સિંહોને બચાવવા USથી રાજકોટ આવી CDV વાઇરસ વિરોધી રસી, જૂનાગઢ મોકલાઈ

0
42
/news/SAU-RJK-HMU-LCL-anti-cdv-virus-vaccine-arrived-from-america-at-rajkot-will-inject-to-sick-lion-of-gir-gujarati-news-5966082-NOR.h
/news/SAU-RJK-HMU-LCL-anti-cdv-virus-vaccine-arrived-from-america-at-rajkot-will-inject-to-sick-lion-of-gir-gujarati-news-5966082-NOR.h

તાજેતરમાં થયેલા 23 સિંહોના મોત બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને સિંહોમાં ફેલાતા કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ(CDV) વિરોધી વેક્સિન અમેરિકાથી મંગાવવામાં આવી છે. આજે આ વેક્સિન વિમાન માર્ગે રાજકોટ આવી પહોંચી હતી. રાજકોટ એરપોર્ટ પરથી 300 જેટલી વેક્સિન જૂનાગઢ મોકલી આપવામાં આવી છે. આ વેક્સિન સિંહોને જે સ્થળે રાખવામાં આવ્યા છે તે એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવશે. જ્યાં આ વેક્સિન -16 ડીગ્રી તાપમાનમાં રાખવા માટે તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે.

સિંહોના વસવાટના આસપાસના ગામોમાં વેક્સિનેસન પર મહત્તમ ધ્યાન

ઉલ્લેખનીય છે કે, સિંહોના મોત ઈન્ફેક્શનથી થયાનું ખૂલતાં જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર અને એપી સેન્ટર જેવા અમરેલી જિલ્લામાં પશુ રસીકરણને ઝુંબેશના સ્વરૂપે હાથ ધરવા તથા એક પણ પશુ બાકી ન રહી જાય તેવી સૂચનાઓ અપાઈ છે. જયાં સિંહોના વસવાટ છે, તેની આસપાસના ગામોમાં વેક્સિનેસન પર મહત્તમ ધ્યાન આપવાનો દાવો થઇ રહ્યો છે, જેથી કરીને ગાય-ભેંસ કે ઘેંટા-બકરા સહિતના પશુઓમાંથી કોઇ રોગનો ચેપ સિંહોને લાગી ન શકે. એક બીમાર પશુ કે પ્રાણીમાંથી નીકળતી કેટલીક જીવાતોમાં બીજા પશુ કે પ્રાણીમાં રોગ ફેલાઈ શકતી હોવાથી આ સાવચેતી રાખવામાં આવી રહી છે.

શું છે કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ?

કૂતરાંઓની લાળ મારફતે નીકળતા વાઇરસને લીધે ફેલાતો આ રોગ વન્ય જીવો માટે બહુ જ મોટો ખતરો મનાય છે. માણસોમાં જે વાઇરસને લીધે બ્રોન્કાઈટિસ જેવા રોગો પ્રસરે છે એ જ કૂળનો આ વાઇરસ પ્રાણીઓમાં જીવલેણ બની જાય છે. શ્વાસોચ્છવાસની પ્રક્રિયા દ્વારા પ્રાણીઓના શરીરમાં આ વાઇરસ પ્રવેશે પછી એક અઠવાડિયામાં તેના લક્ષણો દેખાવા માંડે છે. એક અઠવાડિયામાં જો તેનો ઈલાજ કરવામાં ન આવે તો વાઇરસ સતત દ્વિગુણ રુપાંતરિત (બમણી ઝડપે શરીરમાં પ્રસરીને) જીવલેણ બની જાય છે.

ડિસ્ટેમ્પર વાઇરસના લક્ષણો

CDV લાગુ પડ્યા પછી પ્રથમ ત્રણ દિવસો દરમિયાન સિંહોના શરીરમાં સુસ્તી વર્તાય છે. તેમની મૂવમેન્ટ ઘટી જાય છે. આંખોમાં દુઃખાવો, લાલાશ વર્તાય છે. ત્રણથી પાંચ દિવસ દરમિયાન ભારે ઊંચો તાવ આવે છે અને હાંફ ચડે છે. આ લક્ષણો વર્તાય ત્યાં સુધીમાં જો યોગ્ય સારવાર આપવામાં ન આવે તો પછીનું સ્ટેજ પાચનતંત્ર અને રૂધિરાભિસરણ તંત્રને ગંભીર અસર પહોંચાડે છે અને પછી વાઇરસની અસર મગજ સુધી પહોંચે ત્યારે પ્રાણીનું મૃત્યુ થાય છે.