1,000 કરોડનું બિટકોઈન કૌભાંડ : CID

0
238
  • બિટકોઈન ખંડણીનું મૂળ: બિટ-કનેક્ટ કંપનીના નામે 22,000 કોઈન ચાઉં!
  • બિટકોઈનમાં રોકાણ કરાવી લોકોના 1,000 કરોડ છીનવનાર ત્રિપૂટી પાસેથી શૈલેષે 155 કરોડ અને શૈલેષ પાસેથી અમરેલી પોલીસે 12 કરોડની ખંડણી વસૂલી
બિટકોઈન ખંડણીનું મૂળ: બિટ-કનેક્ટ કંપનીના નામે 22,000 કોઈન ચાઉં!
બિટકોઈન ખંડણીનું મૂળ: બિટ-કનેક્ટ કંપનીના નામે 22,000 કોઈન ચાઉં!

‘પૈસા માટે પ્રપંચ’ આખરે ખુલ્લા પડ્યા છે. પોલીસની સંડોવણીથી શરૂ થયેલો બિટકોઈન ખંડણી કેસ અર્થતંત્રને નુકસાન પહોંચાડતો ગંભીર કેસ બની ગયો છે. નોટબંધી દરમિયાન 1,000 કરોડનું તોસ્તાન બિટકોઈન કૌભાંડ આચરાયાની વિગતો CIDની તપાસમાં ખૂલી છે. જેમાંથી સીઆઈડીની ત્રણ મહિનાની તપાસમાં એવું સ્પષ્ટ થયું છે કે, નોટબંધી પછી બ્લેકમની વ્હાઈટ કરવા બિટકોઈનનું રોકાણ આસાન રસ્તો જણાતાં રોકાણકારોએ આંધળી દોટ મૂકી હતી. લોકોની આ દોટનો ગેરલાભ લઈને ત્રિપૂટીએ કરોડો રૂપિયા એકત્ર કરી લીધાં ને છેલ્લા ચૂનો ‘ચોપડી’ વિદેશ ભાગી ગયાં છે.

મૂળ સૌરાષ્ટ્રના અને સુરતમાં સ્થાયી થયેલાં ત્રણ યુવકોએ લોકોની ‘ગરજ’નો ગેરલાભ લીધો. એકલા સુરતમાંથી જ 800 કરોડના રોકાણ સહિત 1,000 કરોડથી વધુ રૂપિયા એટલી ‘આસાની’થી મળ્યાં કે સતિષ, દિવ્યેશ, ધવલ અને તેમના નજીકના મિત્રો રાજાશાહીની જિંદગી જીવી રહ્યાં છે. પણ, તોસ્તાન બેનંબરી આવક મેળવનારી ટોળકીને ખંખેરવાનો કારસો શૈલેષ ભટ્ટે રચ્યો હતો. આ કારસ્તાનનો પર્દાફાશ કરીને CIDએ ‘સરકારી ફરિયાદ’ નોંધીને શૈલેષ ભટ્ટને સૂત્રધાર તરીકે દર્શાવી તપાસ શરૂ કરી છે.

પીયૂષનું અપહરણ, વીડિયો અને પિસ્તોલ બતાવી ખંડણી

CIDના પી.આઈ. જે.એચ. દહિયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, દિલીપ કાનાણીએ તા. 30-1-2018ના રોજ લેપટોપ રિપેર કરવાના બહાને પીયૂષ સાવલિયાને બોલાવ્યો હતો. પીયૂષને રૂપિયા અને બિટકોઈન આપવા ધમકાવીને માથે અગ્નિશસ્ત્ર મૂકી મારી નાખવા ધમકી આપી હતી. પીયૂષનો વીડિયો પણ ઉતારી લેવાયો હતો. એક ફાર્મહાઉસમાં ત્રણ દિવસ સુધી ગોંધી રાખી ધવલ માવાણીનું સરનામું મેળવ્યું હતું. તા. 1-2-2018ના રોજ ધવલનું અપહરણ કરી લવાયો હતો અને તેની પાસેથી બિટકોઈન, લાઈટકોઈન અને રોકડા રૂપિયા મળી કુલ 155 કરોડની ખંડણી ઉઘરાવી લેવામાં આવી હતી. શૈલેષ ભટ્ટ અને તેના આઠ સાગરિતો સામે CIDએ ગુનો નોંધ્યો છે.

બિટકોઈન ખંડણીનું મૂળ: બિટ-કનેક્ટ કંપનીના નામે 22,000 કોઈન ચાઉં!
ધમકીથી વિદેશ ભાગેલો પીયૂષ પાછો ફર્યો તો 20 લાખ આપી એફિડેવિટ કરાવી

‘તારૂ અને ધવલનું અપહરણ થયું છે. ધવલ માવાણીનું અપહરણ કરી તેની પાસેથી કરોડો રૂપિયા અને બિટકોઈન કઢાવી લીધા છે. તું કોઈને વાત કરતો નહીં અને સુરત છોડી દેજે. નહીં તો, જાનથી મારી નાખીશું. કોઈ જગ્યાએ ફરિયાદ કરવા જતો નહીં.’ આવી ધમકી આપીને તા. 1-2-2018ના રાત્રે પીયૂષ સાવલિયાને છોડી દેવાયો હતો. શૈલેષ ભટ્ટના સાગરિતોએ ધમકાવતા પીયૂષ ત્રણ મહિના વિદેશ ભાગી ગયો હતો. પીયૂષ વિદેશથી પાછો ફર્યો તો તેને ડરાવીને ‘શૈલેષ ભટ્ટ અને તેના કોઈ સાગરિતોએ અપહરણ કર્યું નથી’ તેવી એફિડેવિટ બળજબરીપૂર્વક કરાવાઈ હતી. પીયૂષ પોતાનું મોઢું બંધ રાખે તે માટે કુલ 70 લાખ અપાયાં હતાં તેમાંથી પીયૂષને 34.50 લાખ મળ્યાં હતાં. આ પૈકીના 20 લાખ પીયૂષ પાસેથી કબજે કરાયા છે.

ધવલને ‘ક્રાઈમ બ્રાન્ચમાંથી છીએ’ કહીને ઉઠાવ્યો હતો

તા. 1-2-2018ના રોજ ધવલ માવાણીને પર્વત પાટિયા પાસેની તેની ઓફિસના પાર્કિંગમાંથી ‘ક્રાઈમ બ્રાન્ચમાંથી આવ્યા છીએ’ તેમ કહીને કારમાં શૈલેષ ભટ્ટના કહેવાતા ભાગીદાર કિરીટ વાળા, જીજ્ઞેશ મોરડિયા ફોર્ચ્યુનર ગાડીમાં અપહરણ કરી લઈ ગયા હતા. આ સમયે પીયૂષનો વીડિયો બતાવીને શૈલેષ ભટ્ટ અને સાગરિતોએ અગ્નિશસ્ત્ર બતાવી ધમકી આપી, માર મારીને ધવલ પાસેથી બિટકોઈન, રોકડની ખંડણી વસૂલી લેવાઈ હતી. ધવલને પણ ભારત છોડી દેવા ધમકી અપાઈ હતી. ધવલ સુરત છોડીને મુંબઈ, વિદેશ અવરજવર કરતો રહેતો હતો.

CIDની ‘સરકારી ફરિયાદ’માં શૈલેષ ભટ્ટ સહિત નવ આરોપી
શૈલેષ ભટ્ટ પોતાની ‘ઈમેજ’ સુધારવા માટે શિક્ષણ ક્ષેત્રે સક્રિય હોવાની વાતો કરતો રહેતો હતો
સીઆઈડીની તપાસમાં જે વિગતો ખૂલી છે તે મુજબ શૈલેષ ભટ્ટ આ બિટકોઈન ખંડણીનો સૂત્રધાર હતો. શૈલેષ સહિત કુલ નવ આરોપી સામે અપહરણ, રાજ્ય સેવકનું ખોટું નામ ધારણ કરી ગુનો આચરવો, ખોટા દસ્તાવેજો ઊભા કરવા, કાવતરું સહિતની કલમ 364-A, 365, 384, 387, 343, 323, 504, 506-2, 170, 193, 201, 120-B અને આર્મ્સ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. CIDએ દિલીપ કાનાણી અને નિકુંજ ભટ્ટની ધરપકડ કરી છે. એક સમયના ફરિયાદી અને હવે આરોપી સૂત્રધાર શૈલેષ ભટ્ટને CID શોધી રહી છે.

CID વધુ ફરિયાદ નોંધશે પણ રોકાણકારો આગળ આવે

બિટકોઈન ખંડણી કેસમાં છેલ્લા ૧૫ દિવસમાં CIDની તપાસ વેગવાન બની હતી. CIDના અધિકારીઓએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કુલ 16 કરોડની રિકવરી કરવામાં આવી છે. કિરીટ પાલડિયાના બિનાન્સ વોલેટમાંથી સાત કરોડના બિટકોઈન સરકારી ખાતામાં ટ્રાન્સફર કરાયાં છે. શૈલેષ ભટ્ટના સાગરિત દિલીપ કાનાણીના ખાતામાંથી 8.58 કરોડની રિકવરી કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી પોલીસ અને અન્ય આરોપીઓ પાસેથી 25 લાખ જેટલો રોકડ મુદ્દામાલ કબજે કરાયો છે. આમ, કુલ 16 કરોડથી વધુની રિકવરી કરવામાં આવી છે.

ધવલ માવાણી પાસેથી બિટકોઈ ખંડણી કઈ રીતે ઉઘરાવાઈ?

2,256 બિટકોઈન- કિંમત 131 કરોડ: ધવલનું અપહરણ કરી ગોંધી રાખી તેના લેપટોપમાંથી નિકુંજ ભટ્ટ મારફતે બંદુકની અણીએ ટ્રાન્સફર કરાવ્યા.

11,000 લાઈટકોઈન 166 બિટકોઈનમાં તબદિલ- કિંમત 9.64 કરોડ: ગાડીમાં ગોંધી રાખી ધવલના લાઈટકોઈન કિરીટ પાલડિયાના બિનાન્સ વોલેટમાં ટ્રાન્સફર.

14.50 કરોડ રૂપિયા: ધવલ માવાણીને મુક્ત કરવા બીટ કનેક્ટના કેશિયર સુરેશ ગોરસિયા મારફતે સુરતના આંગડિયામાં ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટર પી.ડી. જાડેજાના નામે મુંબઈ ટ્રાન્સફર.

ધવલ માવાણી પાસેથી બિટકોઈ ખંડણી કઈ રીતે ઉઘરાવાઈ?
વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણ કરાવતી પાંચ કંપનીઓની તપાસ માટે SIT

બિટકોઈન, નેક્સા કોઈન સહિત બે ડઝનથી વધુ વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણ કરાવતી પાંચ શંકાસ્પદ કંપનીઓ અંગેની જાણકારી CIDને મળી છે. અત્યાર સુધી શૈલેષ ભટ્ટની ફરિયાદ અંગે તપાસ કરતી CIDએ હવે આ પાંચ કંપનીઓની તપાસ કરવા માટે DIG દિપાંકર ત્રિવેદીની આગેવાની હેઠળ મહિલા અધિકારી સુજાતા મજુમદારના સીધા સુપરવિઝનમાં અન્ય અધિકારીઓની SIT (સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ) બનાવી છે. આ ટીમ તમામ કંપનીઓ અંગે તપાસ કરી જરૂર જણાશે ત્યારે ગુના નોંધશે.

શૈલેષ ભટ્ટે રાજકોટની પાઠક સ્કૂલ કઈ રીતે મેળવી?

શૈલેષ ભટ્ટ પોતાની ‘ઈમેજ’ સુધારવા માટે શિક્ષણ ક્ષેત્રે સક્રિય હોવાની વાતો કરતો રહેતો હતો. ભાણેજ નિકુંજ ભટ્ટને ઝડપી લીધા પછી CIDના ધ્યાન ઉપર એ વાત આવી છે કે, શૈલેષ ભટ્ટ પાસે રાજકોટની પાઠક સ્કૂલનું સંચાલન છે. CIDના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે, શૈલેષ ભટ્ટે રાજકોટની પાઠક સ્કૂલ કઈ રીતે મેળવી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. શૈલેષ ભટ્ટ વ્યાજે પૈસા ફેરવતો હોવાની વિગતો પોલીસને મળી છે. આ સંજોગોમાં સ્કૂલનું સંચાલન હસ્તગત કરવામાં શૈલેષ ભટ્ટે કોઈ કારસો રચ્યો હતો કે કેમ? તે મુદ્દો પણ તપાસ હેઠળ છે. આ મામલે પુરાવા સાથે રજૂઆત કરવામાં આવે તો પોલીસ કાર્યવાહી શક્ય છે.

બિટકોઈન ખંડણીનું મૂળ: બિટ-કનેક્ટ કંપનીના નામે 22,000 કોઈન ચાઉં!

બિટ કોઈન ખંડણીના મૂળમાં ‘બિટ કનેક્ટ’ કંપની હોવાની વિગતો પોલીસને મળી છે. નવેમ્બર-2016માં નોટબંધી જાહેર કરાયા પછી જુની નોટો જમા કરાવવા માટે પ્રજાજનોને કુલ છ મહિના જેટલો સમય મળ્યો હતો. કાળું નાણું ધરાવતાં લોકોમાં જુની નોટોનો નિકાલ કરવા માટે ગભરાટ હતો તેનો લાભ લેવા માટે ‘બિટ કનેક્ટ’ કંપની થકી બિટકોઈનમાં રોકાણની લાલચ આપવામાં આવી હતી. સુરતના સતિષ કુંભાણી, દિવ્યેશ દરજી અને ધવલ માવાણીએ નેક્સા કોઈન સહિતની વર્ચ્યુઅલ કરન્સીમાં રોકાણ કરાવી શરૂઆતમાં રોકાણકારોને તગડો નફો કરાવ્યો હતો.

આ ત્રિપુટી પૈકી ધવલ માવાણી સુરતમાં બિટ કનેક્ટની ઓફિસ ઉપરાંત માનવ ડિજીટલ નામની ઓફિસ ધરાવીને રોકાણ કરાવતો હતો. આ કંપની થકી 22000 બિટકોઈનના 1000 કરોડથી વધુ રકમ ઓળવી જઈ ત્રિપૂટી ફરાર થઈ ગયા ત્યાંથી જ બિટકોઈન ખંડણીનો ઉદ્દભવ થયો છે. CIDના વડા આશિષ ભાટિયાએ જણાવ્યું કે, બિટકોઈનના રોકાણમાં છેતરાયા હોય તે લોકો ફરિયાદ કરવા CID પાસે આવે તો રોકાણકારોના પૈસા ડૂબાડનાર તમામ લોકો સામે કડક પોલીસ કાર્યવાહી શક્ય બનશે.