ગુજરાતીઓની બેંગકોક જવાની સંખ્યામાં વધારો થતાં નવી ફ્લાઇટ શરૂ કરાઇ

0
16

આમ તો લોકો જાણે જ છે કે ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે. પણ હવે ફરવા જવાની સંખ્યા એવી વધી ગઇ છે કે એલાઇન્સે પોતાની સર્વિસમાં વધારો કરવો પડ્યો. મળતી માહિતી મુજબ દર વર્ષે બેંગકોક, થાઇલેન્ડ જતા ગુજરાતીઓની સંખ્યા 1.50 લાખ પહોંચી ગઇ છે અને તેમાં સતત વધારો જ થઇ રહ્યો છે. આમ વિદેશી એરલાઇન્સ કંપનીએ વધતી સંખ્યાનો લાભ લેવા માટે અમદાવાદથી થાઇલેન્ડની નવી સર્વિસ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ-બેંગકોકની નવી ફ્લાઈટમાં ચા-નાસ્કો-ડ્રિંક્સ ફ્રિમાં આપશે
અમદાવાદથી બેંગકોક જવા માટે અત્યારે સ્પાઈસ જેટ અને થાઈ એર એશિયા એરલાઇન્સ સર્વિસ આપી રહી છે. પણ હવે બેંગકોક અને થાઇલેન્ડ જનારા ગુજરાતીઓની સંખ્યા વધતા થાઈ સ્માઈલે પણ અમદાવાદ-બેંગકોકની નવી સર્વિસ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઈટની શરૂઆત 29 ઓક્ટોબરથી થશે. જે સપ્તાહમાં 4 દિવસ ઉડાન ભરશે. આ ફ્લાઈટની રીટર્ન ટીકિટની કિંમત 11,700 થી શરૂ થાય છે. તો આ એરલાઇન્સ મુસાફરી દરમ્યાન મુસાફરોને ચા-કોફી-નાસ્તો અને ડ્રિંક્સ ફ્રિમાં આપવાની પણ જાહેરાત કરી છે.

અમદાવાદ-બેંગકોક ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ ઉડાન ભરશે
થાઈ સ્માઈલના કન્ટ્રી હેડ ગૌરવ ભટુરાએ જણાવ્યું કે, થાઈ એરવેઝની સબસિડરી કંપની થાઈ સ્માઈલ એરલાઈન્સ હાલ ભારતમાં 6 શહેર મુંબઇ, વારાણસી, જયપુર, કોલકત્તા, ગયા અને લખનઉથી બેંગકોકની સીધી ફ્લાઈટ ઓપરેટ કરે છે. હવે અમદાવાદ દેશનું સાતમું શહેર બનશે. અમદાવાદથી હાલ આ ફ્લાઈટ સપ્તાહમાં ચાર દિવસ ઓપરેટ થશે અને પ્રવાસીઓનો સારો પ્રતિભાવ મળશે તો આવનારા સમયમાં તેને ડેઈલી સર્વિસ પણ શરૂ થઇ શકે છે. આ ફ્લાઈટમાં પ્રીમિયમ ઈકોનોમી ક્લાસમાં 12 સીટ તેમજ ઇકોનોમી ક્લાસમાં 156 સીટ હોવાથી તમામ પ્રવાસીઓને આરામદાયક મુસાફરીનો લાભ મળી રહેશે. વધુમાં આ ફ્લાઈટ રાતે અમદાવાદથી ઉપડી સવારે બેંગકોક પહોંચતી હોવાથી ત્યાંથી યુરોપ સહિત અન્ય દેશોની આગળની મુસાફરી કરવા માંગતા પ્રવાસીઓને પણ કનેક્ટિંગ ફ્લાઈટની સુવિધા મળી રહેશે. આ પ્રસંગે ટૂરિઝમ ઓથોરિટી ઓફ થાઈલેન્ડના ડિરેક્ટર ચોલેન્ડા સિદ્ધિવરને જણાવ્યું કે, ગુજરાત સહિત ભારતમાંથી વર્ષ દરમિયાન સતત પ્રવાસીઓ આવતા હોય છે પરંતુ સૌથી વધુ પ્રવાસીઓ એપ્રિલ મે જૂન દરમિયાન બેંગકોક સહિત થાઈલેન્ડ ફરવા આવે છે.

જાણો, અમદાવાદ-બેંગકોકથી ક્યારે ઉપડે છે ફ્લાઇટ
અમદાવાદથી બેંગકોક દર મંગળવાર, ગુરૂવાર, શુક્રવાર અને શનિવારે મોડી રાત્રે 12.55 કલાકે ઉપડે છે જે વહેલી સવારે 6.55 કલાકે બેંગકોક પહોંચશે. તો બેંગકોકથી દર સોમનારે, બુધવારે, ગુરૂવારે અને શુક્રવારે રાત્રે 8.30 કલાકે ઉપડશે અને અમદાવાદ રાત્રે 11.55 કલાકે પહોંચશે.

નવી ફ્લાઈટ શરૂ થતાં પહેલાં જ 80 ટકાથી વધુ બુકિંગ થયું
થાઈ સ્માઈલના અધિકારીએ જણાવ્યું કે, એરલાઈન્સ દ્વારા 25 સપ્ટેમ્બરથી ફ્લાઈટનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દિવાળીની રજાઓ દરમિયાન 10 નવેમ્બર સુધી ફ્લાઈટ લગભગ હાઉસફુલ થઈ ગઈ છે. જ્યારે નવેમ્બર મહિનામાં બાકીના દિવસો દરમિયાન પણ 80 ટકાથી વધુ બુકિંગ થઈ ગયું છે.