31 ઓક્ટોબર, 2021 પહેલાં રસીના બંને ડોઝ લેનાર વાલીઓને વાર્ષિક ફીમાં પાંચ ટકાની રાહત આપશે
અમદાવાદ : સમગ્ર દેશ હાલ કોવિડ-19ની બીજી લહેરથી બચવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને સંભવિત ત્રીજી લહેરથી નાગરિકોને બચાવવા માટે રસીકરણ જ એકમાત્ર ઉપાય હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. મોટાપાયે રસીકરણને પ્રોત્સાહન આપવા અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમદાવાદની ખાનગી શાળાઓએ એક અનોખી પહેલ શરૂ કરી છે. જેથી કોરોના મહામારીની ત્રીજી લહેરને ટાળવા માટે વાલીઓને રસીના બંને ડોઝ લેવા માટે પ્રોત્સાહિત કરી શકાય. 31 ઓક્ટોબર, 2021 કે તે પહેલાં રસીના બંને ડોઝ લેનાર તમામ વાલીઓને આ સ્કૂલ્સ દ્વારા વાર્ષિક ફીમાં પાંચ ટકાની રાહત આપવામાં આવશે. આ પહેલ ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બે પ્રિ સ્કૂલ સેટેલાઈટ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને બોડકદેવ સ્કૂલ ફોર ચિલ્ડ્રન માટે કરાઈ છે સ્કૂલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે કોવિડ-19ની ઘાતક બીજી લહેરથી અસર પામ્યા હોવા છતાં કેટલાક લોકો હજુ પણ રસી લેવાથી ખચકાઈ રહ્યા છે. એઈમ્સ-નવી દિલ્હીના એક અભ્યાસ મુજબ વેક્સિન લીધા પછી જો કોવિડ-19થી ફરી ચેપગ્રસ્ત થવાય તો પણ આ બીમારીના લીધે મૃત્યુ થવાની શક્યતા લગભગ નહીંવત છે. નિષ્ણાંતો કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરી રહ્યા છે ત્યારે દરેક નાગરિક રસી લે તે હાલના સમયની જરૂરિયાત છે. સરકારના વ્યાપક રસીકરણ અભિયાનને સમર્થન આપવા અને વાલીઓને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા અમે આ પહેલ શરૂ કરી છે જે અંતર્ગત અમે રૂ. બેથી સાડા ત્રણ કરોડની ફી રાહત આપવા માંગીએ છીએ.રસીકરણ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ વાલીઓને જીવનરક્ષક રસી લેવા માટે પ્રોત્સાહિત કરવાનો છે કારણ કે જે લોકો રસી લે છે તેમને જીવનું જોખમ લગભગ નહીંવત છે. ચારેય સ્કૂલના કુલ 238 ક્લાસના 19,000થી વધુ વાલી સમુદાયને રસીકરણ અભિયાનમાં આવરી લેવાનો લક્ષ્યાંક દરેક ક્લાસના બાળકોના માતા-પિતા બંનેએ ફીમાં ડિસ્કાઉન્ટ મેળવવા માટે વેક્સિન લીધાનું સર્ટિફિકેટ આપવાનું રહેશે.