગર અંતે જેલ ભેગો થયો

0
38

હરેન પંડ્યા હત્યા કેસમાં હાઇકોર્ટથી નિર્દોષ છૂટી ગયેલા તમામ આરોપીઓની સુપ્રીમકોર્ટે સજા યથાવત્‌ રાખી હતી

અમદાવાદ, તા.૮
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી હરેન પંડ્‌યાના હત્યાકેસ મામલે સુપ્રીમ કોર્ટે ૯ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાંના ૮ દોષિતોએ ગયા મહિને તા.૨૩ જુલાઈએ સેશન્સ કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. જ્યારે મુખ્ય આરોપી અસગરઅલીને આજે હૈદરાબાદની જેલમાંથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અસગર અલીની ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરી સીબીઆઇ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને આખરે જેલભેગો કરાયો હતો. આ પહેલા ૮ દોષિતોએ શરણાગતિ માટે પારિવારિક કામ હોવાનું કારણ દર્શાવી એક અઠવાડિયાનો સમય માંગ્યો હતો. પરંતુ કોર્ટે દોષિતોની માંગ ફગાવી જેલ ભેગા કર્યાં હતા. સુપ્રીમ કોર્ટે કલીમ એહમદ કરીમી, અનિસ માચિસવાલા, મહમ્મદ યુનુસ સરેશવાલા, રેહાન પૂંઠાવાલા, મહમ્મદ રિયાઝ, મહમ્મદ પરવેઝ શેખ, પરવેઝ ખાન પઠાણ સિદ્દીકી અને મહમ્મદ ફારૂક ઉસ્માનગનીને આજીવન કારાવાસની તથા મહમ્મદ અસગર અલીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારવામાં આવી છે. હરેન પંડયા હત્યા કેસમાં સૌથી પહેલાં પોટા કોર્ટના જજ સોનિયાબેન ગોકાણીએ સાક્ષી અનિલ યાદવરામની જુબાની તથા હત્યાના હથિયાર, કોલ ડિટેલ્સ અને હૈદરાબાદના અસગરઅલીની અમદાવાદમાં હાજરી સહિતની બાબતોને આધારે ૧૨ આરોપીઓને દોષી ઠેરવીને સજા આપી હતી. આ હુકમ સામે જસ્ટિસ ડી.એચ.વાઘેલા અને જસ્ટિસ જે.સી.ઉપાધ્યાયની બેન્ચે નજરે જોનાર સાક્ષી યાદવરામની જુબાની ગ્રાહ્ય રાખી નહોતી તથા સીબીઆઇની તપાસને અયોગ્ય ઠેરવી આરોપીઓને દોષમુક્ત ઠેરવવાનો ચુકાદો આપ્યો હતો. ત્યારબાદ સુપ્રીમકોર્ટના જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ વિનીત સરનની બેન્ચે હાઇકોર્ટના આરોપીઓને નિર્દોષ ઠરાવતાં હુકમને રદબાતલ ઠરાવી તમામ ૧૨ આરોપીઓને દોષી ઠેરવ્યા હતા. કુલ ૧૨માંથી બે આરોપીની સજાની મુદ્દત પૂર્ણ થઈ હોઇ, જ્યારે એક આરોપીના કેસમાં હાઇકોર્ટે ચુકાદો બદલ્યો હોવાથી સેશન્સ કોર્ટના ચુકાદાને માન્ય રાખ્યો હતો. ગત તા.૨૬ માર્ચ, ૨૦૦૩ના રોજ અમદાવાદ શહેરના લો ગાર્ડન પાસે પોઈન્ટ બ્લેન્ક રેન્જથી કારમાં હરેન પંડ્‌યાની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ હત્યા કેસમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી અડવાણીએ અંડરવર્લ્ડની સંડોવણીની શંકા વ્યક્ત કરી હતી. આ હત્યાને પગલે એપ્રિલ, ૨૦૦૩માં હૈદરાબાદમાંથી અસગર અલી તથા ચાર અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. એ પછી ૨૫ જૂન, ૨૦૦૭ના રોજ હરેન પંડ્‌યા હત્યા કેસમાં નવને આજીવન કેદ, બે આરોપીઓને સાત વર્ષની કેદ ફટકારવામાં આવી હતી.