ગુજરાત પેટાચૂંટણી : હારેલ નેતાઓને મોટી જવાબદારી

0
12

અમદાવાદ, તા.૧૯
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી બાદ હવે પેટાચૂંટણીને લઇને પણ તૈયારીઓ શરૂ થઇ ચુકી છે. ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા પેટાચૂંટણીમાં પણ સંપૂર્ણ તાકાત લગાવવા માટે તૈયાર છે. કોંગ્રેસ પાર્ટી પણ લોકસભા ચૂંટણીમાં હાર બાદ હારેલા નેતાઓને જ મોટી જવાબદારી સોંપીને જુગાર રમવાનો સંકેત આપી ચુકી છે. રાજ્યમાં યોજાનારી ૭ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને પગલે કોંગ્રેસે વિધાનસભા અને સંસદની ચૂંટણી હારેલા સિનિયર નેતાઓ વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપી છે. જેમાં અલ્પેશ ઠાકોરના રાજીનામા બાદ ખાલી પડેલી રાધનપુર બેઠકની જવાબદારી અર્જુન મોઢવાડીયાને અને ધવલસિંહ ઝાલાના રાજીનામા બાદ ખાલી પડેલી બાયડ બેઠકની જવાબદારી મધુસુદન મિસ્ત્રિને સોંપવામાં આવી છે. કોંગ્રેસના જે જે નેતાઓને વિધાનસભાની પેટાચૂંટણીની જવાબદારી સોંપવામાં આવી છે તેમના નીચે ૫ાંચ-૫ાંચ ધારાસભ્યોની ટીમ કામ કરશે. આ સિવાય લુણાવાડામાં ભરતસિંહ સોલંકી, મોરવા હડફમાં તુષાર ચૌધરી, ખેરાલુમાં જગદીશ ઠાકોર અને થરાદની જવાબદારી સિધ્ધાર્થ પટેલને સોંપવામાં આવી છે. જ્યારે અમદાવાદની અમરાઈવાડી બેઠકની જવાબદારી દીપક બાબરિયાને સોંપવામાં આવી છે. ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી ૭ બેઠકોની પેટાચૂંટણી દિવાળી પહેલા યોજાઈ એવી શક્યતાઓ છે, લોકસભા ચૂંટણીમાં ભાજપના ચાર ધારાસભ્યોનો વિજય થતાં અમરાઈવાડી, થરાદ, ખેરાલુ અને લુણાવાડા બેઠક ખાલી થઈ છે. જ્યારે મોરવા હડફ બેઠક પરથી ભૂપેન્દ્ર ખાંટનું ધારાસભ્ય પદ રદ થતા આ બેઠક પણ ખાલી પડી છે. આ સિવાય અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાના રાજીનામા બાદ રાધનપુર અને બાયડ બેઠક પણ ખાલી પડી છે.