નવી દિલ્હી: ઝાયડસ કેડિલાએ તેની કોરોના વેક્સિન ZyCoV-Dના ઈમર્જન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા પાસેથી મંજૂરી માગી છે. આ વેક્સિન 12 વર્ષથી ઉપરના લોકો માટે છે. એના ફેઝ-3ની ટ્રાયલ પૂરી થઈ ચૂકી છે. કંપનીનું કહેવું છે કે એનો વાર્ષિક 12 કરોડ ડોઝ બનાવવાનો પ્લાન છે.ZyCoV-Dને મંજૂરી મળે છે તો આ દેશની પાંચમી એપ્રૂવડ વેક્સિન હશે. બે દિવસ પહેલાં જ અમેરિકાની કંપની મોડર્નાને કોરોના વેક્સિન DGCIએ મંજૂરી આપી છે. એ પહેલાં કોવિશીલ્ડ, કોવેક્સિન અને સ્પુતનિક-Vને એપ્રૂવલ મળ્યું હતું.ભારતમાં હાલ લગાવવામાં આવી રહેલી વેક્સિન ડબલ ડોઝ છે. જોનસન એન્ડ જોનસન અને સ્પુતનિક લાઈટ જેવી સિંગલ ડોઝ વેક્સિન પણ છે, જે આગામી મહિનાઓમાં ભારત આવે એવી શકયતા છે. જોકે ZyCoV-D વેક્સિન આ તમામથી અલગ છે. આ ભારતીય વેક્સિનના એક કે બે નહિ, પરંતુ ત્રણ ડોઝ લગાવવામાં આવશે.ZyCoV-D એક DNA-પ્લાઝ્મિડ વેક્સિન છે. આ વેક્સિન શરીરની ઈમ્યુનિટી વધારવા માટે જિનેટિક મટીરિયલનો ઉપયોગ કરે છે. જે રીતે અમેરિકા સહિત ઘણા દેશોમાં લાગી રહેલી ફાઈઝર અને મોડર્ના વેક્સિન ઈમ્યુનિટી વધારવા માટે mRNAનો ઉપયોગ કરે છે, એ રીતે પ્લાઝ્મિડ-DNAનો ઉપયોગ કરે છે.દેશમાં હાલ સીરમ ઈન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવેક્સિનનો ઉપયોગ વેક્સિન ડ્રાઈવમાં કરવામાં આવી રહ્યો છે. રશિયાની સ્પુતનિક-Vને પણ ભારતમાં ઉપયોગ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ સિવાય DRDOએ કોવિડ માટે 2-DG દવા બનાવવામાં આવી છે. એના ઈમર્જન્સી ઉપયોગને પણ મંજૂરી આપવામાં આવી છે. આ એક પાઉડર હોય છે, જેને પાણીમાં મિક્સ કરીને આપવામાં આવે છે.