ઇમરાન ખાને કબૂલ્યું : પાકિસ્તાનની સેના અને ISIએ અલ કાયદાને આપી હતી ટ્રેનિંગ

0
8

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાને સોવિયેટ રશિયા સામે લડવા માટે ઉગ્રવાદી ગ્રૂપોને ટ્રેનિંગ આપી હતી.

સોમવારે ન્યૂયૉર્કમાં સેન્ટર ફૉર ફોરેન રિલેશનમાં બોલતા ઇમરાન ખાને આ નિવેદન આપ્યું હતું.

ઇમરાન ખાનને અહીં પૂછવામાં આવ્યું કે અમેરિકાના પૂર્વ સંરક્ષણ સચિવ જેમ્સ મેટિસે હાલમાં જ કહ્યું હતું કે અત્યાર સુધી તેમણે જે દેશો સાથે કામ લીધું છે એ બધા દેશોની વચ્ચે તેઓ પાકિસ્તાનને સૌથી ખતરનાક દેશ માને છે.

આ અંગે જવાબ આપતા ઇમરાન ખાને કહ્યું કે જેમ્સ મેટિસ કદાચ પૂરી રીતે એ જાણતા નથી કે પાકિસ્તાને કટ્ટરપંથનો રસ્તો શા માટે અપનાવ્યો.

તેમણે કહ્યું, “આની પાછળનો એક નાનો ઇતિહાસ છે, જે કદાચ બધા જાણતા હશે અને ના પણ જાણતા હોય.”

“જ્યારે સોવિયેટ યુનિયને અફઘાનિસ્તાન પર ચઢાઈ કરી. અમે અમેરિકાની મદદથી સોવિયેટનો પ્રતિરોધ કર્યો.”

“આ પ્રતિરોધ કરવા માટે પાકિસ્તાનની આઈએસઆઈ સંસ્થાએ ઉગ્રવાદીઓને ટ્રેનિંગ આપી.”

“સોવિયેટ યુનિયન સામે જેહાદ કરવા માટે તમામ મુસ્લિમ દેશોમાંથી ઉગ્રવાદીઓને બોલાવવામાં આવ્યા હતા.”

“આવી રીતે સોવિયેટ સામે લડાવા માટે ઉગ્રવાદી ગ્રૂપો ઊભાં કર્યાં હતાં. જ્યારે સોવિયેટ સામેની લડાઈને કારણે જેહાદને વધારે મહત્ત્વ મળ્યું.”

આવું પ્રથમ વખત બન્યું છે કે પાકિસ્તાનના વડા પ્રધાને ઉગ્રવાદી ગ્રૂપોને ટ્રેનિંગ આપવાની વાત કરી હોય.