નખની સુંદરતા વધારતો ટ્રેન્ડ જેલી નેઇલ આર્ટ

0
36

છેલ્લા થોડા સમયથી બ્યુટી ટ્રેન્ડને પ્રમોટ કરવા માટે ઇન્સ્ટાગ્રામ બેસ્ટ પ્લૅટફૉર્મ બનીને ઊભરી આવ્યું છે, જેમાં થોડાક સમય પહેલાં નેઇલ આર્ટ ટૉપ પર હતો. નેઇલ-પૉલિશ અને નેઇલ આર્ટમાં ઇન્સ્ટાગ્રામ પર દર અઠવાડિયે એક નવો જ ટ્રેન્ડ જોવા મળે છે. ક્લિયર, ક્રિસ્ટલ, ઍક્રિલિક ઍન્ડ ટ્રાન્સપરન્ટ જેલી નેઇલ ઍન્ડ જેલી મૅનિ‍ક્યૉર વિશે જાણીએ.

બ્યુટી વર્લ્ડ એક સાઇકલ જેવું છે. નેવુંના દાયકામાં જેલી શૂઝનો જબરો ક્રેઝ હતો. લગભગ દરેક યુવતીના શૂરૅકમાં પ્લાસ્ટિકનાં ટ્રાન્સપરન્ટ સૅન્ડલ રહેતાં. એ જ ફૅશન જેલી નેઇલ આર્ટના રૂપમાં ફરીથી પૉપ્યુલર બની છે. ઑસ્ટ્રેલિયાની મેલબર્ન સિટીમાં રહેતા આર્ટિસ્ટ અને નેઇલ ટેક્નિશ્યન જેન સફારિઅને એને ઇન્ટ્રોડ્યુસ કરી છે. જેલી નેઇલ લુક માટે જેને રેઇનબો જેલી, ઑમ્બ્રે બેસ અને વિવિધ ભૌમિતિક આકારનો પ્રયોગ કર્યો છે.

જેલી નેઇલ કઈ રીતે થાય છે અને લૅમ્પ વિશે સમજાવતાં નેઇલ આર્ટિસ્ટ ફાલ્ગુની સોની કહે છે, ‘પ્રેઝન્ટેશનના જમાનામાં હાથની સુંદરતાનું મહત્વ વધ્યું છે. નેઇલ આર્ટ હાથની સુંદરતા વધારે છે તેથી ઑફિસ ગોઇંગ અને પાર્ટી ક્રેઝી મહિલાઓમાં પૉપ્યુલર છે. જેલી નેઇલ લેટેસ્ટ ટ્રેન્ડ છે. સૌથી પહેલાં તમારા ઓરિજિનલ નખની શાઇનિંગને દૂર કરવા ડ્રાય મૅનિક્યૉર કરવું પડે છે. ફાઇલિંગ કરી ક્યુટિકલ્સને દૂર કરવામાં આવે છે. નખ પર કોઈ પણ આર્ટિફિશ્યલ વસ્તુ ચોંટાડવી હોય તો સરફેસ રફ હોવી જોઈએ. નખને રફ કરો એટલે ઑઇલ છૂટે. ઑઇલને રિમૂવ કરવા નખને ડિહાઇડ્રેટ કરવા પડે. જેમ દીવાલ પર રંગરોગાન કરતાં પહેલાં પ્રાઇમર લગાવવામાં આવે છે એ જ રીતે નખ પર લગાવવાનું પ્રાઇમર આવે છે. એ લગાવી સૂકવવા દેવું પડે. આ પદ્ધતિ દરેક નેઇલ આર્ટ માટે છે. જેલી આર્ટ માટે રફ સરફેસ પર બેઝ કોડ લગાવી લૅમ્પ નીચે સૂકવવામાં આવે છે. ક્લાયન્ટ્સે પસંદ કરેલી નેઇલ-પૉલિશની પાતળી લેયર લગાવી ફરી લૅમ્પ નીચે હાથ મૂકવો પડે. બીજી લેયર બાદ પણ એમ જ કરવાનું. છેલ્લે ટૉપ કોટ પર ડિઝાઇન કરી એના પર પ્રકાશ ફેંકવામાં આવે એટલે નખ સંપૂર્ણપણે સુકાઈ જાય. ટૉપ કોટની જેલ પૉલિશને સીલ કરવાનું કામ આ લાઇટ કરે છે. નખને ડેકોરેટ કરવામાં અડધા કલાક જેટલો સમય લાગે છે. જેલી નેઇલ-પૉલિશમાં બે પ્રકારના કલર્સ આવે છે. એક ગ્લાસ પેઇન્ટિંગ જેવી ઇફેક્ટ આપે છે અને બીજો ટ્રાન્સપરન્ટ જેલી જેવો લુક આપે છે.’

જેલી નેઇલ-પૉિલશ એવી ટેક્નિકથી બનાવવામાં આવી છે કે એ લાઇટ વગર સુકાય જ નહીં. આ ટ્રેન્ડને ફૉલો કરવા તમારી પાસે લૅમ્પ વાપરવા સિવાય બીજા ઑપ્શન નથી એમ જણાવતાં ફાલ્ગુની આગળ કહે છે, ‘જેલી નેઇલ-પૉિલશને સૂકવવા માટે પહેલાં અલ્ટ્રાવાયલટ (યુવી) લૅમ્પ વપરાતા હતા, હવે લાઇટ એમિટિંગ ડાયોડ્સ (એલઈડી) વર્ઝન આવી ગયું છે. લૅમ્પની અંદર બ્લુ કલરની લાઇટ ગોઠવેલી હોય છે. સાથે ૨૪થી ૪૮ સુધીના વૉલ્ટનું સેટિંગ હોય છે. લાઇટ ઇફેક્ટ વગર નેઇલ-પૉિલશ સુકાતી નથી એટલે આખી પ્રોસીજરમાં ત્રણથી ચાર વખત હાથ લેમ્પ નીચે મૂકવો પડે છે. યુવી લૅમ્પ વાપરો તો એક વારનો બેઝ સૂકવવા ૧૨૦ સેકન્ડ સુધી હાથ લૅમ્પ નીચે રાખવો પડે. એલઈડીમાં ૬૦થી ૯૦ સેકન્ડમાં નેઇલ-પૉિલશ સુકાઈ જાય છે. સિસ્ટમ પ્રમાણે કાળજીથી કામ કરવામાં આવે તો કોઈ પ્રકારનું જોખમ નથી. જે રીતે તમારા કુદરતી નખની સંભાળ રાખો છો એ જ રીતે કાળજી રાખો તો ત્રણ અઠવાડિયાં સુધી વાંધો આવતો નથી. નખ વડે કંઈ ખોતરી ન શકાય, પરંતુ રોજિંદાં કામકાજ સહેલાઈથી કરી શકો છો. યુવી અથવા એલઈડી ઇફેક્ટના કારણે આડઅસર થઈ હોય એવા કેસ બન્યા નથી.’

શું જેલી મૅનિક્યૉરથી ત્વચાના કૅન્સરનું જોખમ છે?

જેલ મૅનિક્યૉરમાં નખને તાબડતોબ સૂકવી નાખવાની ટેક્નિક બાબતે બ્યુટી એક્સપર્ટ અને ડર્મેટોલૉજિસ્ટ વચ્ચે મતમતાંતર પ્રવર્તે છે. ત્વચા નિષ્ણાતોનું માનવું છે કે એલઈડી લૅમ્પની અસરથી ઇન્ફેક્શન, એજિંગ અને સ્કિન કૅન્સર જેવાં જોખમો રહેલાં છે. નૉર્થ કૅરોલિનાસ્થિત ત્વચા નિષ્ણાત ડૉ. ચેરીસ એડિગને રિસર્ચ કર્યા બાદ અમેરિકન અસોસિએશન ઑફ ડર્મેટોલૉજિસ્ટને જેલી નેઇલ બ્યુટી ટ્રીટમેન્ટ માટેનાં ચોક્કસ સ્ટાન્ડર્ડ નક્કી કરવા માટેની ગાઇડલાઇન્સ મોકલી છે.

ઉપરોક્ત રિસર્ચ સંદર્ભે માહિતી આપતાં મુંબઈનાં ડર્મેટોલૉજિસ્ટ રિન્કી કપૂર કહે છે, ‘હાથ શરીરનું એવું અંગ છે જે આખો દિવસ ખુલ્લું રહે છે, તેથી એની કાળજી અને સુંદરતા બન્ને મહત્વનાં છે. અત્યાર સુધી ચહેરાની બ્યુટી પર ફોકસ કરવામાં આવતું હતું. નેઇલ આર્ટની ફૅશનના કારણે હવે મહિલાઓ હાથની સુંદરતાને પણ એટલું જ મહત્વ આપવા લાગી છે. ડે ટુ ડે લાઇફમાં નખની સંભાળ લેવી, નેઇલ-પૉલિશ લગાવવી તેમનાં રૂટીન કાર્યો છે તો ફેસ્ટિવ સીઝનમાં અને પ્રસંગોપાત્ત સૅલોંમાં જઈ વિવિધ નેઇલ આર્ટ કરાવે છે. લેટેસ્ટ ફૅશન ટ્રેન્ડને અનુસરવાનો શોખ રાખવો ખોટો નથી, પરંતુ કાળજી ન રાખો તો નુકસાન થઈ શકે છે.’

જેલી નેઇલ્સ માટે સૅલોંમાં લૅમ્પનો ઉપયોગ થાય છે એ ત્વચા માટે જોખમી છે એવાં અનેક રિસર્ચ થયા છે એમ જણાવતાં રિન્કી કહે છે, ‘અલ્ટ્રાવાયલેટ કિરણોત્સર્ગને ત્વચા સંબંધિત રોગો અને સ્કિન-કૅન્સર સાથે સીધો સંબંધ છે. સૂર્યના આકરા તાપથી જેમ ત્વચાને નુકસાન થાય છે એ જ નિયમ અહીં ઍપ્લિકેબલ છે. સામાન્ય મૅનિક્યૉરમાં નખની આસપાસની ત્વચા અને ડેડ સેલ્સને દૂર કરવા હળવા હાથે સ્ક્રબિંગ કરવામાં આવે છે, જ્યારે અહીં મશીન છે. યુવી લૅમ્પ સૂર્યનાં કિરણોથી ચારગણી વધુ ઝડપે પ્રકાશને તમારા હાથ પર ફેંકે છે. રિસર્ચ અનુસાર ૧૨ વખત મૅનિક્યૉર કર્યા બાદ તમારી ત્વચા પર એની અસર દેખાવા લાગે છે. જોકે આ પ્રકારની બ્યુટી ટ્રીટમેન્ટની આડઅસરના ચોક્કસ આંકડા સામે આવ્યા નથી, પરંતુ વારંવાર લૅમ્પના પ્રકાશના સંપર્કમાં આવવાથી લાંબા ગાળે નખની આસપાસની ત્વચાને હાનિ પહોંચી શકે છે.’

યુવી લૅમ્પથી ત્વચા સંબંધિત રોગોના જોખમને ટાળવા સૅલોં માટે નિયમો હોવા જોઈએ એવો અભિપ્રાય આપતાં તેઓ કહે છે, ‘સ્કિન ડૅમેજ થવાની શક્યતા એક્સપોઝરના સમય અને પ્રકાશની ગતિ પર આધાર રાખે છે. વિવિધ કંપનીના લૅમ્પમાં ગોઠવેલા બલ્બના વૉલ્ટેજમાં ફરક જોવા મળે છે, તેથી દરેક સૅલોં માટે પ્રૉપર ગાઇડલાઇન હોવી જોઈએ. મારા મતે મૅનિક્યૉરની ટોટલ ટ્રીટમેન્ટ માટે આઠ મિનિટથી વધુ સમય ન લાગવો જોઈએ. આ ઉપરાંત મહિલાઓએ પણ નીચે મુજબની સામાન્ય તકેદારી રાખવી જોઈએ.’

ઍન્ટિ-બાયોટિક્સ, ઓરલ કૉન્ટ્રાસેપ્ટિવ્સ, એસ્ટ્રોજન્સ અથવા કોઈ સપ્લિમેન્ટ લેતાં હો તો યુવી લૅમ્પના સંપર્કમાં ન આવો.
જેલી નેઇલ્સ માટે લૅમ્પ નીચે હાથ મૂકતાં પહેલાં વૉટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન સિવાય કોઈ પણ કૉસ્મેટિક અને પર્ફ્યુમ ન વાપરો. આ પ્રોડક્ટ્સમાં ભેળવવામાં આવેલાં ઇન્ગ્રીડિયન્ટ્સ અને પ્રકાશનો સંપર્ક ટાળવો જોઈએ.

હાથમાં ગ્લવ્ઝ પહેરો જેથી લૅમ્પનો સીધો પ્રકાશ માત્ર તમારા નખ પર જ પડે.

ટ્રીટમેન્ટ પૂર્ણ થયા બાદ ફરીથી હાથ પર સનસ્ક્રીન લગાવો.

બ્યુટિશ્યન આઠ મિનિટથી વધુ સમય લે તો ચોખ્ખી ના પાડી દો.

તમારા નખની નીચેની ત્વચામાં ડૅમેજ હોય તો લૅમ્પના બદલે ઍરડ્રાયર વાપરવાનું જણાવો. સંવેદનશીલ ત્વચા માટે ઍરડ્રાયર બેસ્ટ છે.

મૅનિક્યૉર બાદ નખની આસપાસની ત્વચા પર સ્પૉટ જોવા મળે અથવા ત્વચા સંબંધિત અન્ય ફરિયાદ જણાય તો ડૉક્ટરની સલાહ લેવી.