‘ગંગુબાઇ’ ચા હીરો કોણ?

0
19

અભિનેત્રીઆલિયા ભટ્ટ અત્યારે બૉલીવૂડની યુવા અભિનેત્રીઓમાં સૌથી આગળ છે. તેની ફિલ્મો કરવાની પસંદગી પણ બહુ સારી છે. અત્યાર સુધીની તેની ફિલ્મો જોઇએ તો તે બધી જ વૈવિધ્યસભર વિષયોવાળી છે. ‘હાઇવે’ જેવી ફિલ્મ કરીને તેણે બૉલીવૂડમાં પોતાની પ્રતિભા દર્શાવી દીધી અને લોકપ્રિયતા મેળવી લીધી હતી.

તે પછી તો તેની વ્યવસાયિક ફિલ્મો ઘણી આવી ગઇ, જે મોટા ભાગે સફળતાને વરી હતી. કરણ જોહરની તે ફેવરિટ હિરોઇન છે તો વરુણ ધવન સાથે તેની ફિલ્મી જોડી બહુ લોકપ્રિય છે. જોકે, હવે તો તે જુદા જુદા અભિનેતાઓ સાથે કામ કરી રહી છે અને તેમાંથી પોતાનો જીવનનો હીરો પણ શોધી લીધો. અમિતાભ બચ્ચન અને રણબીર કપૂર સાથેની તેની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ બહુ ચર્ચામાં છે. તેનું શૂટિંગ પૂરું થઇ ગયું છે અને પોસ્ટ પ્રોડકશનમાં છે. આલિયાની રણબીર સાથેની આ પ્રથમ જ ફિલ્મ છે, પણ શૂટિંગ દરમિયાન સેટ પર બંને વચ્ચે ઇલુ ઇલુ પાંગર્યું અને એક જ વર્ષમાં અને એક જ ફિલ્મમાં કામ કરતા કરતા બંને એટલા પ્રેમમાં પડી ગયા કે હવે લગ્ન કરવાની વેતરણમાં છે તે બધાને ખબર છે

. આવતા વર્ષે તોકદાચ તેમની ફિલ્મ રિલીઝ થાય તે પહેલા જ બંને પરણી પણ જાય તેવી વકી છે.

અગાઉ વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તેના અફેરની ચર્ચાઓ ચગી હતી, પણ બંને સાથે પછી તેનું નામ બોલાતું બંધ થઇ ગયું.

આલિયા ભટ્ટ સુંદર છે અને યુવાન પણ છે. આજની હિરોઇનોની કારકિર્દી લગ્ન પછી પણ ચાલુ રહેતી હોવા છતાંય ટૂંકી હોય છે. આમ છતાંય આલિયાની કારકિર્દી તો હજુ ઘણી લાંબી ચાલશે જ એમાં કોઇ શંકા નથી. તે જુદા જુદા પ્રકારના પાત્રો ભજવી શકે છે અને દિગ્દર્શકોની માનીતી પણ છે. આથી જ કેટલાયે કલાકારોને બૉલીવૂડમાં સ્થાપિત કરી ચૂકેલા અને લોકપ્રિય ફિલ્મો આપતા દિગ્દર્શક સંજય લીલા ભણસાલીએ પણ તેને તેમની આગામી ફિલ્મ ‘ગંગુબાઇ’માં લીધી છે. આ ફિલ્મમાં તેનો હીરો કાર્તિક આર્યન બને તેવી શક્યતા છે, જેની સાથે તે પહેલી વાર કામ કરશે. ‘ગંગુબાઇ’માં કાર્તિક આલિયાનો લવ ઇન્ટરેસ્ટ બનશે.

‘ઇન્શાલ્લાહ’ ફિલ્મ પડતી મૂક્યા પછી ભણસાલીએઆલિયાને લઇને આ ફિલ્મ શરૂ કરી છે. આલિયા તેમાં ગંગુબાઇનો કેન્દ્રીય રોલ કરશે. તે ફિલ્મનો મુખ્ય ભાગ છે. ફિલ્મ ફ્લોર પર જાય તે પહેલા ભણસાલી ફિલ્મની બધી જ તૈયારી કરી નાંખે છે. આથી આ ફિલ્મનું પણ રીસર્ચ થઇ ગયું છે અને તેની તૈયારી ચાલુ થઇ ગઇ છે. આલિયા માટે તો આ ફિલ્મ કારકિર્દીની સારી ફિલ્મ સાબિત થશે જ,

પણ કાર્તિકની ગાડી પણ પૂરપાટ દોડવા લાગશે, કારણ કે ભણસાલી જેનો હાથ પકડે છે તેનો બેડો પાર થઇ જાય છે.

જેમ કે અગાઉ ઐશ્ર્વર્યા રાય ‘હમ દિલ દે ચૂકે સનમ’થી બૉલીવૂડમાં પ્રસ્થાપિત થઇ હતી અને પોતાને મૉડેલ જ નથી, પણ હિરોઇન પણ સાબિત કરી હતી. તે પછીની એક સ્ટોરી તો જગજાહેર છે,

રણવીર સિંહ અને દીપિકા પદુકોણની. બંને ભણસાલીની એકસાથે એ પણ ત્રણ ફિલ્મો કરીને ભવસાગર તરી ગયા. ફિલ્મો તો સુપરહિટ ગઇ અને લોકપ્રિયતા મેળવી, પણ સાથે જીવનના પ્રવાસને પણ જોડી દીધું. સાથે કામ કરતા કરતા બંને પરણી પણ ગયા.

આથી હવે આલિયાને તો હીરો નથી શોધવાનો, પણ તેની અને કાર્તિકની કારકિર્દીમાં તો જરૂર ફરક આવી જશે. વળી, ફિલ્મ સામાન્ય મનોરંજક નથી, તેનો વિષય મહિલાલક્ષી અને ઓફબીટ છે. આથી આલિયાને ફરી હાઇવે પછી નવી લોકપ્રિયતા મળશે.

અત્યારેગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર સાથે એક એડ ફિલ્મ પણ કરી રહ્યા છે. હજુતો તેમની બિગ સ્ક્રીન પર જોડી આવી નથી ને તેઓ તો એડ ફિલ્મોમાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે, કારણ કે આ બંનેની સાથે બીજી એડ છે.

અગાઉ બંને એક એડ ફિલ્મ કરી ચૂક્યા છે. આમ, આ લવબર્ડ્ઝ લોકપ્રિય થઇ ગયું છે. થોડા સમય પહેલા બંને કેન્યામાં રોમેન્ટિક વેકેશન પણ માણી આવ્યા. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ સિવાય આલિયા પાસે બીજી ફિલ્મ પણ છે, રાજામૌલીની ‘આરઆરઆર’. જેમાં તેની સાથે જુ. એન. ટી. રામારાવ અને રામચરણ છે,જે ૩૦ જુલાઇ, ૨૦૨૦માં રજૂ થવાની છે.

આ ઉપરાંત ‘સડક ટુ’ છે,

જેમાં તેની સાથે સંજય દત્ત અને પૂજા ભટ્ટ છે. મહેશ ભટ્ટ દિગ્દર્શિત આ ફિલ્મ પણ ૨૦૨૦માં જુલાઇમાં રજૂ થવાની છે.

અને હવે ભણસાલી સાથેની ફિલ્મ. આમ, મહેશ ભટ્ટની આ દીકરી અભિનેત્રી તરીકે બહુ લકી છે કે તેની કારકિર્દી બહુ સરસ રીતે આગળ વધી રહી છે.