પિતાએ દીકરા માટે પાંચ કરોડની કાર માત્ર 14 લાખ રૂપિયામાં બનાવી આપી

0
13

લમ્બોર્ગિનીની વાત આવે એટલે સ્ટાઇલ અને સ્પીડ બન્નેનું સંયોજન આવે. આ એવી કાર છે જે કોઈ પણ કારપ્રેમી માટે એ ડ્રીમ-કાર હોય. અમેરિકાના કોલોરાડોમાં રહેતા સ્ટર્લિંગ બૅક્સ નામના ભાઈનો દીકરો પણ વિડિયો ગેમ રમતાં-રમતાં લમ્બોર્ગિની ઍવેન્ટાડોર કારના મૉડલના પ્રેમમાં પડી ગયો. ગેમ રમતાં-રમતાં દીકરાએ સ્ટર્લિંગને પૂછ્યું કે શું આપણે આવી કાર ન લાવી શકીએ? દીકરો તો નાનો હોવાથી પાંચ કરોડની કાર ખરીદવાની પિતાની ત્રેવડ નથી એનાથી અજાણ હતો.

પિતાએ એ કાર કેટલી મોંઘી છે અને એ આપણે અફૉર્ડ ન કરી શકી એ એમ કહીને દીકરાને સમજાવ્યો, પણ ફરીથી માસૂમિયત સાથે ફરી સવાલ પૂછ્યો, લમ્બોર્ગિની ઍવેન્ટાડોર આપણે બનાવી ન લેવાય? પિતાને થયું કે ભલે ખરીદી ન શકાય, પણ બનાવી તા શકાયને? સ્ટર્લિંગ કોલોરાડોની કેએમ લૅબ્સના ચીફ સાયન્ટિસ્ટ ઑફિસર છે. તેણે થ્રીડી પ્રિન્ટરનો ઉપયોગ કરીને લમ્બોર્ગિની ઍવેન્ટાડોરની હૂબહૂ નકલ તૈયાર કરવાનો પ્લાન બનાવ્યો.

ઢાંચા માટે તેમણે સ્ટીલની ચેસિસ તૈયાર કરી હતી અને એમાં ૩૦૦થી વધુ હૉર્સપાવરવાળું એલએસ૧ વી૮ એન્જિન ફિટ કર્યું હતું. કારની બૉડી માટેનું મટીરિયલ પસંદ કરવાનું તેના માટે બહુ પડકારજનક હતું કેમ કે થ્રીડી પ્રિન્ટરથી માત્ર પ્લાસ્ટિકની જ ચીજ બનાવી શકાય છે અને રોડ પર ચાલતી કાર ગરમ થઈ જાય તો પ્લાસ્ટિક પીગળી જઈ શકે. એ સમસ્યાનું નિવારણ કરવા માટે સ્ટર્લિંગે દરેક પાર્ટ પર કાર્બન-ફાઇબરની પરત ચડાવી અને ઉપર પેઇન્ટ કરી લીધું જેનાથી આ કાર હલકીફુલકી હોવા છતાં મજબૂત બની ગઈ.

યુટ્યુબની મદદ લઈને સ્ટર્લિંગે લગભગ અઢી મહિનાની મહેનત બાદ લમ્બોર્ગિની ઍવેન્ટાડોર કાર તૈયાર કરી લીધી. આ બધા માટે ૨૦,૦૦૦ ડૉલર એટલે કે લગભગ ૧૪.૨૩ લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. રિયલ સાઇઝની આ કાર માત્ર શોપીસ નથી, એ ચલાવી પણ શકાય છે. અલબત્ત, એની સ્પીડ પાંચ કરોડની ઓરિજિનલ લમ્બોર્ગિની જેટલી નથી.