કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદીને 50 દિવસ, છતાં 27 સપ્ટેમ્બરની રાહ કેમ જોવાય છે?

0
5

ઇન્ટરનેટ અને મોબાઈલ ફોનથી વંચિત કાશ્મીર ખીણવિસ્તારના લોકો 27 સપ્ટેમ્બરની રાહ જોઈ રહ્યા છે.

ભલે દુકાનદાર હોય, સ્થાનિક પત્રકાર હોય, અમારી હોટલમાં કામ કરતી ગોરખપુરની એક મહિલા હોય કે દુર્ગમ વિસ્તારો અને ગામડાંમાંથી આવેલા લોકો હોય – ગમે તેને પ્રશ્ન કરાય ત્યારે એકસરખો જ જવાબ મળશે, જોઈએ 27 સપ્ટેમ્બર બાદ શું થાય છે?

27 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર જનરલ ઍસેમ્બલી (યુએનજીએ)માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનાં ભાષણો થવાનાં છે.

અફવાગ્રસ્ત કાશ્મીરમાં એક વર્ગને લાગે છે કે કદાચ ભારત સરકાર 27 સપ્ટેમ્બર બાદ અનુચ્છેદ 370 ફરીથી લાગુ કરી દેશે. કેટલાકને આશંકા છે કે આ દિવસ પછી પાકિસ્તાન તરફથી હુમલા થવાની શરૂઆત થઈ જશે.

કેટલાકને લાગે છે કે 27 સપ્ટેમ્બર બાદ કટ્ટરપંથીઓના હુમલા શરૂ થશે. કેટલાકને એવું પણ લાગે છે કે 27 સપ્ટેમ્બર બાદ કાશ્મીર ‘સ્વતંત્ર’ થઈ જશે.

આ અફવાઓના આધાર વિશે જાણકારી નથી, આ અફવાઓ અંગે કોઈ પણ સ્પષ્ટતા નથી થઈ શકી, કારણ કે અમારી કોઈ અધિકારીઓ સાથે વાત થઈ શકી નથી.

પાંચ ઑગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીર પાસેથી તેનો વિશેષ દરજ્જો ઝૂંટવી લેવાયો હતો. રાજ્યના બે ટુકડા પણ કરી દેવાયા, રાજ્યમાં ઇન્ટરનેટ અને મોબાઈલ સેવા બંધ કરી દેવાઈ.

આ વાતને 50 દિવસ થઈ ચૂક્યા છે, પરંતુ લોકોનાં મનમાં આ નિર્ણયને અંગે ઉદાસી, ગુસ્સો, દુવિધા, અનિશ્ચિતતા અને ભયનું વાતાવરણ છે.

‘બધું જ ઠીક છે’ એવો દાવો કરનાર ભારતીય મીડિયાને લોકો ‘જૂઠાણાંનો અંબાર’ ગણાવે છે ‘જેઓ સાચા સમાચાર નથી આપતા’.

કાશ્મીર હોટલ ઍસોસિયેશનના પ્રમુખ મુશ્તાક ચાય પ્રમાણે આવું પહેલી વાર બન્યું છે કે ખીણવિસ્તારની અર્થવ્યવસ્થા માટે મહત્ત્વપૂર્ણ ગણાતા મુસાફરોને વિસ્તાર છોડીને ચાલ્યા જવાની સલાહ આપવામાં આવી છે.

એક દુકાનદારે મને કહ્યું કે, ‘લોકો શાંત છે, કશું જ નથી થઈ રહ્યું. એ જ ચિંતાની વાત છે.’

કાશ્મીરમાં પાછલા 50 દિવસો કઈ રીતે પસાર થયા, એ સમજવા માટે મેં શ્રીનગર સિવાય ઉત્તર અને દક્ષિણ કાશ્મીરનાં દુર્ગમ વિસ્તારો અને ગામોની મુસાફરી કરી.

શિક્ષા, વેપાર, ન્યાયવ્યવસ્થા, નાના ઉદ્યોગો, ખાદ્ય સામાનની કિંમતો, ટ્રાન્સપૉર્ટની અવરજવર, ઍક્સપૉર્ટ ઇન્ડસ્ટ્રી, કાશ્મીરમાં સરકારના નિર્ણયના કારણે સર્જાયેલી ‘હડતાળ’ને કારણે જીવનના દરેક પાસાને અસર કરી છે.

દુકાનો બંધ છે, બિઝનેસ ઠપ છે, હજારો હોટલો ખાલી પડી છે, શિકારા અને હાઉસબોટ પણ ખાલી છે અને ડલ ઝીલ અને સડકો મુસાફરો વિનાની બની ગઈ છે.

સડકો પર ભારે સંખ્યામાં સુરક્ષાકર્મીઓ તહેનાત છે અને મોટાભાગના લોકો પોતાનાં ઘરોમાં પુરાયેલા છે.

કનેક્ટિવિટી ન હોવાના કારણે લોકો પોતાના સંબંધી, સાથીદારો, સહકર્મચારીઓનો સંપર્ક નથી કરી શકી રહ્યા. મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર સમય જોવા અને ગેમ રમવા માટે થઈ રહ્યો છે.

નેશનલ કૉન્ફરન્સ અને પીડીપીના નેતાઓ નજરબંધ થયા બાદ ઘણા પાર્ટી કાર્યકર્તા કાં તો ગભરાઈને અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે કાં તો જમ્મુ-કાશ્મીરના બીજા વિસ્તારોમાં નાસી છૂટ્યા છે.

વધુ એક વ્યક્તિ પ્રમાણે, ‘વહીવટીતંત્ર અને પ્રભાવિત લોકો વચ્ચે સંપર્ક નથી, વાતચીત નથી થઈ રહી, તેથી નથી સમજાઈ રહ્યું કે આગળનો રસ્તો કેવો હશે.