પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ

0
20
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ જીતુ વાઘાણીએ પણ ટ્‌વીટ કરીને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને શ્રદ્‌ધાંજલિ આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ જીતુ વાઘાણીએ પણ ટ્‌વીટ કરીને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને શ્રદ્‌ધાંજલિ આપી

અમદાવાદ,તા.૧૬
સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીનું ગત રાત્રિએ દેહાવસાન થયું હતું. દિવંગત આચાર્યના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલમાં મર્યાદિત સંતો-હરિભક્તોની હાજરીમાં પીપીઇ કીટ પહેરીને કરવામાં આવ્યા હતા. વિશ્વભરના હરિભક્તો તથા સંતોએ વેબસાઇટ પર ગુરૂવાર સવારે ૭ વાગ્યાથી ઓનલાઇન અંતિમ દર્શન કર્યા તેમજ અંતિમવિધિમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ તેમજ જીતુ વાઘાણીએ પણ ટ્‌વીટ કરીને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને શ્રદ્‌ધાંજલિ આપી છે. પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શન થયા બાદ તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેઓ ઘણા દિવસથી વેન્ટિલેટર પર હતાં.
પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર સ્મૃતિ મંદિર સંકુલ ખાતે શાસ્ત્રોક્ત વિધી પ્રમાણે કરવામાં આવ્યા હતા. હાલની કોરોના મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને મર્યાદિત સંખ્યામાં જ મંદિરના સંતો તેમજ હરિભક્તોએ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને આ અંતિમવિધિમાં જોડાયા હતા. ઉપસ્થિત રહેનાર દરેક સંત-હરિભક્તે પ્રોટોકોલ પ્રમાણે પીપીઇ કીટ પહેરી હતી અને પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજના અંતિમ સંસ્કાર કર્યા હતા.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજને જૂન મહિનાના છેલ્લા સપ્તાહ દરમિયાન ફેફસામાં ઈન્ફેક્શન લાગ્યું હતું. આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની તબિયત અગાઉ સ્થિર હતી પરંતુ તેમના ફેફસાંમાં ઈન્ફેક્શન વધી ગયું હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન તરફથી હરિભક્તોને અપીલ કરવામાં આવી છે કે અત્યારના સંજોગોને કારણે કોઇએ પણ સ્વામિનારાયણ મંદિર મણિનગર તથા શ્રી મુક્તજીવન સ્વામીબાપાના સ્મૃતિ મંદિરના કમ્પાઉન્ડમાં આવવાનું નથી. ગુરૂ શિષ્યના નાતે અંતિમસંસ્કારવિધિ પૂર્ણ થયા પછી સ્નાનવિધિ કરવી. આજથી ૧૧ દિવસ સુધી સંસ્થાનના દરેક મંદિરોમાં ઝાલર, નગારા વગાડવા નહીં, તેમજ ઉત્સવ કરવો નહીં. કોરોના મહામારીને પગલે દરેક ભક્તોએ ગૃહમંદિરે પ્રાર્થના, કથા, કીર્તન, ધ્યાન તથા ધૂન કરવી, પોતાની શક્તિ અનુસાર વિશેષ નિયમો લેવા.
મણિનગર સ્વામીનારાયણ સંસ્થાન ગાદીના આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીને ફેફસામાં ઈન્ફેક્શનની સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેમની સ્થિતિ ઘણી નાજૂક રહેતા ગત ૧૨ જુલાઈના રોજ પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામી મહારાજના અનુગામી તરીકે જીતેન્દ્રપ્રિયદાસજી સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી.આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજનો જન્મ વિક્રમ સંવત-૧૯૯૮ અધિક જેઠ સુદ-૧૩ તદ્‌અનુસાર ૨૮મી મે, ૧૯૪૨ ભારાસર-કચ્છ, ગુજરાતમાં થયો હતો. તેઓ ગુરુદેવ જીવનપ્રાણ મુક્તજીવન સ્વામીબાપા ૧૯ વર્ષ, ૯ મહિના અને ૨૩મા દિવસે ૨૧મી માર્ચ, ૧૯૬૨ (વિક્રમ સંવત-૨૦૧૮, ફાગણ સુદ પૂર્ણિમા)ના દિવસે સાધુ જીવન સ્વીકારી શિષ્ય બન્યા હતા.તેઓ શ્રીસ્વામિનારાયણ ગાદીના આચાર્યપદે ૪૧ વર્ષ સુધી બિરાજમાન રહ્યાં.